અમિતાભ બચ્ચનનું ફક્ત 25% લિવર જ કામ કરે છે:40 વર્ષ પહેલાં બિગ-બીનું 3થી 4 કલાક જીવવું મુશ્કેલ હતું, આજે 80 વર્ષની વયે 6 ફિલ્મમાં કામ કરી રહ્યા છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન 80 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એ રીતે એક્ટિવ છે. 'બ્રહ્માસ્ત્ર'માં તો એક્શન સીન પણ કર્યા હતા. હાલ અમિતાભ બચ્ચન 6 ફિલ્મમાં કામ કરી રહ્યા છે. હૈદરાબાદમાં અમિતાભ તેમની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ - K'નું એક્શન સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાંસળીઓમાં ઇજા થઇ હતી. આ દુર્ઘટનામાં અમિતાભની માંસપેશીઓમાં ફાટી ગઈ હતી અને શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ રહી હોઈ, તરત જ શૂટિંગને અધવચ્ચેથી અટકાવીને મુંબઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું - પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી રહી છે. એનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે થોડાં અઠવાડિયાંનો સમય લાગશે.

આ પહેલીવાર નથી કે અમિતાભ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રત થયા હોય. આ પહેલાં પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • પ્રોજેક્ટ-કે
  • ઠગ્સ ઓફ હિન્દુસ્તાન
  • કૂલી
  • કૌન બનેગા કરોડપતિ-14 26 જુલાઈ 1982ના રોજ અમિતાભ બચ્ચન ફિલ્મ 'કૂલી'ના સેટ પર ઘાયલ થયા હતા.

જે સ્થિતિમાં 3-4 કલાક જીવતા રહેવું મુશ્કેલ હતું એ દુખાવામાં અમિતાભે 4 દિવસ સુધી દુખાવાને સહન કર્યો
26 જુલાઈ 1982ના રોજ અમિતાભ બચ્ચન ફિલ્મ 'કૂલી'ના સેટ પર ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની, જ્યારે માર્શલ આર્ટમાં માસ્ટર પુનિત ઇસ્સરે એક એક્શન સીન દરમિયાન અમિતાભને જોરથી મુક્કો માર્યો હતો. પુનિત ઇસ્સરનો મુક્કો પેટમાં વાગતાં જ અમિતાભ બચ્ચન જમીન પર પડી ગયા હતા. થોડીવાર પછી તેઓ ઊઠ્યા અને કહ્યું કે મને ભારે દુખાવો થાય છે. મનમોહન દેસાઈએ તેમને તરત જ હોટલ મોકલી દીધા, ત્યાં ડોક્ટરો પણ આવી પહોંચ્યા હતા.

લાંબા સમય સુધી ડોક્ટરો રોગને પકડી શક્યા નહોતા. વારંવાર ટેસ્ટ કર્યા પછી પણ સ્પષ્ટ નિદાન થતું નહોતું. અમિતાભની હાલત ખરાબ થઈ રહી હતી, ત્યારે વેલ્લોરના ડો. ભટ્ટે એક્સ-રે રિપોર્ટમાં આંતરડામાં ઈજા પહોંચી હતી અને કહ્યું કે અમિતાભના પેટમાં થયેલી ઈજામાં હવે પરું થવા લાગ્યું છે.

આ પછી અમિતાભની ઈમર્જન્સી સર્જરી કરવામાં આવી હતી. 2 ઓગસ્ટ 1982ના રોજ ડોક્ટરોની અથાગ મહેનત પછી જીવનના શ્વાસ ફરી શરૂ થવા લાગ્યા હતા. ધીમે ધીમે અમિતાભની તબિયતમાં સુધારો થયો હતો.

