બોલિવૂડમાં વધુ એક ડિવોર્સ:આમિર ખાનનો ભાણિયો ઈમરાન ખાન પત્નીને છૂટાછેડા આપશે, 2019થી બંને અલગ રહે છે

મુંબઈએક મહિનો પહેલા
  • ઈમરાન ખાને 2011માં અવંતિકા સાથે લગ્ન કર્યા હતા

બોલિવૂડમાં થોડા દિવસ પહેલાં જ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન તથા સીમા સચદેવે ડિવોર્સ ફાઇલ કર્યા હતા. હવે આમિર ખાનના ભાણિયા તથા એક્ટર ઈમરાન ખાને પત્ની અવંતિકા મલિકને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું છે. બંને છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે. જોકે બંનેએ લગ્ન બચાવવાના પૂરતા પ્રયાસો કર્યાં હતાં, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેએ હવે અલગ થવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં જ બંને ડિવોર્સ ફાઇલ કરશે.

ઈમરાન પહેલાં અવંતિકાનું અફેર રણબીર કપૂર સાથે હોવાની ચર્ચા હતી.
ઈમરાન પહેલાં અવંતિકાનું અફેર રણબીર કપૂર સાથે હોવાની ચર્ચા હતી.

પરિવારે સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો
રિપોર્ટ પ્રમાણે, નિકટના સંબંધીઓ તથા મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. બંને ફરી મળે અને સાથે રહે એ માટે તમામે ઘણી જ મહેનત કરી હતી. જોકે બંને પર કોઈ અસર થઈ નહોતી. અવંતિકા લગ્ન તથા ઈમરાનને બીજી તક આપવા માગતી નથી, આથી જ કોઈના પણ પ્રયાસો કામ ના આવ્યા.

દીકરી સાથે ઈમરાન તથા અવંતિકા.
દીકરી સાથે ઈમરાન તથા અવંતિકા.

2019માં ઘર છોડ્યું હતું
ઈમરાન તથા અવંતિકા વચ્ચે છેલ્લાં બે વર્ષથી મતભેદ હોવાની વાત સામે આવી રહી છે. 24 મે, 2019ના રોજ અવંતિકાએ ઈમરાનનું ઘર છોડ્યું હતું. તે દીકરી ઈમારા સાથે પેરેન્ટ્સના ઘરે રહે છે. બંને પરિવારે ઈમરાન તથા અવંતિકા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

લગ્ન પહેલાં બંનેએ એકબીજાને ડેટ કર્યા
ઈમરાન તથા અવંતિકાએ 2011માં લગ્ન કર્યા હતા. 2014માં દીકરી ઈમારાનો જન્મ થયો હતો. ઈમરાન તથા અવંતિકાએ લગ્ન પહેલાં બંનેને ખાસ્સા સમય સુધી ડેટ કર્યા હતા. અલગ થયા બાદ બંને ગયા વર્ષે મુંબઈની એક હોટલમાં એકબીજાને મળ્યાં હતાં.

હાલમાં જ આઈરાની ઈદ પાર્ટીમાં ઈમરાન ખાન (જમણી બાજુ) જોવા મળ્યો હતો.
હાલમાં જ આઈરાની ઈદ પાર્ટીમાં ઈમરાન ખાન (જમણી બાજુ) જોવા મળ્યો હતો.

બોલિવૂડમાં 2015 બાદથી નથી જોવા મળ્યો
ઈમરાન ખાન 2015માં 'કટ્ટ બટ્ટી'માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ત્યાર પછી તે એકપણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. 2018માં ઈમરાને 'મિશન માર્સઃ કીપ વૉકિંગ ઇન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. ઈમરાને 2008માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી. આ પહેલાં ઈમરાને 'કયામત સે કયામત તક' તથા 'જો જીતા વહી સિકંદર'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. 2018માં એ વાત સામે આવી હતી કે ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધી છે. ઈમરાને સો.મીડિયા એકાઉન્ટ્સ પણ બંધ કરી દીધા છે.