'આદિપુરુષ'નો રાવણ જોઈ યુઝર્સ ભડક્યા:સૈફ અલી ખાનના લુકથી ચાહકો નિરાશ, મુગલ શાસકો સાથે તુલના કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રભાસ, ક્રિતિ સેનન તથા સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ને બોયકૉટ કરવાની માગણી સો.મીડિયામાં થઈ છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર બાદ ચાહકોને પ્રભાસ તથા ક્રિતિ રામ-સીતાના રોલમાં પસંદ આવ્યા છે. જોકે, મોટાભાગના યુઝર્સે સૈફના લુકથી નિરાશ થયા છે. આ સાથે જ ચાહકો VFXથી ખાસ ઇમ્પ્રેસ થયા નથી.

હિંદુ મહાસભાએ શું કહ્યું?
અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે ફિલ્મમાં સૈફ અલી ખાનના લુકની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું, 'ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં દક્ષિણ ભારતની ફિલ્મ 'આદિપુરુષ'માં સૈફ અલી ખાનને એ રીતે બતાવવામાં આવ્યો છે, જાણે કે તે આતંકી ખિલજી કે ચંગેઝ ખાન કે ઔરંગઝેબ હોય. માથા પર ના તિલક કે ના ત્રિપુંડ છે. આપણા પૌરાણિક પાત્રો સાથે છેડછાડ સહન થશે નહીં.'

આ ઉપરાંત ભાજપ પ્રવક્તા તથા માલવિકાએ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'વાલ્મિકીના રાવણ, ઈતિહાસના રાવણ, લંકાધિપતિ, મહાશિવના ભક્ત 64 કળામાં માહિલ હતા. તેમણે 9 ગ્રહોને પોતાના પગ તળે રાખ્યા હતા. થાઇલેન્ડના લોકો કેટલી સુંદરતાથી રામાયણ માટે નૃત્ય કરે છે. પછી આ કાર્ટૂન બનાવવાની શી જરૂર હતી. હું માનું છું કે આ તૈમુરના પિતા છે. બોલિવૂડના લોકો કેટલા મૂર્ખ છે. થોડું પણ સંશોધન કરી શકે તેમ નથી.'

સો.મીડિયામાં #Disappointingadipurush ટ્રેન્ડ થયું
'આદિપુરુષ' રામાયણ પર આધારિત છે. ટીઝર જોઈને યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મમાં સૈફે રાવણનો નહીં, પરંતુ મુગલ શાસકનો રોલ પ્લે કર્યો હોય તેમ લાગે છે. સો.મીડિયામાં #SAIF અને #Disappointingadipurush ટ્રેન્ડ થયું છે.

ફિલ્મને યુઝર્સે ડ્રેક્યુલા કહી

યુઝર્સે કહ્યું હતું કે આ ફિલ્મ રામાયણનું અપમાન છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અલાઉદ્દીન ખિલજી જેવો લાગે છે. સૈફની હેરસ્ટાઇલ પર કમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું હતું કે રાવણ ગમે તેટલો ખરાબ હતો, પરંતુ તેણે ક્યારેય આવી હેરસ્ટાઇલ રાખી નહોતી. એકે કમેન્ટ કરી હતી કે શું રાવણનું નામ બદલીને રિઝવાન રાખવાનું છે? આવી દાઢી કોણ રાખે? જાવેદ હબીબ? ઘણાં યુઝર્સે VFXની ટીકા કરતા કહ્યું હતું, 'રામાયણ ઓછું ને ડ્રેક્યુલા ફિલ્મ વધુ લાગે છે.'

પુષ્પક વિમાન જોઈને ચાહકોના હોશ ઉડ્યા
ફિલ્મમાં પુષ્પક વિમાન જોઈને યુઝર્સને આંચકો લાગ્યો હતો. યુઝર્સે કહ્યું હતું કે અત્યાર સુધી રામાયણમાં સુંદર પુષ્પક વિમાન જોયું હતું, પરંતુ ઓમ રાઉતની 'આદિપુરુષ'માં આવું નથી. યુઝર્સે કહ્યું હતું કે સૈફે કદાવર ચામાચીડિયા પર સવારી કરી હતી.

આવતા વર્ષે ઉત્તરાયણ પર રિલીઝ થશે
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી 'આદિપુરુષ' આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...