ઓપરેશન પહેલાં અમિતાભને 102 તાવ આવ્યો અને તેમના ધબકારા 72ને બદલે 180 થઈ ગયા હતા. જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે અંદરથી આંતરડા ફાટી ગયા હોવાનું જણાયું હતું. આ સ્થિતિમાં 3-4 કલાક પણ જીવવું મુશ્કેલ હતું, પરંતુ અમિતાભે 4 દિવસ સુધી સંઘર્ષ કર્યો હતો. બિગ બી ચોથા દિવસે કોમામાં ચાલ્યા ગયા હતા. આ બાદ બે ઓપરેશન થયાં અને તેમને બે મહિના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

પહેલાંથી જ અસ્થમા, લિવરની સમસ્યા અને નિમોનિયા સામે ઝઝૂમી રહ્યા હતા
અમિતાભ બચ્ચનને અકસ્માત પહેલાં જ લિવરની સમસ્યા હતી અને તેમને અસ્થમા પણ હતો. ઓપરેશન પછી બીજા જ દિવસે તેમને ન્યુમોનિયા થયો, જેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઇ હતી. બેંગલોરમાં સારવાર બાદ તેમને એરબસ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા. ક્રેન દ્વારા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સ્ટ્રેચર પર ખસેડવામાં આવ્યા હતા. 8 ઓગસ્ટના રોજ તેમનું ફરીથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની બહાર ચોવીસ કલાક તેમનાં પ્રિયજનોની ભીડ જોવા મળતી હતી. આખા દેશમાં ક્યાંક પૂજા થઈ રહી હતી તો ક્યાંક યજ્ઞ થઈ રહ્યો હતો. જયા બચ્ચન પોતે પણ અમિતાભની સુખાકારી માટે સિદ્ધિવિનાયક ગયાં હતાં, પરંતુ જ્યારે તેઓ પહોંચ્યાં તો તેમણે જોયું કે ઘણા લોકો બિગ બી માટે પહેલેથી જ ત્યાં પૂજા કરી રહ્યા હતા.

બિગ-બિનું લિવર ફક્ત 25% જ કામ કરે છે.
બિગ-બિનું લિવર ફક્ત 25% જ કામ કરે છે.

હેપેટાઇટિસ બીને આપી માત
2000માં અમિતાભ બચ્ચનને ખબર પડી કે તેમને હેપેટાઇટિસ બી છે. આ બીમારી એક બેદરકારીનું જ પરિણામ હતું. સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો 'કૂલી'ના સેટ પર અકસ્માત બાદ જ્યારે બિગ બીને લોહીની જરૂર હતી ત્યારે ત્યાં રક્તદાતાઓનો ધસારો જોવા મળ્યો હતો. 200 દાતાઓ દ્વારા તેમને 60 બોટલ લોહી આપવામાં આવ્યું હતું. ઉતાવળમાં બિગ બીને હેપેટાઇટિસ બીથી સંક્રમિત વ્યક્તિનું લોહી પણ ચઢાવી દેવામાં આવ્યું હતું, જેનાથી તેઓ પોતે ચેપગ્રસ્ત થયા હતા. આ વાત અમિતાભ બચ્ચને પોતે કહી હતી, જ્યારે તેમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હેપેટાઇટિસ બી અભિયાનના બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

બિગ બીએ કહ્યું હતું કે હું અંદરથી ભાંગી પડ્યો હતો
સ્વસ્થ થયા બાદ અમિતાભે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'મને ખબર ન હતી કે હું મરી જવાનો છું. મને એટલી જ ખબર હતી કે મારી સાથે કંઈક ખરાબ થયું છે. જ્યારે હું જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો હતો ત્યારે હું કોમામાં હતો. હું હોશમાં નહોતો. તે મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો, પરંતુ મારા કરતાં મારા પરિવાર માટે એ વધુ મુશ્કેલ હતું, કારણ કે હું આ બધાથી અજાણ હતો. હું સ્વસ્થ હતો અને જીવન માટે ઉત્સાહથી ભરપૂર હતો, પરંતુ પછી મને અચાનક સમજાયું કે હું અંદરથી મરી ગયો છું. હવે તમે આંગળી પણ હલાવી શકતા નથી, તમારો પગ ટેકો નથી આપતો. આ માત્ર એક જ દિવસમાં કેવી રીતે થઈ શકે છે. હું ખૂબ ડરી ગયો હતો.'

