રિયાલિટી ટીવી શો 'ટોડલર્સ એન્ડ ટિઆરા'(Toddlers and tiaras)થી ચર્ચામાં આવેલી કેલિયા પોસીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી લીધી હતી. કેલિયાની આત્મહત્યાથી માત્ર પરિવારને જ નહીં, પરંતુ ચાહકોને પણ ઘેરો શોક લાગ્યો છે. કેલિયાની માતાએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. કેલિયા 2 મેના રોજ મૃત અવસ્થામાં મળી આવી હતી.
માતાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરી
કેલિયાની માતા માર્સીએ સો.મીડિયામાં દીકરીની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'મારી પાસે કોઈ શબ્દ નથી અને ના તો હું વિચારવાની હાલતમાં છું. એક સુંદર યુવતી જતી રહી. અમે અત્યારે ઘણાં જ દુઃખમાં છીએ. અમે અમારી દીકરીને હંમેશાં માટે ગુમાવી દીધી. કેલિયાના મોતનો શોક વ્યક્ત કરી શકીએ એ માટે અમને પ્રાઇવસી આપજો.'
માતા-પિતાએ કહ્યું, ઉતાવળમાં નિર્ણય લીધો
કેલિયાના આકસ્મિક અવસાનથી ચાહકો પણ આઘાતમાં છે. તેઓ જાણવા માગે છે કે કેલિયાએ કેમ આત્મહત્યા કરી. તેના પેરેન્ટ્સે કહ્યું હતું કે કેલિયાએ આત્મહત્યા કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તે ઘણી જ બ્રાઇટ તથા હોશિયાર હતી. તેનું ભવિષ્ય ઉજ્જવળ હતું. જોકે એક જ ક્ષણમાં ઉતાવળમાં આવીને તેણે પોતાનું જીવન પૂરું કરવાનો નિર્ણય લઈ લીધો.
2012માં વર્લ્ડ ફેમસ થઈ હતી
કેલિયાએ પાંચ વર્ષની ઉંમરમાં શો 'ટોડલર્સ એન્ડ ટિઆરા'માં કામ કર્યું હતું. આ શોના એક એપિસોડમાં તે હસતી જોવા મળી હતી. આની GIF (ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ) વર્લ્ડ ફેમસ થઈ હતી. કેલિયાના હસતા ચહેરા પર અનેક મીમ્સ બનાવવામાં આવ્યાં હતાં. કેલિયા 2019માં હોરર ફિલ્મ 'એલી'માં પણ જોવા મળી હતી.
23 એપ્રિલે કેલિયાએ છેલ્લી પોસ્ટ કરી હતી
કેલિયાની છેલ્લી પોસ્ટ 23 એપ્રિલની હતી. પોતાની તસવીર શૅર કરીને કેલિયાએ કહ્યું હતું, 'તમને એનાથી કોઈ મતલબ હોવા જોઈએ નહીં.'
પાઇલટ બનવું હતું
કેલિયાએ તાજેતરમાં જ મિસ ટીન વોશિંગ્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. કેલિયાને એવિએશનમાં અભ્યાસ કરવો હતો અને તે કર્મશિયલ પાઇલટ બનવા માગતી હતી.
કેલિયાએ અનેક અવોર્ડ્સ જીત્યા હતા
કેલિયાના પેરેન્ટ્સે કહ્યું હતું કે તેણે અનેક બ્યૂટી કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને ક્રાઉન-ટ્રોફી જીતી હતી. તેને અઢળક નોકરીની ઑફર્સ પણ મળતી હતી. કેલિયાના સાવકા પિતાએ ભાવુક થઈને અપીલ કરી હતી કે આત્મહત્યાના વિચાર આવતી વ્યક્તિને જો તમે ઓળખતા હો તો તેની સાથે વાત કરો. તેના પરિવારને આ અંગે જણાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.