મહિમા ચૌધરીની લાઈફ જર્ની:એક્સિડન્ટ પછી ચહેરામાંથી 67 કાચના ટૂકડા કાઢવામાં આવ્યા હતા, 3 હજાર છોકરીઓમાંથી મહિમાની પસંદગી 'પરદેશ' માટે થઈ હતી

19 દિવસ પહેલા
  • અફેર અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહી
  • મહિમા એક સમયે પોપ્યુલર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસની સાથે રિલેશનશિપમાં હતી
  • 1999માં ‘દિલ ક્યા કરે’ ફિલ્મના શૂટિંગ દરમિયાન મહિમાનો જીવલેણ અકસ્માત થયો હતો

બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર થયું હતું. આ વાતનો ખુલાસો અનુપમ ખેરે કર્યો છે. અનુપમે પોતાની અપકમિંગ ફિલ્મમાં રોલ આપવા માટે મહિમાને કોલ કર્યો હતો. વાતચીત દરમિયાન મહિમાએ પોતે જણાવ્યું કે, તેણે કેન્સર છે. મહિમાની ઉંમર 48 વર્ષની છે, જેણે 1997માં આવેલી ફિલ્મ 'પરદેશ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મહિમાની શરૂઆતની સફર એક પરીકથા જેવી હતી, જો કે આ સંપૂર્ણ જર્નીમાં તેને ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો કરવો પડ્યો છે.

આમિર ખાનની સાથે એડ ફિલ્મમાં જોવા મળી હતી મહિમા
1973માં દાર્જીંલિંગમાંમાં જન્મેલી મહિમા ચૌધરીએ મોડલિંગ કરિયર શરૂ કરવા માટે વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો. મોડલિંગ કરતી વખતે તેને ઘણી એડ ફિલ્મોમાં કામ કરવાની તક મળી, જેમાંથી આમિર ખાન અને ઐશ્વર્યા રાય સાથેની પેપ્સીની એડ સૌથી ફેમસ છે.

ડાયરેક્ટરની નજર પડતા જ ફિલ્મ મળી ગઈ
મોડલિંગ પછી મહિમાએ એક મ્યુઝિક ચેનલમાં વીજે તરીકે કામ કરવાનું શરૂ કર્યું. એક પ્રોગ્રામ દરમિયાન પ્રખ્યાત ફિલ્મમેકર સુભાષ ઘાઈની નજર તેના પર પડી અને તેમણે મહિમાને પોતાની ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો. હકીકતમાં સુભાષ ઘાઈ તે સમયે શાહરૂખ ખાનને લઈ પરદેશ ફિલ્મ બનાવી રહ્યા હતા, જેના માટે તેમણે એક નવા ચહેરાની શોધ હતી. ઘાઈએ લગભગ 3 હજાર છોકરીઓનું ઓડિશન પણ લીધું, પરંતુ તેમણે કોઈ છોકરી પસંદ ન આવી. મહિમાનો પ્રોગ્રામ જોઈ સુભાષ ઘાઈની શોધ પૂરી થઈ ગઈ.

પહેલી ફિલ્મ માટે મહિમાને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ ડેબ્યુ એવોર્ડ મળ્યો. મહિમાએ પોતાની એક્ટિંગ કરિયરમાં લગભગ 34 ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાંથી ‘દાગ ધ ફાયર’,‘ધડકન’, ‘કુરુક્ષેત્ર’, ‘દિલ હૈ તુમ્હારા’, ‘ઓમ જય જગદીશ’ સૌથી પોપ્યુલર છે.

એક્સિડન્ટમાં મહિમાનો આબાદ બચાવ થયો હતો
1999માં ‘દિલ ક્યા કરે’ ફિલ્મના શૂટિંગ દરમિયાન મહિમા ચૌધરીનો જીવલેણ એક્સિડન્ટ થયો હતો. શૂટિંગથી પરત ફરતી વખતે મહિમાની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે તેના ચહેરા પર કાચના ટૂકડા ઘૂસી ગયા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટ્રેસ જણાવ્યું હતું કે, મને લાગ્યું કે હું મરી ગઈ છું. કોઈએ મને હોસ્પિટલ લઈ જવામાં મદદ ન કરી. જ્યારે મેં મારો ચહેરો કાચમાં જોયો તો હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. જ્યારે મારી સર્જરી થઈ તો મારા ચહેરામાંથી 67 કાચના ટૂકડા કાઢવામાં આવ્યા હતા.

અફેર અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહી
મહિમા એક સમયે પોપ્યુલર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસની સાથે રિલેશનશિપમાં હતી. 6 વર્ષ પછી બંનેના સંબંધોનો અંત આવ્યો હતો. રિપોર્ટના પ્રમાણે, લિએન્ડર પીસનું અફેર મોડલ રિયા પિલ્લઈ સાથે પણ હતું, જે તેમના બ્રેકઅપનું કારણ બન્યું.

લગ્નના 6 વર્ષ પછી છૂટાછેડા થયા
મહિમા ચૌધરીએ વર્ષ 2006માં અચાનક બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી મહિમાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, જેનાથી એવા સમાચાર વહેતા થયા હતા કે મહિમા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. એટલા માટે તેણે ઉતાવળમાં લગ્ન કરવા પડ્યાં. 6 વર્ષ પછી મહિમાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. દીકરી એરિયાનાની કસ્ટડી મહિમાની પાસે છે.

અન્ય સમાચારો પણ છે...