આમિર ખાન ટ્રેન નીચે આવતા બચી ગયો હતો:યુવતીએ રિજેક્ટ કર્યો તો માથે મુંડન કરાવ્યું હતું, 'ગુલામ' માટે 12 દિવસ નાહ્યો નહોતો

3 મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી
  • કૉપી લિંક

બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાન આજે એટલે કે 14 માર્ચે 58 વર્ષનો થઈ ગયો છે. તેની ફિલ્મી કરિયરને પણ 50 વર્ષ થઈ ગયાં છે. 8 વર્ષની ઉંમરમાં ફિલ્મ 'યાદોં કી બારાત'થી શરૂ કરેલી કરિયર આજ દિન સુધી ચાલુ છે. આમિરના પિતા નહોતા ઈચ્છતા કે તે ફિલ્મમાં કામ કરે. કાકા નાસિર હુસેને આમિરની એક્ટિંગ સ્કિલને ઓળખી લીધી હતી અને પોતાની ફિલ્મથી બ્રેક આપ્યો હતો.

'ક્યામત સે ક્યામત તક'થી લઈ 'લાલ સિંહ ચઢ્ઢા' સુધી આમિરે 50 ફિલ્મ કરી છે. તેની લાઇફ પણ રસપ્રદ છે. એક યુવતીએ રિજેક્ટ કર્યો તો આમિરે માથે મુંડન કરાવી લીધું હતું. તે સમયે તેની પહેલી ફિલ્મનું ઓડિશન હતું. ફિલ્મ 'ગુલામ'ના ક્લાઇમેક્સ માટે તે 12 દિવસ સુધી નાહ્યો નહોતો.

આમિરના જન્મદિવસ પર ફિલ્મી સફર પર એક નજર....

14 માર્ચ, 1965ના રોજ આમિર ખાનનો જન્મ પ્રોડ્યુસર તાહિર હુસેન તથા ઝિનત હુસેનના ઘરે થયો હતો. તેનું નામ મોહમ્મદ આમિર હુસેન ખાન છે. ચાર ભાઈ-બહેનમાંથી આમિર સૌથી મોટો છે. તેના કાકા નાસિર હુસેન લોકપ્રિય ફિલ્મમેકર હતા. આમિરના પિતાની અનેક ફિલ્મ ફ્લોપ થઈ હતી અને તેથી જ પરિવારે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો.

તાહિર દેવાદાર થઈ ગયા હતા અને એક સમયે તેમણે 40 વર્ષની ઉંમરમાં નોકરી શોધવા માટે ઘરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી શોધવી પડી હતી. રોજ લેણદારો ઘરની બહાર પૈસા માગવા માટે આવતા. આમિરને નાનપણમાં હંમેશાં એ વાતનો ડર લાગતો કે ક્યાંય સ્કૂલની ફી ના ભરી તો સ્કૂલમાંથી કાઢી ના મૂકે. સ્કૂલમાં આમિર ટેનિસ શીખ્યો હતો. તે જે ક્લબમાં જતો ત્યાં તેને એક છોકરી પ્રત્યે એકપક્ષીય પ્રેમ થઈ ગયો હતો. અચાનક આમિરને ખબર પડી તે છોકરી પરિવાર સાથે વિદેશ જતી રહી છે. આમિર ભાંગી પડ્યો હતો. આ તેનું પહેલું હાર્ટબ્રેક હતું. આમિરે કહ્યું હતું તે ભાંગી જરૂર પડ્યો હતો, પરંતુ તે સારી રીતે ટેનિસ રમવા લાગ્યો.

પહેલી ફિલ્મથી જ પરફેક્શન જોવા મળ્યું
'યાદોં કી બારાત' ફિલ્મના એક સીન માટે 8 વર્ષીય આમિરે ઇમેજિન કરીને ગિટાર વગાડવાનું હતું. આમિરને ગિટાર આવડતું નહોતું. આમિર ગિટારને સમજવા માટે પ્રેક્ટિસ કરતો હતો. જ્યાં સુધી આમિર ગિટાર ના શીખી રહ્યો ત્યાં સુધી સેટ પર આખા યુનિટે રાહ જોઈ હતી.

પિતા તાહિર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનિશ્ચિતતાને કારણે ઈચ્છતા હતા કે દીકરો આમિર એન્જિનિયર કે ડૉક્ટર બને. ટીનએજમાં આમિરે FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા) જોઇન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જોકે, પિતાએ પરવાનગી આપી નહોતી.

