વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર રોજ નવા કીર્તિમાન સ્થાપી રહી છે. ફિલ્મના સપોર્ટમાં હવે બિગ સ્ટાર્સ પણ આવી રહ્યા છે. આમિર ખાન બાદ હવે અજય દેવગને આ ફિલ્મ અંગે વાત કરી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અજયને ફિલ્મની સફળતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. અજયને પૂછવામાં આવ્યું હતું કે શું દર્શકોને એટ્રેક્ટ કરવા માટે સત્ય ઘટના પર ફિલ્મ બનાવવી બેસ્ટ આઇડિયા છે? એક્ટરે પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે આવું નથી, કેટલુંક સત્ય કમાલનું હોય છે.
અજયે શું કહ્યું?
અજયે વધુમાં કહ્યું હતું, 'આ માત્ર હિંદુસ્તાનમાં નથી, પરંતુ આખી દુનિયામાં છે. જ્યારે તમે એક વાર્તા સાંભળો છો, જેમ કે મેં પહેલાં ફિલ્મ કરી હતી, 'લિજેન્ડ ઓફ ભગત સિંહ' અને હવે આ, કેટલીક વાર્તાઓ ઘણી જ ઇન્સ્પિરેશનલ હોય છે અને ઘણીવાર જે સત્ય હોય છે તે ઘણું જ અમેઝિંગ હોય છે કે તમે તેવું ફિક્શન લખી શકો નહીં.'
અજયે ફિલ્મના આઇડિયા પર વાત કરી
અજયે આગળ કહ્યું હતું, 'આઇડિયા એ નથી હોતો કે કોઈ સત્ય ઘટના શોધો. જ્યારે તમે આવું કંઈક સાંભળો છો તો તમને લાગે છે કે આ બહુ જ એકસ્ટ્રા ઓર્ડિનરી વાત છે અને આ દુનિયાની સામે આવી જ જોઈએ. આથી તમે તેને પસંદ કરો છો, નહીંતર આપણે જાતે પણ વાર્તા લખીએ છીએ અને બનાવીએ છીએ.
આ પહેલાં આમિરે શું કહ્યું હતું?
'RRR'ની ટીમ દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન અર્થે આવી હતી, જેમાં જુનિયર NTR, રામચરણ તેજા, આલિયા ભટ્ટ તથા ડિરેક્ટર રાજમૌલિ પણ હતા. આમિર ખાન પણ ફિલ્મના પ્રમોશન માટે ગેસ્ટ તરીકે આવ્યો હતો. સ્ટેજ પર આમિર ખાનને 'કાશ્મીર ફાઇલ્સ' અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું, 'હું 'ધ કાશ્મીર ફાઇલ્સ' જરૂરથી જોઈશું, કારણ કે તે આપણાં ઈતિહાસનું એક એવું પાનું છે, જેનાથી તમામનું દિલ દુભાયું છે. જે કાશ્મીરમાં થયું, કાશ્મીરી પંડિતો સાથે થયું તે ખરેખર દુઃખની વાત છે. આ ફિલ્મ તે ટોપિક પર બની છે અને દરેક હિંદુસ્તાનીએ આ ફિલ્મ જોવી જોઈએ અને દરેક હિંદુસ્તાનીએ આ યાદ રાખવું જોઈએ કે જ્યારે એક વ્યક્તિ પર અત્યાચાર થાય છે, ત્યારે કેવું લાગે છે.'
પોઝિટિવ રિવ્યૂ મળ્યા
કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મને દર્શકો તથા ક્રિટિક્સનો પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે. આ ફિલ્મે 11 દિવસમાં 179.85 કરોડની કમાણી કરી છે.
અજયની ફિલ્મ 29 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મ 'રનવે 34'ની વાત કરીએ તો આ ફિલ્મમાં અજય દેવગન, અમિતાભ બચ્ચન તથા રકુલ પ્રીત સિંહ લીડ રોલમાં છે. અજય કમર્શિયલ પાયલટના રોલમાં છે અને 35 હજાર ફૂટની ઊંચાઈ પર ખરાબ વાતાવરણમાં ફ્લાઇટના પેસેન્જર્સનો જીવ બચાવે છે. રકુલ પ્રીત મહિલા પાયલટના રોલમાં છે. અમિતાભ સીનિયર ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મ ઈદ પર એટલે કે 29 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મને અજય દેવગને ડિરેક્ટ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.