બોલિવૂડના કપલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. પછી તે રિશી કપૂર-નીતુ સિંહ વચ્ચેના ઝઘડા હોય કે પછી રણધીર અને બબીતા વચ્ચે સંબંધમાં તિરાડ પડી હોય. આમ છતાં આ કપલ્સ ફેન્સમાં પ્રિય હોય છે. કપૂર પરિવારની નાનામાં નાની વાતને જાણવા માટે લોકો ખુબ જ ઉત્સાહિત હોય છે. આજે એક એવી વાત જ જાણીશું.
આ વાત એમ છે કે, છેલ્લાં 35 વર્ષથી એક-બીજાથી અલગ રહેતા કરીના અને કરિશ્મા કપૂરના માતા-પિતા બબીતા અને રણધીર કપૂર ફરી એકવાર એક છત નીચે રહેવા માટે તૈયાર છે. બંનેએ ભૂતકાળને ભૂલીને સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. તો બીજી એક મહત્ત્વની વાત એ છે કે, આટલો સમય સુધી અલગ રહ્યાં બાદ પણ છૂટાછેડા નથી થયા. તો 35 વર્ષ બાદ માતા-પિતા સાથે રહેશે તે વાતથી કરિશ્મા અને કરીના કપૂર ઘણા ખુશ છે હેવાય છે કે 80ના દાયકામાં બબીતાએ પોતાની દીકરીઓ સાથે પતિ રણધીર કપૂરનું ઘર છોડી દીધું હતું.
જો રિપોર્ટ્સનું માનવામાં આવે તો, બબીતા તેના પતિ સાથે બાંદ્રા સ્થિત ઘરે રહેવા લાગી છે. તો વાત તો એ પણ મળી રહી છે કે, રણધીર-બબીતાનું પેચ-અપ લગભગ 7 મહિના પહેલાં થયું હતું. જ્યારે રણધીર બાંદ્રા હાઉસમાં શિફ્ટ થઈ ગયો હતો ત્યારે થોડા સમય પછી બબીતા પણ તેના પતિ સાથે રહેવા આવી ગઈ હતી.
રણધીર કપૂર અને બબીતાની પહેલી ફિલ્મ 'કલ આજ ઔર કલ'
બન્નેની પ્રેમ કહાની વિશે વાત કરવામાં આવે તો રણધીર કપૂર અને બબીતાની પહેલી ફિલ્મ 'કલ આજ ઔર કલ' હતી. પહેલી જ ફિલ્મ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા હતા. જ્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે પરિવારના સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો.
આ વિરોધ કરવા પાછળનું કારણ એવું હતું કે તે સમયે કપૂર ખાનદાનની દીકરી ફિલ્મમાં કામ કરતી ન હતી તો કોઈ એક્ટ્રેસ પણ પરિવારમાં વહુ બનીને આવતી ન હતી. જ્યારે રણધીર કપૂરે પિતા રાજ કપૂરને બબીતા સાથે લગ્ન કરવાની વાત કરી તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. બંને વચ્ચે પ્રેમ એ હદે વધી ગયો હતો કે, રણધીર તેના પરિવારની વિરુદ્ધ જવા છતાં એક્ટ્રેસ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો હતો.બંનેએ બબીતા ફિલ્મોમાં કામ ન કરવાની શરતે લગ્ન કર્યા હતા.
બબીતાએ એક્ટિંગને અલવિદા કહી દીધી
રણધીર કપૂરના પ્રેમમાં પડ્યા પછી બબીતાએ પોતાની એક્ટિંગની કરિયરને અલવિદા કહી દીધું. 1971માં બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી બંને એક ફ્લેટમાં રહેવા લાગ્યા. કરિશ્માનો જન્મ 1974માં અને કરીનાનો 1980માં થયો હતો. લગ્નના થોડા સમય બાદ રણધીર કપૂર અને બબીતા વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. ખરેખર બબીતા રણધીરના કામ ન કરવાને કારણે ખૂબ જ ચિંતિત હતી. આ પછી એક સમય એવો આવ્યો જ્યારે બબીતા પોતાના પતિને છોડીને દીકરીઓ સાથે અલગ રહેવા ચાલી ગઈ હતી.
એક્ટ્રેસે 80ના દાયકાના તેની બે પુત્રીઓ સાથે આરકે બંગલો છોડવાની ફરજ પડી હતી. આરકે બંગલામાંથી કરિશ્મા અને કરીનાને લઈને તે લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં અલગ રહેવા લાગી હતી. બબીતા ઈચ્છતી હતી કે તેની બંને દીકરીઓ હિરોઈન બને અને તે જ થયું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.