બોલિવૂડમાં ફરી સંકટ:'સૂર્યવંશી' સુપરહિટ થયા બાદ સલમાનની 'અંતિમ' સહિત 5 ફિલ્મ બેક ટુ બેક ફ્લોપ, નાની ફિલ્મ્સ સામે મોટો પડકાર

મુંબઈ5 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • OTT, સાઉથ તથા હોલિવૂડના બેસ્ટ કન્ટેન્ટને કારણે બોલિવૂડ મસાલા ફિલ્મ માટે પડકાર

કોરોના બાદ અક્ષય કુમારની 'સૂર્યવંશી' ફિલ્મ સુપરહિટ રહી હતી. ફિલ્મે વર્લ્ડવાઇડ 250 કરોડથી વધુ બિઝનેસ કર્યો છે. ત્યારબાદ રિલીઝ થયેલી એક પણ ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કર્યો નથી. એક પછી એક એમ સતત પાંચ ફિલ્મ ફ્લોપ ગઈ છે, આમાં સલમાનની 'અંતિમ' પણ સામેલ છે. દર્શકો થિયેટર્સમાં ઓછા આવે છે. ઓમિક્રોનનો ડર પણ બોલિવૂડમાં સંકટ બનીને આવ્યો છે.

બીજી બાજુ OTT (ઓવર ધ ટોપ), હોલિવૂડ તથા સાઉથ સિનેમા એમ ત્રણેય બાજુથી આક્રમણ વધ્યું છે. પ્રોડ્યૂસર્સે સ્મોલ ફિલ્મ માટે કન્ટેન્ટ સ્ટ્રેટેજી ના બદલી અને થિયેટર્સે પણ આ ફિલ્મની ટિકિટના ભાવ ઓછા ના કર્યો તો મીડિયમ તથા સ્મોલ બજેટ ફિલ્મ માટે મુશ્કેલી ઊભી થશે.

'સૂર્યવંશી' પછી કોઈ મોટો ધમાકો નહીં
'સૂર્યવંશી'થી બોક્સ ઓફિસમાં જીવ આવ્યો હતો, પરંતુ ત્યારબાદ રિલીઝ થયેલી તમામ ફિલ્મ ફ્લોપ રહી હતી. સલમાન ખાન, સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમની ફિલ્મ એવરેજ સાબિત થઈ હતી. મોટા ભાગે કહેવાય છે કે આપણાં ત્યાં ક્લાસ નહીં, માસની ફિલ્મ ચાલે છે, પરંતુ આ વખતે માસ અપીલની ફિલ્મ પણ પીટાઈ ગઈ છે.

માસ ઓડિયન્સ હવે સ્માર્ટ બન્યું
ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે માસ ઓડિયન્સ સ્માર્ટ બની ગયું છે. 'સૂર્યવંશી' પછી એક પણ ફિલ્મ ચાલી નથી. દર્શકો હવે પહેલાં જ ફિલ્મ અંગે જાણી લે છે. આથી જ પહેલાં દિવસથી જ અપેક્ષાથી ઓછો બિઝનેસ મળ્યો.

ઇન્ડસ્ટ્રી માટે રેડ અલર્ટ
ગિરીશ જૌહરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે મિટ બજેટ ફિલ્મ ના ચાલે તે ઇન્ડસ્ટ્રી માટે જોખમી છે. આ ફિલ્મ જ ઇન્ડસ્ટ્રીને ચલાવે છે. એક વર્ષમાં બિગ બજેટ ફિલ્મ વધુમાં વધુ 10-12 હોય છે, પરંતુ આખા વર્ષમાં મીડિયમ બજેટની ફિલ્મ 30-35 આવે છે. થિયેટરમાં રેગ્યુલર ફુટફોલ આ જ ફિલ્મને કારણે શક્ય બને છે. બિગ બજેટ ફિલ્મ ત્રણથી ચાર હજાર સ્ક્રીનમાં રિલીઝ થાય છે અને વધુમાં વધુ બે અઠવાડિયા ચાલે છે. નાની ફિલ્મ ઓછી સ્ક્રીન પર આવે છે અને ઘણાં અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલે છે. કન્ટેન્ટ તથા ડિસ્ટ્રીબ્યૂશન સ્ટ્રેટેજી આ બંને માપદંડોને આધારે આ ફિલ્મની અવગણના થવી જોઈએ નહીં.

