તુનિષા શર્મા સુસાઇડ કેસનાં મુખ્ય આરોપી શિજાન ખાનને આખરે જામીન મળી ગયા છે. શિજાનને લેવા માટે તેની માતા અને બંને બહેનો ફલક નાઝ અને શફક નાઝ વસઇ કોર્ટ પહોંચી હતી. શિજાન જેવો જેલની બહાર નિકળ્યો માતા અને બહેનને ગળે લગાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. લગભગ 70 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ શિજાનને કોર્ટમાંથી જામીન મળ્યાં હતાં.
ટીવી એકટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે શૂટિંગના સેટ પર ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.તુનિષાએ આત્મહત્યા કર્યાના કલાકો બાદ તેની માતાએ તેના કો-સ્ટાર શિજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 25 ડિસેમ્બર 2022ના રોજ પોલીસે શિજાનની ધરપકડ કરી હતી.
શિજાન બે મહિના સુધી જેલમાં બંધ રહ્યો
આ મામલાની તપાસ કરી રહેલી વાલિવ પોલીસે 500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. શિજાન પર તુનીષાની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો હતો. ધરપકડ બાદ શિજાને ઘણી વખત જામીન માટે અરજી કરી હતી.
13 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં વસઈ કોર્ટે શિજાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી શિજાને હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ 17 ફેબ્રુઆરીએ પણ શિજાનને અહીંથી રાહત મળી શકી ન હતી.
શિજાન ખાનને 4 માર્ચ 2023ના રોજ મુંબઈની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. શિજાનને 1 લાખ રૂપિયાના બોન્ડ પર છોડવામાં આવ્યો હતો. શિજાનની જામીન અરજી ઘણા સમયથી ફગાવાઈ રહી હતી. પરિવારથી લઈને વકીલ તેને બચાવવામાં લાગેલા હતા. જોકે હવે તેનો પરિવાર અને ચાહકો શિજાનને બહાર જોઈને ખુશ છે.
4 મહિના રિલેશનશિપમાં રહ્યા શિજાન અને તુનિષા
શિજાન અને તુનિષા લગભગ 4 મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તુનિષાની આત્મહત્યાના 15 દિવસ પહેલા બંનેનું બ્રેકઅપ થયું હતું. ધરપકડ બાદ પૂછપરછમાં શિજાન ખાને ઉંમર અને ધર્મના કારણે તુનિષા સાથે બ્રેકઅપની વાત સ્વીકારી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શિજાને કહ્યું હતું કે શ્રદ્ધા મર્ડર કેસ પણ તેમના બ્રેકઅપનું કારણ હતું. તે સમયે દેશમાં પ્રવર્તમાન વાતાવરણથી તેઓ પરેશાન હતા. તેમણે એ પણ જણાવ્યું કે તુનિષા અલગ થવા માંગતી હતી. તુનિષાની માતાને તેનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું.
ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ હતી તુનિષા 20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના વીર પુત્ર-મહારાણા પ્રતાપથી કરી હતી. તે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક શુભાન અલ્લાહ જેવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.