માનહાનિ કેસમાં 15 નવેમ્બરે સુનાવણી:કોર્ટમાં પહેલી જ વાર આમને-સામને કંગના-જાવેદ અખ્તર; એકબીજા સાથે વાત ના કરી, જજે માત્ર એક્ટ્રેસનું નામ પૂછ્યું

મુંબઈ8 મહિનો પહેલા
  • મુંબઈની અંધેરી કોર્ટમાં જાવેદ અખ્તર તથા કંગના રનૌત હાજર રહ્યાં

જાવેદ અખ્તરે એક્ટ્રેસ કંગના રનૌત પર માનહાનિનો કેસ કર્યો છે. સોમવાર, 20 સપ્ટેમ્બરના રોજ મુંબઈની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. કંગના તથા જાવેદ અખ્તર કોર્ટમાં હાજર રહ્યા હતા. કંગનાએ આ વિવાદમાં હવે જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી કરી છે અને તેમની પર અનેક આરોપો લગાવ્યા છે. મુંબઈની અંધેરી કોર્ટમાં કંગના સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુનાવણીમાં હાજર રહી હતી. મેજિસ્ટ્રેટે બંને પક્ષકારને હાજર રહેવાનું કહ્યું હતું. કોર્ટમાં જજે માત્રે કંગનાને તેનું નામ પૂછ્યું હતું.

આગામી સુનાવણી 15 નવેમ્બરે
મેજિસ્ટ્રેટે આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરના રોજ કરવાનું કહ્યું છે. કંગનાએ જાવેદ અખ્તર પર કાઉન્ટર અરજી ફાઇલ કરી હતી, જેમાં જબરજસ્તી પૈસા વસૂલી, પ્રાઇવસીનો ભંગ સહિતના આરોપો મૂક્યા છે. કાર્યવાહી પહેલાં કંગના તરફથી વકીલે કોર્ટમાં કાઉન્ટર એપ્લિકેશન દાખલ કરી હતી. કોર્ટે એપ્લિકેશન સ્વીકારી હતી અને પહેલી ઓક્ટોબર સુધી સુનાવણી ટાળી દીધી હતી. કંગનાએ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. કંગનાએ કહ્યું હતું, 'કોર્ટે સુનાવણી કર્યા વગર, સાક્ષીઓ વગર બેવાર વોરંટ ઇશ્યૂ કરવાની વાત કરી છે. આ કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.' જાવેદ અખ્તર પર કરવામાં આવેલા કાઉન્ટર અરજીમાં બંધારણની કલમ 383, 384, 387, 503, 506, r/w 44, 33 હેઠળ કેસ કરવાની માગણી કરવામાં આવી છે.

કોર્ટ પરિસરમાં જાવેદ અખ્તર-કંગના...

આ પહેલાં કોર્ટે કંગનાને ચેતવણી આપી હતી
મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2021ના રોજ આ કેસની સુનાવણી હતી. આ દરમિયાન જાવેદ અખ્તર તથા શબાના આઝમી કોર્ટમાં હાજર રહ્યાં હતાં, પરંતુ કંગના ફરી એકવાર હાજર રહી નહોતી. કંગનાની ગેરહાજરી પર કોર્ટે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તે આગામી સુનાવણીમાં કોર્ટમાં હાજર ના રહી તો તેના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે.

ગયા વર્ષે નવેમ્બરમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો

  • જાવેદ અખ્તરે તેમના વકીલ નિરંજન મુંદર્ગી દ્વારા 2 નવેમ્બરના રોજ એક ખાનગી ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં તેમણે એક્ટ્રેસ કંગના રનૌતની વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 (માનહાનિ) અને સેક્શન 500 (માનહાનિ માટે સજા)ના અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું કે તેઓ એક આત્મનિર્ભર વ્યક્તિ છે, જે 4 ઓક્ટોબર, 1964ના રોજ27 રૂપિયા, 2 જોડી કપડાં અને કેટલાક પુસ્તકોની સાથે મુંબઈ આવ્યા હતા. તે સમયે તેઓ 19 વર્ષના હતા. અરજીમાં અખ્તરની પ્રતિષ્ઠા અંગે જણાવવામાં આવ્યું, અપીલકર્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનિયર કલાકારોમાંથી એક છે. જેમને પોતાની કરિયરમાં 55 વર્ષથી વધારે સમય સુધી કામ કર્યું છે. આ એક દુર્લભ ઉપલબ્ધિ છે. તેઓ માર્ચ 2010થી માર્ચ 2016 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.
  • અખ્તરનો દાવો છે કે, 57 મિનિટ સુધી ચાલેલા ઈન્ટરવ્યુમાં કંગના કોઈપણ પુરાવા વગર અને નોલેજ વગર સુશાંતના મૃત્યુ સાથે સંબંધિત પરિસ્થિતિ પર બોલતી જોવા મળે છે. તેમની અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈન્ટરવ્યુ દરમિયાન જાવેદની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા.
  • અખ્તરે કથિત રીતે કંગના પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે તેમણે રીતિક રોશનની વિરુદ્ધ કેસ પાછો લેવા માટે એણે ધમકી આપી હતી.
  • અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, કંગનાએ ઈન્ટરવ્યુમાં તેમનું નામ પણ સુસાઈડ કેમ્પબાજીમાં લીધું છે. કંગનાએ એ આરોપ પણ લગાવ્યો હતો કે અખ્તરે તેને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નહીં રહે.
  • અખ્તરનો દાવો છે કે કંગનાની આ કમેન્ટના કારણે તેમણે ઘણા ધમકીભર્યા ફોન કોલ્સ અને મેસેજ આવ્યા છે. તેમને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવ્યા. તેમના અનુસાર, આ કમેન્ટના કારણે તેમની ઈમેજ ખરાબ થઈ છે.
  • 3 ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તરનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.