વધુ એક એક્ટ્રેસની આત્મહત્યા:21 વર્ષીય હિરોઈન બિદિશા ડેએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી, પોલીસ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી

કોલકાતા3 મહિનો પહેલા
  • બિદિશાના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે

થોડાં દિવસ પહેલાં જ 20 વર્ષીય બંગાળી એક્ટ્રેસ પલ્લવી ડેએ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. હવે વધુ એક બંગાળી એક્ટ્રેસે આ જ રીતે સુસાઇડ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષીય મોડલ તથા એક્ટ્રેસ બિદિશા ડે મજૂમદારે ઘરમાં આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે બિદિશાએ 2021માં શોર્ટ ફિલ્મ 'ભારઃ ધ ક્લાઉન'થી ડેબ્યૂ કર્યું હતું.

ફ્લેટમાં એક્ટ્રેસની લાશ મળી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 21 વર્ષીય બંગાળી એક્ટ્રેસ બિદિશા છેલ્લાં ચાર મહિનાથી નગર બાઝાર સ્થિત ફ્લેટમાં ભાડેથી રહેતી હતી. એક્ટ્રેસ પોતાના પેરેન્ટ્સ સાથે અહીંયા રહેતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક્ટ્રેસે બુધવાર (25 મે)ના રોજ આત્મહત્યા કરી હતી.

પોલીસે દરવાજો તોડ્યો
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ દરવાજો તોડીને એક્ટ્રેસના ફ્લેટની અંદર ગઈ હતી. ઘર અંદરથી બંધ હતું. જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે બિદિશાની લાશ પંખા સાથે લટકતી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ માટે ડેડબૉડી હોસ્પિટલ મોકલી આપી છે. પોલીસે કહ્યું હતું કે જ્યારે બિદિશાએ આત્મહત્યા કરી ત્યારે તે ઘરમાં એકલી હતી.

સુસાઇડ નોટ પણ મળી
બિદિશાના ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. સુસાઇડ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કેન્સરથી પીડિત છે. જોકે, બિદિશાના મિત્રોએ એમ કહ્યું હતું કે તેને કેન્સર નહોતું. કેન્સર હોવાની વાત સાવ ખોટી છે.

ડિપ્રેશનમાં હતી
નિકટના મિત્રોએ દાવો કર્યો હતો કે બિદિશા બોયફ્રેન્ડને કારણે ડિપ્રેશનમાં હતી. બિદિશાનો બોયફ્રેન્ડ અનુભાબે તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. બિદિશા સાથે સંબંધો હોવા છતાં અનુભાબના અન્ય ત્રણ યુવતીઓ સાથે સંબંધો હતો. આ વાતની બિદિશાને જાણ થતાં તેણે ઝઘડો કર્યો હતો અને તેથી જ તે કેટલાંક દિવસોથી ડિપ્રેશનમાં હતી.