ધ કાશ્મીર ફાઇલ્સ:આમિર ખાને કહ્યું, 'દરેક હિંદુસ્તાનીએ આ ફિલ્મ જોવી જોઈએ, ઈતિહાસનું એક એવું પાનું છે, જેનાથી તમામનું દિલ દુભાયું'

મુંબઈ4 મહિનો પહેલા
  • દિલ્હીમાં 'RRR'ના પ્રમોશન દરમિયાન આમિર ખાને 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર ખુલ્લા મનથી વાત કરી

'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકોમાં ઘણી જ લોકપ્રિય થઈ છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે 20 માર્ચ સુધીમાં 167.45 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને કેટલાંક સેલેબ્સે સપોર્ટ કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ પણ બિગ સ્ટારે આ ફિલ્મ અંગે કોઈ જ વાત કરી નથી. જોકે, હાલમાં જ આમિર ખાને આ ફિલ્મ અંગે વાત કરી હતી. આમિર ખાન ડિરેક્ટર રાજમૌલિની ફિલ્મ 'RRR'ના પ્રમોશન માટે દિલ્હી ગયો હતો અને અહીંયા તેણે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે વાત કરી હતી.

શું કહ્યું આમિર ખાને?
'RRR'ની ટીમ દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન અર્થે આવી હતી, જેમાં જુનિયર NTR, રામચરણ તેજા, આલિયા ભટ્ટ તથા ડિરેક્ટર રાજમૌલિ પણ હતા. આમિર ખાન પણ ફિલ્મના પ્રમોશન માટે ગેસ્ટ તરીકે આવ્યો હતો. તમામે સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર આમિર ખાનને 'કાશ્મીર ફાઇલ્સ' અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું, 'હું 'ધ કાશ્મીર ફાઇલ્સ' જરૂરથી જોઈશું, કારણ કે તે આપણાં ઈતિહાસનું એક એવું પાનું છે, જેનાથી તમામનું દિલ દુભાયું છે.'

'દરેક હિંદુસ્તાનીએ જોવી જોઈએ'
આમિર ખાને ફિલ્મ અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'જે કાશ્મીરમાં થયું, કાશ્મીરી પંડિતો સાથે થયું તે ખરેખર દુઃખની વાત છે. આ ફિલ્મ તે ટોપિક પર બની છે અને દરેક હિંદુસ્તાનીએ આ ફિલ્મ જોવી જોઈએ અને દરેક હિંદુસ્તાનીએ આ યાદ રાખવું જોઈએ કે જ્યારે એક વ્યક્તિ પર અત્યાચાર થાય છે, ત્યારે કેવું લાગે છે.'

'આ ફિલ્મ દરેક વ્યક્તિની લાગણીને સ્પર્શે છે'
વધુમાં આમિર ખાને કહ્યું હતું, 'આ ફિલ્મે જે વ્યક્તિ માણસાઈમાં વિશ્વાસ ધરાવે છે, તે દરેક વ્યક્તિની લાગણીને સ્પર્શી છે. આ ફિલ્મની પોતાની આગવી ખૂબી છે. હું આ ફિલ્મ જરૂર જોઈશ અને મને આનંદ છે કે આ ફિલ્મ સફળ થઈ. ભારતનો તે ખરાબ સમય હતો અને મને લાગે છે કે લોકોએ બહુ જ સાવચેતીથી આ જોવું જોઈએ અને યાદ રાખવું જોઈએ.'

સ્ક્રીન્સ વધારીને 4 હજાર થઈ
વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હિજરત થઈ તેના પર આધારિત છે. ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી, ભાષા સુંબલી, પલ્લવી જોષી જેવા કલાકારો છે. ફિલ્મ પહેલાં 600 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, ત્યારબાદ સ્ક્રીન્સ વધારીને 2000 કરવામાં આવી અને હવે આ ફિલ્મ 4000 સ્ક્રીન્સ પર ચાલી રહી છે. ફિલ્મ કમાણીમાં રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...