ટિકિટના ભાવ ઓછા કરવા પડશે
ગિરીશે વધુમાં કહ્યું હતું કે મિટ બજેટ ફિલ્મનું જોખમ ઓછું કરવાનો એક માત્ર રસ્તો ટિકિટના ભાવ ઓછા કરવાનો છે. મલ્ટીપ્લેક્સ ચેને આ અંગે આગળ આવવાની જરૂર છે. આ ફિલ્મ થિયેટર બિઝનેસની બેકબોન છે. જો ભાવ વધારે હશે તો દર્શકો થિયેટરમાં આવવાને બદલે OTT પર ક્યારે રિલીઝ થશે તેની રાહ જોશે. દર્શકોની મનોરંજનની પેટર્ન બદલાઈ ચૂકી છે.

કન્ટેન્ટ તથા કિંમત બંને રીતે OTT પડકારરૂપ
ફિલ્મ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સંજય ભંડારીએ કહ્યું હતું કે OTTએ કન્ટેન્ટ તથા કાસ્ટ એમ બે પ્રકારે લડાઈ લડવાનું શરૂ કર્યું છે. માસ ઓડિયન્સને ડબિંગ કે સબ ટાઇટલ્સના માધ્યમથી માત્ર તમિળ અને તેલુગુ જ નહીં, પરંતુ સાઉથ કોરિયનનું પણ બેસ્ટ કન્ટેન્ટ મળે છે. નાના શહેર અથવા B તથા C ગ્રેડ સેન્ટર્સના દર્શકોના બદલાયેલા ટેસ્ટને અવગણી શકાય નહીં. આ માસ ઓડિયન્સ બહુ જ કાસ્ટ સેન્સિટિવ છે. એક ફિલ્મની ટિકિટના ભાવે આખા વર્ષનું OTT સબસ્ક્રિપ્શન મળે છે. પરિવાર તથા મિત્રોમાં અલગ અલગ OTTના પાસવર્ડ વહેંચાઈ જાય છે. બધાને ખ્યાલ છે કે ફિલ્મ ચાર કે છ અઠવાડિયે તો OTT પર આવી જ જશે. જો કન્ટેન્ટ બહુ સારું નહીં હોય તો લોકો કારણ વગર પૈસા ખર્ચ કરશે નહીં.

સામાન્ય વ્યક્તિની ખર્ચની પેટર્ન સમજવાની જરૂર છે
ભંડારીએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સામાન્ય વ્યક્તિની ખર્ચની પેટર્ન અંગે કોઈ વિચારતું નથી. લોકો દિવાળી સુધી ઘણાં પૈસા ખર્ચ કરી નાખે છે. ગયા મહિને આખા દેશમાં લગ્નની સિઝન હતી. બોક્સ ઓફિસ પર આ તમામની અસર પડે છે. આ એનલિસિસ પ્રોડ્યૂસર કરતાં નથી. તે તો OTT, સેટેલાઇટ્ રાઇટ્સ વેચીને પૈસાની રિકવરી કરી લે છે. આવામાં મીડિયમ બજેટ ફિલ્મની થિયેટર રિલીઝ મુશ્કેલ બની જશે.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવશે
આગામી ફિલ્મની વાત કરીએ તો હોલિવૂડ ફિલ્મ 'સ્પાઇડર મેન', 83', 'RRR', 'પૃથ્વીરાજ' સારી કમાણી કરે તેવી આશા છે. આ તમામ બિગ બજેટ ફિલ્મ છે. આ મહિને 'જર્સી' તથા આવતા મહિને 'શાબાશ મીઠુ', 'બધાઈ દો' તથા 'અટેક' જેવી મીડિયમ બજેટ ફિલ્મ રિલીઝ થશે.