બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનનો એક વીડિયો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે આઈપીએલ ટીમમાંથી કોઈ એક ટીમ માટે રમવાની તક માગી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી સ્ટાર સ્પોર્ટ્સે પોતાના સોશિયલ મીડિયા પર એક રિએક્શન વીડિયો શેર કર્યો છે.
આમિરના ક્રિકેટ વીડિયો પર રવિ શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપી
વીડિયોમાં ચેનલના એક ન્યૂઝ એન્કરે રવિ શાસ્ત્રીને પૂછ્યું કે શું આમિરને આવનારી આઈપીએલમાં તક મળશે? તેના જવાબમાં તે જણાવે છે કે તે નેટમાં સારો દેખાય છે. જોકે તેને તેના ફૂટવર્ક પર થોડો સમય પસાર કરવાની જરૂર છે, જેથી તેને કોઈપણ ટીમમાં તક મળી જાય.
આમિરે પોતાનો ફૂટવર્ક બતાવતો એક ફની વીડિયો શેર કર્યો
હવે તાજેતરમાં આમિરે આ અંગે પોતાના બેસ્ટ ફૂટવર્ક બતાવતા એક ફની વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આમિરને ઊછળતો જોઈ શકાય છે. આમિર જણાવે છે કે રવિ, હું થોડો નિરાશ છું, કારણ કે, તમને મારા ફૂટવર્ક પસંદ નથી આવ્યા. મને લાગે છે કે તમે 'લગાન' નથી જોઈ. હવે મને ફરી જુઓ. મને લાગે છે કે તે દરેક ટીમ લકી હશે, જેમાં હું હોઈશ. મારી ભલામણ સારી રીતે કરો, મજા આવશે.
'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે આમિર
આમિરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મ અદ્વૈત ચંદન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. અદ્વૈતે 2017માં આવેલી આમિરની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' પણ ડાયરેક્ટ કરી છે અને 2017માં આમિરની ફિલ્મ 'તારે જમીન પર'માં આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનેજર રહી ચૂક્યો છે. 2009માં બ્લોક બસ્ટર ફિલ્મ '3 ઈડિયટ્સ' પછી આ ફિલ્મમાં આમિર, કરિના, અને મોના સિંહ સાથે જોવા મળશે.
આ ફિલ્મ દ્વારા સાઉથ એક્ટર નાગ ચૈતન્ય પણ બોલિવૂડ ડેબ્યુ કરશે. રિપોર્ટ્સના અનુસાર, શાહરુખ ખાન અને સૈફ અલી ખાન ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળશે. ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.