હોલિવૂડ અભિનેતા રે સ્ટીવન્સનનું 21 મેના રોજ 58 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પબ્લિસિસ્ટે આ અંગે મીડિયાને માહિતી આપી હતી. જોકે મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આયર્લેન્ડમાં જન્મેલા અભિનેતા છેલ્લે એસ. એસ. રાજામૌલીની હિટ ફિલ્મ ‘RRR’માં ક્રૂર બ્રિટિશ ગવર્નર ભૂમિકામાં જોવા મળ્યા હતા. વધુમાં, રે અનેક માર્વેલ ફિલ્મો, જેમ કે 'થોર' અને એની સિક્વલ 'થોર: ધ ડાર્ક વર્લ્ડ'માં જોવા મળ્યા હતા, જેમાં તેમણે ‘વોલ્સ્ટાગ’ની ભૂમિકા ભજવી હતી.
તેમના નિધનના સમાચાર સામે આવતાં મનોરંજનજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મ-દિગ્દર્શકો એસ. એસ. રાજામૌલીએ દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. બે દિવસ પછી 25 મેના રોજ રેનો જન્મદિવસ હતો.
એસ. એસ. રાજામૌલીએ તેમના મૃત્યુ પર એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી
‘RRR’ નિર્દેશક એસ. એસ. રાજામૌલીએ દિવંગત અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. રે સાથેનો જૂનો ફોટો શેર કરતાં રાજામૌલીએ લખ્યું- 'આ સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. આ સમાચાર પર વિશ્વાસ નથી આવતો. રે સેટ પર પોતાની સાથે ઘણી ઊર્જા અને ખુશી લાવ્યા. તેમને કારણે સેટ પર હંમેશાં શાનદાર વાતાવરણ રહેતું હતું. તેમની સાથે કામ કરવું અદભુત હતું. મારી પ્રાર્થના તેમના પરિવાર સાથે છે, તેમના આત્માને શાંતિ મળે.’
રે સ્ટીવન્સન ઇન્ટીરિયર-ડિઝાઇનર બનવા ઈચ્છતા હતા
25 મે, 1964ના રોજ બ્રિટનના લિસ્બર્નમાં જન્મેલા રે સ્ટીવેન્સન ત્રણ પુત્રમાં બીજા હતા. તેઓ 8 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ગયા અને તેમણે બ્રિટિશ ઓલ્ડ વિક થિયેટર સ્કૂલમાં એડમિશન લીધું. તેઓ 29 વર્ષની ઉંમરે સ્નાતક થયા. તે તેની કારકિર્દીમાં ઇન્ટીરિયર-ડિઝાઇનર બનવા માગતા હતા. જોકે, તેમના માટે નિયતિ પાસે કંઈક બીજું જ હતું.
ફિલ્મી કરિયરની શરૂઆત 90ના દાયકામાં થઈ હતી
તેઓ 90ના દાયકાની શરૂઆતથી ફિલ્મો અને ટીવી શોમાં સક્રિય બન્યા. 2000ના દાયકામાં તેમણે હોલિવૂડની એક્શન ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી હતી. તેમની પ્રથમ સફળ ફિલ્મ 1998માં 'ધ થિયરી ઓફ ફ્લાઇટ' હતી, જેમાં તેમણે હેલેના બોનહામ કાર્ટરની ભૂમિકા ભજવી હતી. તેમણે વોર ઝોન, માર્વેલની થોર મૂવીઝમાં 'વોલ્સ્ટાગ' અને 'કિલ ધ આઇરિશમેન'માં તેમના પ્રદર્શનથી પણ ચાહકોને પ્રભાવિત કર્યા.
લીડ તરીકે રેની પહેલી ફિલ્મ 2004માં આવી હતી
2004માં રેએ પ્રથમ વખત કિંગ આર્થરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેમણે રાઉન્ડ ટેબલના નાઈટ્સમાંથી એક ડેગ્નેટની ભૂમિકા ભજવી હતી. મોટા-બજેટ રોમ-સિરીઝમાં સૈનિક ટાઇટસ પુલો તરીકેના તેમના અદભુત અભિનય માટે રે ઝડપથી અમેરિકન પ્રેક્ષકો માટે જાણીતા બન્યા.
માર્વેલ ફિલ્મથી મળી ઓળખ, RRRમાં મહત્ત્વની ભૂમિકા ભજવી
શ્રેણી સમાપ્ત થયા પછી રે 2008ની ફિલ્મ 'પનિશરઃ વોર ઝોન'માં વિલન ફ્રેન્ક કેસલ તરીકે દેખાયા, એ સિવાય પણ તેમની ફિલ્મોનું લિસ્ટ ઘણું લાંબું છે.
રે છેલ્લે એસ. એસ. રાજામૌલીની પિરિયડ એક્શન બ્લોકબસ્ટર 'RRR'માં ગવર્નર સ્કોટ બસ્ટન તરીકે જોવા મળ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.