એક્ટ્રેસની આર્થિક તંગી:આમિર ખાન સ્ટારર 'લગાન'ની કેસરિયા 11 વર્ષથી બેરોજગાર છે; દવાઓ ખરીદવા અને ઘર ચલાવવા માટે પણ પૈસા નથી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક્ટ્રેસ પરવીના બાનોએ 'લગાન'માં કેસરિયાની ભૂમિકા ભજવી હતી. - Divya Bhaskar
એક્ટ્રેસ પરવીના બાનોએ 'લગાન'માં કેસરિયાની ભૂમિકા ભજવી હતી.
  • 'લગાન'માં કેસરિયાની ભૂમિકા ભજવનાર પરવીના બાનોને 2011માં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો
  • પરવીનાએ જણાવ્યું કે,​​​​અત્યારે મારી પાસે સારવાર કરવાના પણ પૈસા નથી

બોલિવૂડની ફેમસ ફિલ્મ 'લગાન'માં કેસરિયાની ભૂમિકા ભજવનાર પરવીના બાનોને 2011માં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ પરવીનાની તબિયત બગડતી ગઈ અને સારવારના કારણે તેનું સેવિંગ્સ પણ પૂરું થઈ ગયું. પરવીનાએ જણાવ્યું કે, હું મારી પુત્રી અને નાની બહેનો સાથે ઘરે રહું છું. પતિ સાથે અલગ થયા બાદથી ઘરે કમાનાર હું એકલી મહિલા હતી. હું નાના-મોટા રોલ કરીને પૈસા કમાતી હતી અને મારા ઘરનો ખર્ચ ચલાવતી હતી.

બ્રેન સ્ટ્રોક બાદ લકવાનો પણ સ્ટ્રોક આવ્યો
મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મારો ભાઈ મારી સંભાળ રાખતો હતો પરંતુ તેને પણ કેન્સર છે. મેં મારી કરિયરની શરૂઆત 'લગાન'થી કરી હતી. તેમાં મારા અપોઝિટ આમિર ખાનનો ભાઈ ગોલી હતો. મારા રોલનું નામ કેસરિયા હતું. 42 વર્ષની પરવીનાના જણાવ્યા પ્રમાણે, મને 2011થી સંધિવા છે. બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી, જેનાથી બ્રેન સ્ટ્રોક આવ્યો અને લકવાનો સ્ટ્રોક પણ આવ્યો. હું છેલ્લા સાત-આઠ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહી છું. ત્યારથી મારી તબિયત ખરાબ થવા લાગી.

CINTAએ મદદ કરી
પરવીના આગળ જણાવે છે કે, સારવાર પર મારા એટલા પૈસા ખર્ચ થઈ ગયા કે જેનો કોઈ હિસાબ નથી. ત્યારથી મારી પાસે કોઈ કામ પણ નથી. મારી બહેન ઈન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. તે પરિવારનો ખર્ચ ચલાવી રહી હતી પરંતુ લોકડાઉનથી ફિલ્મોના કામને અસર થઈ, જેનાથી તેની નોકરી છૂટી ગઈ. હવે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી. હું મદદ માટે ઘણા લોકો પાસે ગઈ પરંતુ કોઈએ મદદ ન કરી. CINTAના લોકોએ રાશન મોકલ્યું છે. રાજકમલજી બે વખત રાશન મોકલી ચૂક્યા છે. અત્યારે પણ મારી સારવાર ચાલી રહી છે. મને દર અઠવાડિયે દવાઓ માટે 1800 રૂપિયા મળે છે.