અંતે, 28 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવ્યો છે. આજે, 30 ઓક્ટોબરે સવારે 11 વાગે તે જેલમાંથી બહાર આવ્યો હતો. શાહરુખે પોતાના બોડીગાર્ડ રવિ સાથે રેન્જ રોવર કાર મોકલી હતી. રેન્જ રોવર ઉપરાંત બે કાર પણ આવી હતી. શાહરુખ ખાનની કાર રેન્જ રોવર જેલના દરવાજા આગળ જ પાર્ક થયેલી હતી અને આર્યન જેલના ગેટમાંથી આવીને સીધો કારમાં બેસી ગયો હતો. અડધા કલાકમાં આર્યન મન્નત, એટલે કે પોતાના ઘરે પહોંચી ગયો હતો. અહીં વાજતે-ગાજતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મન્નતની બહાર ચાહકો ઊમટી પડ્યા છે. તેમને નિયંત્રણમાં રાખવા પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
આજે પરોઢિયે 5:30 વાગ્યે આર્થર રોડ જેલની જામીન પેટી ખૂલી હતી. ત્યાર બાદ આર્યન ખાનની જામીનના કાગળ જેલની અંદર પહોંચ્યા હતા અને ત્રણથી ચાર કલાકની અંદર જામીનની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી.
ચોરોએ ભીડનો લાભ ઉઠાવ્યો
આર્થર રોડ જેલમાંથી આર્યન ખાન બહાર આવવાનો હોવાથી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. આ વાત પોકેટમારો માટે લાભદાયી સાબિત થઈ હતી. માનવામાં આવે છે કે અંદાજે 10 લોકોના મોબાઇલ ફોન અહીંથી ચોરી થઈ ગયા હતા.
આર્યનના મિત્ર અરબાઝને લેવા માટે પણ તેના પિતા જેલની બહાર પહોંચ્યા હતા.
આર્યન ઉદાસ થઈને પાછો બેરેકમાં ગયો
આર્યન બપોરથી જ પોતાનો સામાન લઈને જેલરની ઓફિસમાં બેઠો હતો. જોકે સાંજે છ વાગે પણ રિલીઝ ઓર્ડર ના આવતાં તે ઉદાસ થઈને પાછો બેરેકમાં જતો રહ્યો હતો.
હાઇકોર્ટનો ઓર્ડર મોડો આવ્યો
મુંબઈ ટ્રાફિક, સેશન્સ કોર્ટની કાર્યવાહી તથા હાઇકોર્ટમાંથી ઓપરેટિવ જજમેન્ટ મોડું આવવાને કારણે આર્યન ખાન ગઈકાલે જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. બોમ્બે હાઇકોર્ટમાં બપોરે અંદાજે 3.30 વાગે આ જજમેન્ટ હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે, આ ઓર્ડરની સર્ટિફાઇડ કોપી લઈને સ્પેશિયલ NDPS કોર્ટ જવાનું હતું. આમાં પણ સમય લાગ્યો હતો.
સેશન્સ કોર્ટની કાર્યવાહીમાં મોડું થયું
અંદાજે સાડાચાર વાગે જુહી ચાવલા જામીનદાર બનીને સેશન્સ કોર્ટ આવી હતી અને ત્યાર બાદ કાર્યવાહીમાં એક કલાકનો સમય થયો હતો. જુહી સાંજે છ વાગે સેશન્સ કોર્ટમાંથી બહાર આવી હતી. આ દરમિયાન આર્યનની સિક્યોરિટી બોન્ડ ભરવામાં આવ્યું હતું અને અન્ય સરકારી પેપર પર વકીલની સહી લેવામાં આવી હતી. આ બધામાં મોડું થયું હતું.
એક લાખના બોન્ડ પર જામીન મળ્યા
હાઇકોર્ટે આર્યન ખાન માટે પાંચ પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો હતો. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે. કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ સેશન્સ કોર્ટ જઈને આર્યન માટે બેલ બોન્ડ ભર્યું હતું. ત્યાર બાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે બેલ ઓર્ડર લઈને આર્થર રોડ જેવા નીકળ્યા હતા.
મન્નતમાં દિવાળી જેવો માહોલ
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ઘરવાપસીને લઈ 'મન્નત'ની અંદર અને બહાર દિવાળી જેવો માહોલ છે. આજે મન્નતની બહાર ફેન્સનું કીડિયારું ઊભરાયું છે. આર્યનની ઘરવાપસીની ખુશીમાં બંગલાને રોશીનીથી ઝગમગતો કરવામાં આવ્યો છે. આજે સવારથી ફેન્સ મન્નત બહાર ભેગા થયા છે. પરિસ્થિતિ બેકાબૂ થતી બચાવવા માટે પહેલાંથી મન્નતની બહાર પોલીસની ટીમ તહેનાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.