16 વર્ષીય આમિર પોતાના મિત્ર આદિત્ય ભટ્ટચાર્યની સાઇલન્ટ ફિલ્મ 'પૈરાનિયા'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો હતો. શ્રીરામ લાગુએ આ ફિલ્મ માટે બહુ ઓછા પૈસા આપ્યા હતા. જોકે, તે પિતાના ડરથી ચોરીછુપીથી શૂટિંગમાં જતો હતો. આ ફિલ્મના શૂટિંગ સમયે આમિરે હીરો બનવાનું નક્કી કર્યું. એક વર્ષ સુધી થિયેટર શીખ્યા બાદ આમિર કાકા નાસિર હુસેનને આસિસ્ટ કરવા લાગ્યો હતો. આમિર 'મંઝિલ મંઝિલ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો.

અમરીશ પુરીએ ધમકાવ્યો હતો
1985માં આવેલી 'જબરજસ્ત'ને નાસિરે ડિરેક્ટ કરી હતી અને આમિર આસિસ્ટન્ટ હતો. ફિલ્મમાં અમરીશ પુરી પણ હતા. આમિર સેટ પર કન્ટિન્યૂટી જોતો હતો. એક્શન સીનમાં અમરીશ પુરી વારંવાર જગ્યા બદલતા હતા અને આમિર તેમને ટોકતો હતો. અમરીશ પુરીને ખ્યાલ નહોતો કે આમિર ડિરેક્ટરનો ભત્રીજો છે. આમિર વારંવાર ટોકતો હોવાથી તેમણે સેટ પર આમિરને ધમકાવ્યો હતો. પછી નાસિરે કહ્યું હતું કે આમિરની ભૂલ નહોતી, પરંતુ તે તમારી ભૂલ સુધારતો હતો. પછી અમરીશ પુરીએ માફી માગી હતી.

1983ની આસપાસ આમિરે પોતાના માથે મુંડન કરાવ્યું હતું. આમિર એક યુવતીને પ્રેમ કરતો હતો, પરંતુ તે યુવતીએ એમ કહીને રિજેક્ટ કર્યો કે તે તેને પ્રેમ કરતી નથી. આ વાતથી આમિર દુઃખી હતી અને તેણે માથું સફાચટ કરાવ્યું હતું. આમિરે આ વાત સિમી ગરેવાલના ચેટ શોમાં કહી હતી.

કેવી રીતે પહેલી ફિલ્મ મળી?
કાકા નાસિરને આસિસ્ટ કરતા સમયે આમિર ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓએ બનાવેલી અનેક ડોક્યુમેન્ટરીનો ભાગ રહી ચૂક્યો હતો. એક ડોક્યુમેન્ટરીમાં આમિરની એક્ટિંગ જોઈને ડિરેક્ટર કેતન મહેતાએ પોતાની લો બજેટ ફિલ્મ 'હોલી' માટે સાઇન કર્યો હતો. ફિલ્મના ઓડિશન માટે આમિર સફાચટ માથે જ પહોંચ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ફિલ્મમાં આમિરની એક્ટિંગ ચાહકોને ગમી હતી. આમિરે 18 એપ્રિલ, 1986માં નાનપણની મિત્ર રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં. જ્યારે આમિરે 'ક્યામત સે ક્યામત તક'થી ડેબ્યૂ કર્યું ત્યારે તેણે લગ્નની વાત ચાર વર્ષ સુધી છુપાવીને રાખી હતી. શરૂઆતમાં પરિવારને પણ આમિરનાં લગ્નની જાણ નહોતી. 'ક્યામત...'માં રીનાએ પણ નાનકડો રોલ પ્લે કર્યો હતો. રીના 'લગાન'ની પ્રોડ્યુસર પણ હતી.

'હોલી' ફ્લોપ જતાં આમિરના કાકાએ 1988માં ફિલ્મ 'ક્યામત...' માટે કાસ્ટ કર્યો હતો. ફિલ્મમાં જૂહી ચાવલા લીડ રોલમાં હતી. ફિલ્મનું બજેટ એટલું ઓછું હતું કે પ્રમોશન માટે આમિર રસ્તા પર ફરી ફરીને ફિલ્મનાં પોસ્ટર લગાવતો હતો. આ ફિલ્મ માટે આમિરને 1000 રૂપિયા મળ્યા હતા.

