આર્યન ખાનને જામીન:શાહરુખના દીકરાને 26 દિવસે જામીન મળતાં બોલિવૂડ ફિદા, સોનુ સૂદે કહ્યું, ‘સમય ન્યાય તોળે છે, ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી’

3 મહિનો પહેલા
  • આર્યનના જામીન મંજૂર થતાં જ બોલિવૂડ સેલેબ્સે ખુશી વ્યક્ત કરી

આખરે 26 દિવસ પછી ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને બોમ્બે હાઇ કોર્ટ દ્વારા ગુરુવારે 28 ઓક્ટોબરના રોજ જામીન આપી દેવામાં આવ્યા છે. અલબત્ત, 29 ઓક્ટોબરે કોર્ટમાં જામીનની શરતોની સુનાવણી થયા પછી જ આર્યનનો આર્થર રોડ જેલમાંથી છૂટકારો થશે. પરંતુ આટલાં અઠવાડિયાંથી સૌને જેનો ઇન્તેજાર હતો તે પૂરો થતાં સમગ્ર બોલિવૂડે રાહતનો શ્વાસ લીધો છે. સૌએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમાં અભિનેતાઓ સોનુ સૂદ, સ્વરા ભાસ્કર, આર. માધવન, મલાઇકા અરોરા, ફિલ્મમેકર્સ રામગોપાલ વર્મા, હંસલ મહેતા, ગાયક મિકા સિંહ સહિતની સેલિબ્રિટીઓએ હાશકારો વ્યક્ત કર્યો છે.

સોનુ સૂદે લખ્યું કે, ‘જ્યારે સમય ન્યાય તોળે છે ત્યારે કોઈ સાક્ષીની જરૂર પડતી નથી.’

સામાજિક મુદ્દાઓ પર સતત પ્રતિક્રિયા આપતી રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે ક્લેપના ઇમોજી સાથે એટલું જ લખ્યું કે, ‘ફાઇનલી!’

સોશિયલ મીડિયા પર પોતાની તિરછી અને તીખી પ્રતિક્રિયાઓ આપવા માટે જાણીતા ફિલ્મમેકર રામગોપાલ વર્માએ આ મુદ્દે પણ વક્રદૃષ્ટિ કરતાં લખ્યું કે, ‘જો મુકુલ રોહતગીની દલીલોને કારણે આર્યનને જામીન મળ્યા હોય, તો શું એનો અર્થ એ થયો કે અગાઉના વકીલો સક્ષમ નહોતા અને એને કારણે આર્યનને વિનાકારણે આટલા બધા દિવસ જેલમાં રહેવું પડ્યું?’

અભિનેતા આર. માધવને એક પિતા તરીકે શાહરુખની સ્થિતિની કલ્પના કરીને લખ્યું કે, ‘ઇશ્વરનો આભાર. એક પિતા તરીકે મને અત્યંત રાહતની લાગણી થઈ છે. હવે આશા રાખીએ કે બધું સારું અને પોઝિટિવ જ થાય.’

આર્યનની સાથોસાથ જેની પણ પૂછપરછની તલવાર તોળાઈ રહી હતી તે અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે આર્યન સાથેની પોતાના બાળપણની તસવીર શૅર કરીને આ ક્ષણને સેલિબ્રેટ કરી હતી.

સિંગર મિકા સિંહે લખ્યું કે, ‘આર્યન ખાન અને અન્ય આરોપીઓને જામીન મળવા બદલ અભિનંદન. ભાઈ શાહરુખ, આખરે જામીન મળ્યાના અભિનંદન. ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં. તમે આ ઇન્ડસ્ટ્રીને બહુ બધું આપ્યું છે. ઈશ્વર તમારી અને તમારા પરિવારની રક્ષા કરે.’

‘સ્કેમ 1992’ ફેમ ડિરેક્ટર હંસલ મહેતાએ લખ્યું કે, ‘આજે રાત્રે મારે ધડાકો કરવો છે!’

શાહરુખ ખાનની સાથે ‘કભી હાં કભી ના’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તો તપાસ સંસ્થા સામે જ સવાલો ઉઠાવતાં લખ્યું કે, ‘આર્યન ખાનને જામીન મળી ગયા તે જાણીને આનંદ થયો. જે રીતે એનસીબીએ રેડ પાડી અને અરેસ્ટિંગ ઓફિસર સમીર વાનખેડેએ કાર્યવાહી કરી તેનું સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન થવું જોઇએ. લીગલ પાવર્સનો ઉપયોગ અંગત ફાયદા માટે ન થવો જોઇએ.’

‘કાંટે’ જેવી ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર સંજય ગુપ્તાએ લખ્યું કે, ‘આર્યન ખાનને જામીન મળી ગયા તેનો આનંદ થયો, પરંતુ દુઃખ એ વાતનું છે કે આપણી સિસ્ટમે એક યુવાનને એવા કૃત્ય બદલ 25 દિવસથી પણ વધુ સમય સુધી જેલના સળિયા પાછળ રાખ્યો જે તેણે કર્યું જ નથી!! આમાં પરિવર્તન આવવું જોઇએ!!! ઇશ્વર તારી રક્ષા કરે અને તને મજબૂત બનાવે, આર્યન ખાન.’

મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામમાં ‘થેન્ક ધ લોર્ડ’ લખીને ઇશ્વરનો આભાર માન્યો.

હુમા કુરેશીએ ન્યૂઝ એજન્સીનો આર્ટિકલ શૅર કરીને હાર્ટ ઇમોજી સાથે લખ્યું કે, ‘ફાઇનલી’

અન્ય સમાચારો પણ છે...