મોડલે સુસાઇડ કર્યું:18 વર્ષીય મોડલ સરસ્વતી દાસે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી, નાનીએ દૌહિત્રીને નીચે ઉતારી

કોલકાતા2 મહિનો પહેલા
  • છેલ્લાં 15 દિવસમાં ત્રણ બંગાળી એક્ટ્રેસિસે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક એક્ટ્રેસિસના મોતથી ખળભળાટ મચી ગયો છે. 15 દિવસમાં ત્રણ એક્ટ્રેસિસે આત્મહત્યા કરી હતી. હવે એક મોડેલે આત્મહત્યા કરી છે. 18 વર્ષીય સ્ટ્રગલિંગ મોડલ તથા મેકઅપ આર્ટિસ્ટ સરસ્વતી દાસે અડધી રાત્રે સુસાઇડ કર્યું હતું.

પંખા સાથે લાશ લટકતી મળી
સરસ્વતીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. સરસ્વતી કોલકાતાના બેદિયાડાંગામાં રહેતી હતી. શનિવાર (28 મે)ની રાત્રે મોડલની લાશ મળી હતી. ઉલ્લેખનીય છે કે બંગાળી એક્ટ્રેસ બિદિશા ડે મજુમદાર, પલ્લવી ડે તથા મંજૂષા નિયોગીએ પણ ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આ ત્રણેયની આત્મહત્યાની તપાસમાં એ વાત સામે આવી હતી કે તેઓ ડિપ્રેશનમાં હતાં. 17 મેના રોજ કોચ્ચિની ટ્રાન્સ મોડલ તથા એક્ટ્રેસ શેરિન સેલિન મેથ્યુએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તે પ્રેમી સાથે વીડિયો ચેટ કરતી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

રાત્રે બે વાગે રૂમમાં જઈને આત્મહત્યા કરી
પોલીસના જણાવ્યા પ્રમાણે, સરસ્વતી દાસ ઘરમાં નાની સાથે સૂતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો બહાર સૂતા હતા. રાત્રે બે વાગે જ્યારે નાનીની આંખ ખૂલી તો તેમણે જોયું કે સરસ્વતી તેમની બાજુમાં નહોતી. તે સરસ્વતીના રૂમમાં ગયાં તો તેમણે દૌહિત્રીને પંખા સાથે લટકતી જોઈ હતી.

નાનીએ દૌહિત્રીને નીચે ઉતારી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરસ્વતી છેલ્લાં 17 વર્ષથી માતા આરતી સાથે નાનીના ઘરે રહે છે. પરિવારમાં મામા-મામી છે. સરસ્વતીના પિતાએ તેમને તરછોડી દીધા હતા. સરસ્વતીની નાનીએ સૌ પહેલા દૌહિત્રીને પંખા સાથે લટકતી જોઈ હતી. તેમણે જ સરસ્વતીને નીચે ઉતારી હતી અને તાત્કાલિક CNMC હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સરસ્વતીનું મોત થઈ ગયું હતું.

દસ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરસ્વતીએ 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને પછી તેણે ભણવાનું છોડી દીધું હતું. તે પરિવારના ગુજરાન માટે બાળકોને ટ્યૂશન આપતી હતી. આટલું જ નહીં તે મોડલિંગ કરતી હતી. મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરતી હતી. તેણે ઘણાં વીડિયો શૂટ કર્યા છે.

રિલેશનશિપમાં હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે, સરસ્વતી દાસને અફેર હતું અને તેને કારણે તે ડિપ્રેશનમાં રહેતી હતી.

એક વાગ્યા સુધી બોયફ્રેન્ડ સાથે વાત કરી
પોલીસે વધુમાં કહ્યું હતું કે કોલ રેકોર્ડ્સ પરથી ખ્યાલ આવ્યો કે સરસ્વતી રાતના એક વાગ્યા સુધી પ્રેમી સાથે વાત કરતી હતી. પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે ફોનમાં પ્રેમી સાથે રવિવાર (29 મે)ના રોજ ક્યાંક મળવા અંગે વાત થઈ હતી અને તેમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ જ કારણે તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.