'બેલબોટમ'માં એક્ટ્રેસ લારા દત્તાનો ઈન્દિરા ગાંધીનો લુક ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે લારા દત્તાને ઓળખવી મુશ્કેલ બની ગઈ હતી. આ લુકની ક્રેડિટ મેકઅપ તથા પ્રોસ્થેટિક આર્ટિસ્ટ પ્રશાંત ડોઈફોડેને આપવી જોઈએ. પ્રશાંતને દુઃખ છે કે મેકઅપ આર્ટિસ્ટને યોગ્ય રીતે ક્રેડિટ મળતી નથી. લારાના ટ્રાન્સફોર્મશનની આટલી ચર્ચા છે તો સ્થિતિ બદલે તેવી આશા છે.
પ્રશાંતને જ્યારે પહેલી વાર ખબર પડી કે ફિલ્મમાં લારા જ ઈન્દિરા ગાંધીનું પાત્ર પ્લે કરે છે તો તેમના માટે આ એક પડકાર હતો. લારાનો ઈન્દિરા ગાંધી લુક તૈયાર કરવામાં 35 દિવસ લાગ્યા હતા. પ્રશાંતે આ લુકને તૈયાર કરવાની તમામ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવી હતી.
સૌથી પહેલાં તુલના તથા 3D કાસ્ટિંગ
લારાનું મેકઓવર કરવા માટે સૌ પહેલાં તેના તથા ઈન્દિરા ગાંધીના લુકની તુલના કરવામાં આવી હતી. પછી લારાના ઘરે જઈને 3D કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કોઈનો પણ પ્રોસ્થેટિક લુક તૈયાર કરવા માટે 3D કાસ્ટિંગ સૌ પહેલું સ્ટેપ છે. જેના પર પ્રોસ્થેટિક કરવાનો છે, તેના ચહેરાનું બારીકાઈથી માપ લેવામાં આવે છે અને પછી તે પ્રમાણે પ્રોસ્થેટિક તૈયાર કરવામાં આવે છે.
બે ટ્રાયલ થઈ, ત્રણ લોકોની ટીમે કામ કર્યું
લારા શૂટિંગ કરે તે પહેલાં બે ટ્રાયલ કરવામાં આવી હતી. એકવાર કમ્પ્લિટ લુક ટ્રાયલ થઈ હતી, જેમાં મોટાભાગનો લુક અચીવ થઈ ગયો હતો. જોકે, તેને હજી સારી રીતે કરી શકાતો હતો અને તેથી જ બીજી ટ્રાયલ લેવામાં આવી અને તે અપ્રૂવ થઈ.
આ આખી પ્રોસેસમાં પ્રશાંતની સાથે જગદીશ દાદા તથા પ્રવીણ હતા. જગદીશ દાદા સુપરવાઇઝ કરતા અને પ્રવીણ સેટ અટેન્ડ કરતા. આ પ્રકારના મેકઅપને અચીવ કરવા માટે એક્ટરનું પૂરું ડેડિકેશન જોઈએ. લારાએ પૂરો સહયોગ આપ્યો હતો.
કન્ટિન્યૂટી એક પડકાર
આ પ્રકારના મેકઅપમાં કન્ટિન્યૂટી જાળવી રાખવી મેકઅપ આર્ટિસ્ટ માટે એક પડકાર છે. લારાના મેકઅપમાં 3 કલાક થતા. શૂટિંગ પૂરું થયા બાદ મેકઅપ રિમૂવ કરવા માટે દોઢ કલાક થતો હતો. આ મેકઅપની સાથે શોટ આપવો સરળ નથી, જેમ કે પ્રોસ્થેટિક નાક લગાવવામાં આવ્યું હતું, તેથી પરસેવો કે ખંજવાળ આવે તો તેને સ્પર્શ કરવાનો હોતો નથી. આખો દિવસ તે મેકઅપ સાથે જ બેસવાનું હોય છે.
પ્રોસ્થેટિક સામાન વિદેશથી આવ્યો છે
પ્રોસ્થેટિક તથા મેકઅમનો તમામ સામાન અમેરિકા તથા ઇંગ્લેન્ડથી આવ્યો હતો. પ્રોસ્થેટિક માટે સૌ પહેલાં લેટેક્સ અથવા લેટેક્સ ફોમનો ઉપયોગ થાય છે. હવે સિલિકોન કે જિલેટિન જેવું મટિરિયલ પણ યુઝ થાય છે. પ્રશાંતે પૂરો પ્રોસ્થેટિક પોતાની વર્કશોપમાં તૈયાર કર્યો હતો.
મેકઅપમાં પહેલાં સ્ટિક પેન કેક હતી. પછી ક્રીમ બેસ, લિક્વિડ બેસ તથા હવે અલ્કોહલ બેઝ યુઝ થાય છે. બ્રશ ઉપરાંત ક્યારેક સ્પેશિયલ મેકઅપ સ્પ્રેનો પણ ઉપયોગ થાય છે.
લૉકડાઉનને કારણે તમામ મટિરિયલનો સ્ટોક કર્યો હતો
ફિલ્મ કોવિડની પ્રથમ લહેરમાં શૂટ થઈ હતી. મેકઅપમાં કોરોના પ્રોટોકોલને ફોલો કરવો મુશ્કેલ હતો. તમામ મેકઅપ મટિરિયલ તથા મેકઅપ વાનને સેનિટાઇઝ કરવામાં આવી હતી. લૉકડાઉનને કારણે તમામ મટિરિયલ તથા બીજા પીસનો એડવાન્સ સ્ટોક રાખવામાં આવ્યો હતો.
મેકઅપની ચર્ચા થાય છે, મેકઅપ આર્ટિસ્ટની નહીં
પ્રશાંતે કહ્યું હતું કે એક અનરિલીઝ ફિલ્મ 'મેરિડિયન'માં અર્જુન રામપાલને પ્રોસ્થેટિકની મદદથી વૃદ્ધ વ્યક્તિ બનાવવામાં આવ્યો હતો અને તેનો પરિવાર પણ તેને ઓળખી શક્યો નહોતો. 'કહાની'માં વિદ્યા બાલન માટે આર્ટિફિશિયલ બેલી બનાવવામાં આવી હતી, તેમાં સૌથી ખાસ વાત એ હતી કે ફિલ્મના ક્લાઇમેક્સમાં વિદ્યાને આ બેલી કાઢતા બતાવવામાં આવી હતી.
ફિલ્મ ઉપરાંત પ્રમોશનમાં પણ પ્રોસ્થેટિકનો ઉપયોગ થાય છે. અજય દેવગન તથા કાજોલની ફિલ્મ 'ટૂનપુર કા સુપરહીરો'ના પ્રમોશન માટે પ્રોસ્થેટિકથી કાર્ટૂન કેરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
પ્રશાંતે કહ્યું હતું કે શૂટિંગ દરમિયાન એક્ટરનો દિવસ મેકઅપથી શરૂ થાય છે અને મેકઅપથી પૂરો થાય છે. ફિલ્મમાં મેકઅપનું આટલું મહત્ત્વ છે, તેથી મેકઅપ આર્ટિસ્ટને પણ એક કલાકાર તરીકે પૂરતું સન્માન મળવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.