75 ટકા લિવર કામ નથી કરતું
2000માં અમિતાભ બચ્ચનને પેટમાં ભારે દુખાવો થયો હતો. જ્યારે બિગ બી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના આંતરડામાં સમસ્યા છે, જેના માટે તેમણે નાના આંતરડાના ડાયવર્ટિક્યુલાઈટિસની સર્જરી કરાવી હતી. સારવાર દરમિયાન જ બિગ બીને ખબર પડી કે તેમને લિવર સિરોસિસ છે. તે હેપેટાઇટિસ બીને કારણે થયું હતું. 2012માં અમિતાભ બચ્ચનનું 75 ટકા ચેપગ્રસ્ત લિવર સર્જિકલ રીતે કાપીને અલગ કરવામાં આવ્યું હતું.

વધુપડતી દવા ખાવાને કારણે પણ બીમારી
અમિતાભ બચ્ચન પણ માયસ્થેનિયા ગ્રેવિસ નામની સ્નાયુ સંબંધિત બીમારીથી પીડિત છે. આ રોગમાં સ્નાયુઓ અને ચેતાતંત્ર વચ્ચેનું જોડાણ તૂટી જાય છે. આ રોગ સામાન્ય રીતે દવાઓના વધુપડતા સેવનને કારણે થાય છે.

અમિતાભ બચ્ચનને અસ્થમાની બીમારી છે
અમિતાભ બચ્ચનને અસ્થમા છે. આ રોગને કારણે શરીરનો વાયુમાર્ગ સાંકડો થઈ જાય છે, જેને કારણે ફેફસામાં યોગ્ય માત્રામાં ઓક્સિજન પહોંચતો નથી. નળીઓ બંધ થવાને કારણે દર્દીને ઘણીવાર અસ્થમાનો હુમલો પણ આવે છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ દર્દીઓને ધૂળ અને નીચા તાપમાનમાં રહેવાની મનાઈ છે. જોકે તાજેતરમાં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઊંચાઈ'માં તેમણે માઈનસ ડીગ્રી ટેમ્પરેચરમાં શૂટિંગ કર્યું છે.

અમિતાભ બચ્ચને ટીબીને પણ માત આપી છે
અમિતાભ બચ્ચનને અસ્થમા છે, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ ડિટેકટ થઇ ચૂક્યો છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી તેમણે આ રોગથી છુટકારો મેળવ્યો હતો.

'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ના સેટ પર અમિતાભને થઈ હતી ઇજા
અમિતાભ બચ્ચન 2018ની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં જબરદસ્ત એક્શન કરતા જોવા મળ્યા હતા. આ એક એક્શન સિક્વન્સ માટે અમિતાભ બચ્ચને બોડી ડબલનો ઉપયોગ કરવો પડ્યો હતો, પરંતુ તેમણે પોતે જ એક્શન સીન શૂટ કર્યા હતા. આ એક્શન સીન કરતા સમયે ખભામાં ઈજા થઈ હતી, જોકે આ ઈજા ગંભીર નહોતી.

'કૌન બનેગા કરોડપતિ-14' શૂટિંગ દરમિયાન પગની નસ કપાઈ ગઈ હતી
2022માં 'કૌન બનેગા કરોડપતિ 14'ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના પગની નસ કપાઈ ગઈ હતી. સેટ પર તેમની માંસપેશીઓમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

2022માં કોરોના પોઝિટિવ
2020માં અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોવિડથી સંક્રમિત થયા છે. અમિતાભની સાથે તેમનો પુત્ર અભિષેક પણ પોઝિટિવ હતો. બિગ-બી બે મહિનાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. 2022માં પણ અમિતાભ બચ્ચન સંક્રમિત થયા હતા.