આમિર જૂના દિવસો યાદ કરીને રડી પડ્યો:કહ્યું, 'અબ્બાજાને વ્યાજ પર પૈસા લીધા હતા, પેન્ટ વધુ દિવસો ચાલે તે માટે અમ્મી લાંબુ પેન્ટ ખરીદતી'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન પર ચાહકો ફિદા હોય છે. આમિરે પોતાની ફિલ્મથી ચાહકોનું દિલ જીત્યું છે. આમિરને જોઈને ચાહકોના મનમાં એમ જ છે કે તેના જીવનમાં હંમેશાં સુખ-સુવિધા રહી હશે. જોકે, હાલમાં જ આમિરે પોતાના નાનપણની વાત કરી હતી.

આમિર ખાને દુઃખભરી વાત કરી
આમિર ખાને 'હ્યુમન ઑફ બોમ્બે' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેના પરિવારની આર્થિક સ્થિતિ અંગે લોકોના મનમાં અનેક તર્ક વિતર્ક હતા. તેના પિતા તાહિર હુસૈન પ્રોડ્યૂસર હતા અને લોકોને એમ જ હતું કે તે વૈભવી જીવન જીવે છે. જોકે, હકીકત આનાથી ઘણી જ અલગ હતી.

આમિરે કહ્યું હતું, 'જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે મારા પરિવારે ઘણો જ ખરાબ સમય જોયો હતો. મારા અબ્બાએ ફિલ્મ બનાવવા માટે લોન લીધી હતી, પરંતુ તે ફિલ્મ 8 વર્ષ સુધી બની શકી નહીં.' જૂના દિવસો યાદ કરીને આમિર ઘણો જ ઇમોશનલ થઈ ગયો હતો. તેણે અધવચ્ચે વાત અટકાવી દીધી હતી અને નોર્મલ થવા માટે તેણે બ્રેક લીધો હતો.

માતા ઝિનત હુસૈન તથા પિતા તાહિર હુસૈન સાથે આમિર ખાન.
માતા ઝિનત હુસૈન તથા પિતા તાહિર હુસૈન સાથે આમિર ખાન.

અબ્બાજાનને જોઈ આમિર દુઃખી રહેતો
આમિરે કહ્યું હતું કે જ્યારે પણ તે જૂના દિવસો યાદ કરે છે તો તેની આંખો ભરાઈ આવે છે. તેણે કહ્યું હતું, 'તે સમયે જો સૌથી વધુ કોઈ વાત તકલીફ આપતી હતી તો તે અબ્બાજાનને જોઈને થતી હતી. તેઓ ઘણાં જ સરળ વ્યક્તિ હતા અને તેમને ખ્યાલ નહોતો કે આટલી લોન લેવાય નહીં.'

'તે સમયે ફિલ્મની ટિકિટ બ્લેકમાં વેચાતી હતી અને આ જ કારણે પ્રોડ્યૂસર્સને પૈસા મળતા નહોતા. મારા અબ્બાની ઘણી ફિલ્મ ચાલી હતી, પરંતુ તેમની પાસે પૈસા નહોતા. તેમને મુશ્કેલીમાં જોઈને અમને તકલીફ થતી હતી. જ્યારે પણ પૈસા માગવાવાળાના ફોન આવતા તો ઝઘડો થઈ જતો. તેઓ ફોન પર જ કહેતા, 'મારી પાસે પૈસા નથી. મારી ફિલ્મ અટકેલી છે. મારા એક્ટર્સને કહો કે મને ડેટ્સ આપે. હું શું કરું?'

આમિરે વધુમાં કહ્યું હતું કે તેના પિતાએ તમામને પૈસા પરત આપવાનો પ્રયાસ કર્યો હતો. મહેશ ભટ્ટે પણ પોતાના પૈસા પરત જોઈને નવાઈ લાગી હતી. તેમને તો પૈસા પાછા આવશે તેવી આશા જ છોડી દીધી હતી.

આમિરે એમ પણ કહ્યું હતું કે નાનપણમાં ભલે આર્થિક તંગીનો સામનો કર્યો, પરંતુ સ્કૂલની ફી હંમેશાં સમયસર ભરાઈ જતી હતી. તેની અમ્મી તેના માટે લાંબુ પેન્ટ ખરીદતી હતી અને નીચેથી વાળીને રાખતી. લાંબુ પેન્ટ લાંબા સમય સુધી ચાલી જતું.

'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો
આમિર ખાન છેલ્લે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, નાગ ચૈતન્ય તથા મોના સિંહ મહત્ત્વના રોલમાં હતા. આ ફિલ્મ 1994માં આવેલી હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રિમેક હતી.

અન્ય સમાચારો પણ છે...