જૂહીએ કિસિંગ સીન આપવાની ના પાડી હતી
આમિરે પહેલી ફિલ્મ 'ક્યામત..'માં કિસિંગ સીન આપ્યો હતો. શૂટિંગ દરમિયાન જૂહીએ આ સીન ભજવવાની ના પાડી દીધી હતી. આમિરને આ વાતનું ખરાબ લાગ્યું હતું. ડિરેક્ટર મન્સૂર ખાનના કહેવાથી જૂહી તૈયાર થઈ હતી. ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી. ફિલ્મે સાત ફિલ્મફેર અવૉર્ડ જીત્યા હતા. આમિરને બેસ્ટ મેલ ડેબ્યૂનો અવૉર્ડ મળ્યો હતો. 1989માં આમિરને ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'રાખ' માટે પહેલો નેશનલ અવૉર્ડ મળ્યો હતો.

80ના દાયકામાં હિંદી સિનેમામાં રીમેક ને એડલ્ટ ફિલ્મનો એવો તબક્કો હતો કે ફિલ્મ ફ્લોપ જતી હતી. આમિર-જૂહીની ફિલ્મ 'ક્યામત..'થી હિંદી સિનેમામાં રોમેન્ટિક મ્યુઝિક ડ્રામા ફિલ્મ શરૂ થઈ હતી. 1990માં આમિરની 'અવ્વલ નંબર', 'તુમ મેરે હો', 'દીવાના મુઝસા નહીં', 'જવાની જિંદાબાદ' તથા 'દિલ' રિલીઝ થઈ હતી. માત્ર 'દિલ' સુપરડુપર હિટ રહી અને બાકી ચાર ફિલ્મ ફ્લોપ રહી હતી. સતત ફ્લોપ ફિલ્મ બાદ આમિરે 'જો જીતા વહી સિકંદર', 'હમ હૈ રાહી પ્યાર કે', 'રંગીલા', 'રાજા હિંદુસ્તાની', 'ઇશ્ક', 'સરફરોશ' જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી.

આમિરની ફિલ્મ 'અંદાઝ અપના અપના' રિલીઝ થઈ ત્યારે ફ્લોપ રહી હતી, પરંતુ પછી આ ફિલ્મને કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ માનવામાં આવી છે.

ફિલ્મ 'ગુલામ'માં વિલનના હાથનો માર ખાનાર આમિર એક સીનમાં ઘણો જ બેહાલ જોવા મળે છે. આ સીન માટે આમિર 12 દિવસ સુધી નાહ્યો નહોતો. આ જ ફિલ્મના ટ્રેનની સામે રેસ લગાવવાના સીનના શૂટિંગમાં તે મરતાં મરતાં બચ્યો હતો. આમિરે એક ઝંડો લઈને પાટા પર આવતી ટ્રેન સામે દોડવાનું હોય છે. જેવી ટ્રેન નજીક આવી મેકર્સે આમિરને દૂર ખસવાનું કહ્યું, પરંતુ આમિર દોડતો જ રહ્યો. ટ્રેન ઘણી જ નિકટ આવી ગઈ હતી. સેટ પરના લોકો પણ ડરી ગયા હતા. જોકે, પછી આમિર હટી ગયો હતો.

આમિરે 'રાજા હિંદુસ્તાની'માં કરિશ્મા કપૂર સાથે એક મિનિટનો કિસિંગ સીન આપ્યો હતો. આ સીનને શૂટ કરવામાં ચાર દિવસ થયા હતા. ઊટીના ઠંડા વાતાવરણ ને વરસાદની વચ્ચે આ સીન શૂટ કરવામાં આવ્યો હતો. સીનને પરફેક્ટ બનાવવા માટે 47 ટેક લેવામાં આવ્યા હતા. ફિલ્મ 'લગાન'ના શૂટિંગ સમયે આમિરની મુલાકાત કિરણ રાવ સાથે થઈ હતી. આ ફિલ્મમાં કિરણ રાવ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. શૂટિંગ દરમિયાન આમિર-કિરણ વચ્ચેની નિકટતા વધતાં આમિરે રીનાને ડિવોર્સ આપ્યા હતા. બંને બાળકો આઇરા ને જુનૈદની કસ્ટડી રીનાને મળી હતી. ત્રણ વર્ષના ડેટિંગ બાદ આમિરે 2005માં કિરણ સાથે લગ્ન કર્યાં હતાં. સરોગસીથી કિરણે દીકરા આઝાદને જન્મ આપ્યો હતો. આ લગ્ન 15 વર્ષ ચાલ્યાં અને 2021માં બંનેએ ડિવોર્સ લીધા હતા.

