જૂહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં મોબાઈલ ફોનની 5G ટેક્નોલોજી અંગે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ અરજી નકારી કાઢી છે. આ સાથે કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાને પોતાને જાણ નથી કે તથ્યોને આધારે અરજી કરવામાં આવી છે. આ પૂરી રીતે કાયદાકીય સલાહ પર આધારિત હતી, જે માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી હતી. કોર્ટના નિર્ણય પછી એક્ટ્રેસ પૂજા બેદીએ જૂહી ચાવલાને સપોર્ટ કર્યો છે.
57% લોકોએ કોર્ટના નિર્ણયને અનુચિત કહ્યો
પૂજા બેદીએ સોશિયલ મીડિયા પર એક પોલ ક્રિએટ કરીને લોકોને પ્રશ્નો પૂછ્યા હતા. તેણે લખ્યું, જૂહી ઘણા વર્ષોથી EMF અને સેલફોનના ટાવર વિરુદ્ધ પોતાનો અવાજ ઊઠાવી રહી છે. શું તમને લાગે છે કે દિલ્હી હાઈકોર્ટે 5G ટેક્નોલોજીની અરજીને પબ્લિસિટી સ્ટંટ કહીને નકારી દીધી એ યોગ્ય છે? કોઈ સેલિબ્રિટી કોઈ પણ પબ્લિસિટી સ્ટંટ વગર કોઈ પગલું ના ભરી શકે? પૂજાને આ પોલમાં અત્યાર સુધી 1296 વોટ મળ્યા છે. તેમાં 57% લોકોને હાઈકોર્ટનો નિર્ણય ગમ્યો નથી. બાકીના 43% લોકોએ કોર્ટની સાઈડ લીધી.
કંઈ પણ થઈ જાય હું જૂહીની પહેલના વખાણ કરું છું
પૂજાની આ પોસ્ટ પછી ઘણા યુઝર્સે તેની સાઈડ લીધી છે. એક યુઝરે લખ્યું, કોર્ટના આવા નિર્ણય પછી હવે ભવિષ્યમાં કોઈ પણ બોલિવૂડ સેલિબ્રિટી સાર્વજનિક ચિંતા વિશે બોલ્યા પહેલાં 10 વખત વિચારશે. ઘણીવાર લોકો કહે છે કે સેલેબ્સ સમાજ અને રાષ્ટ્ર માટે આગળ આવતા નથી પણ હું આ પહેલના વખાણ કરું છું, ભલે ગમે તે થઈ જાય.
કોર્ટે શું કહ્યું હતું?
આ પહેલાં કોર્ટે કહ્યું હતું, 'અમને નવાઈ લાગે છે. આવી અરજી આજ પહેલાં ક્યારેય જોઈ નથી, જેમાં કોઈ વ્યક્તિ કોઈ પણ માહિતી વગર કોર્ટમાં આવે છે અને કહે છે કે તપાસ કરો. જો અરજીકર્તાને આ વિષય અંગે કોઈ માહિતી નથી તો શું આ કેસમાં સુનાવણીની પરવાનગી આપી શકાય? અમે કઈ વાતની પરવાનગી આપીએ. ભૂલોથી ભરેલી અરજીને મંજૂરી આપી દઈએ. એવું લાગે છે કે આ અરજી પૂરી રીતે મીડિયા પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી. આ શૉકિંગ છે.'
જૂહી ચાવલાએ શું કહ્યું હતું?
જૂહી ચાવલાએ કહ્યું, 'આપણને એડવાન્સ ટેક્નોલોજીથી કોઈ વાંધો નથી. સારી ટેક્નોલોજીથી આપણે લેટેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને એન્જોય કરીએ છીએ. વાયરલેસના ફિલ્ડમાં પણ એવું જ છે. અમે પોતાના પર રિસર્ચ કર્યું, RF રેડિયેશન, વાયરલેસ ગેજેટ અને નેટવર્ક સેલ ટાવરની અસર જાણી ત્યારે અમને ચિંતા થઈ. કારણ કે આ રેડિયેશન લોકો માટે ખૂબ નુકસાનકારક છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.'
જૂહી ચાવલાના સ્પોક્સ પર્સને શેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, આ સબ્જેક્ટ પર કોર્ટનું ધ્યાન દોરવા માટે કેસ ફાઈલ કર્યો છે. કોર્ટ અમને જણાવે કે 5G ટેક્નોલોજી માણસ, પ્રાણીઓ, પક્ષીઓ અને બાકીની સજીવ સૃષ્ટિ માટે કેટલી સુરક્ષિત છે? આની પર રિસર્ચ કરાવો અને અમને કહો કે ભારતમાં આ 5G ટેક્નોલોજી સુરક્ષિત છે કે નહીં? નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારો નિર્ણય જણાવો.
રેડિયેશનના નુકસાન વિશે એક્ટ્રેસ લોકોનું ધ્યાન દોરતી રહે છે
જૂહી ચાવલા ઘણીવાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનનો વિરોધ કરીને લોકોને જાગ્રત કરતી રહે છે. વર્ષ 2008માં તેણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લેટર લખીને મોબાઈલ ટાવર અને વાઈ-ફાઈ હોટસ્પોટમાંથી નીકળતા રેડિયેશનથી માનવજાતિ, પશુ-પક્ષીઓ અને વૃક્ષોને થતાં નુકસાન પ્રત્યે ચેતવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.