2001માં 'દિલ ચાહતા હૈ' પછી આમિર ખાને ફિલ્મમાંથી ચાર વર્ષનો બ્રેક લીધો હતો. ચાર વર્ષ બાદ આમિરે 'મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ'થી કમબેક કર્યું હતું. તેણે 'રંગ દે બસંતી', 'ફના' જેવી હિટ ફિલ્મ આપી હતી. 2007માં 'તારે જમીં પર'થી આમિરે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે બેસ્ટ ડિરેક્ટરનો ફિલ્મફેર મળ્યો હતો. 'લગાન' આમિરના પ્રોડક્શનની બીજી ફિલ્મ હતી.

બોક્સ ઓફિસનો 'દંગલ કિંગ'
2012માં રિલીઝ થયેલી આમિરની 'ધૂમ 3'એ માત્ર 3 દિવસમાં વર્લ્ડવાઇડ 200 કરોડનો બિઝનેસ કર્યો હતો. 10 દિવસમાં 400 ને ઓલટાઇમ બિઝનેસ 552 કરોડ હતો. 11 વર્ષ બાદ પણ આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર લિસ્ટમાં 10મા ક્રમાંકે છે. 'સિક્રેટ સુપરસ્ટાર' ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મની યાદીમાં ચોથા નંબર તો 'પીકે' પાંચમા નંબરે છે.

'પીકે' ફિલ્મ માટે રસ્તા પર ફરીને લોકો પાસેથી કપડાં લીધાં
'પીકે' ફિલ્મના રોલ માટે આમિર ખાને રસ્તા પર ફરતા લોકો પાસેથી કપડાં લીધાં હતાં. ફિલ્મની ડિઝાઇનિંગ ટીમ રોજ રસ્તા પર ફરતી હતી અને જે વ્યક્તિ રંગબેરંગી કપડાં જોવામાં મળતો તેની પાસેથી પૈસા આપીને કપડાં લઈ લેતા. આમિરે 'પીકે'માં તે જ કપડાં પહેર્યાં હતાં. શૂટિંગ માટે આમિરે ઘણીવાર દિવસમાં 100-100 પાન ખાવા પડતા હતા. રિયલમાં આમિર પાન ખાતો જ નથી.

'દંગલ' માટે 27 કિલો વજન વધાર્યું: 'દંગલ'માં મહાવીર સિંહ ફોગાટના રોલ માટે આમિરે 27 કિલો વજન વધાર્યું હતું, જેને કારણે તેનું વજન 97 કિલો થયું હતું.

'તલાશ' માટે સ્વિમિંગ શીખ્યો: 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'તલાશ'માં અંડરવૉટર સીન શૂટ કરવા માટે આમિરે 3 મહિના સુધી સ્વિમિંગ શીખ્યો હતો.

'લાલ સિંહ ચઢ્ઢા' માટે દાઢી વધારી: આ ફિલ્મ માટે આમિરે રિયલમાં દાઢી વધારી હતી અને 20 કિલો વજન પણ વધાર્યું હતું.

'પીકે': આ ફિલ્મ માટે આમિરે ટૉકિંગ સ્ટેન્ડીને થિયેટરમાં રખાવી હતી. આમિરની જેમ દેખાનારી ટૉકિંગ સ્ટેન્ડી સાથે ફિલ્મ જોવા આવનાર દર્શકો વાત કરી શકતા અને તેમને આમિરના અવાજમાં જ જવાબ મળતો.

'ગજની': ફિલ્મને પ્રમોટ કરવા માટે આમિરે ચાહકોના વાળ કાપવાની શરૂઆત કરી હતી. અનેક લોકોએ આમિર પાસે વાળ કપાવ્યા હતા.

'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન': ફિલ્મ રિલીઝ પહેલાં આમિરે પ્રમોશન માટે લોકોને ગૂગલ મેપમાં રસ્તો બતાવવાનું શરૂ કર્યું હતું. મેપમાં ડિરેક્શન જોતા લોકોને મેપમાં આમિરનું પાત્ર મલ્લાહ ગધેડા પર બેઠેલું જોવા મળતું.

'લગાન': આમિર ફિલ્મના કેરેક્ટરમાં જ મોલમાં પ્રમોશન માટે ગયો હતો.

'3 ઇડિયટ્સ': આમિરે આ ફિલ્મનું પ્રમોશન પોતાનું રૂપ બદલીને કર્યું હતું.