ઇનકમ ટેક્સ વિભાગે સોમવાર, 12 ડિસેમ્બરના રોજ તેલુગુ ફિલ્મ પ્રોડક્શન કંપની મેથ્રીના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. મેથ્રી ફિલ્મ પ્રોડક્શન હેઠળ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા', 'રંગસ્થલમ' તથા 'શ્રીમંથુડુ' બની ચૂકી છે. ઇનકમ ટેક્સ વિભાગે આ પ્રોડક્શન કંપનીના ત્રણ માલિક યલમચિલી રવિશંકર, નવી અર્નેની, ચેરુકુરી મોહનના ઘર સહિત 15 જગ્યાએ દરોડા પાડ્યા છે. અધિકારીને આશંકા છે કે આ પ્રોડક્શન કંપનીમાં કેટલાક NRIએ પૈસાનું રોકાણ કર્યું છે.
15 જગ્યાએ રેડ પડી
રિપોર્ટ્સ પ્રમાણે, અધિકારીઓ અલગ અલગ રાજ્યોથી હૈદરાબાદ આવ્યા હતા. હૈદરાબાદ આવતા જ તમામ અધિકારી સવારે મેથ્રી ફિલ્મ્સની ઓફિસ ગયા હતા અને દરોડા પાડ્યા હતા. હજી સુધી રેડનું સાચું કારણ બહાર આવ્યું નથી, પરંતુ ચર્ચા છે કે ઇનકમ ટેક્સના અધિકારીઓને શંકા છે કે મેથ્રી ફિલ્મ્સ પ્રોડક્શન કંપનીમાં વિદેશી રોકાણ થયું છે. પ્રોડ્યૂસર્સની 15 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે.
મેથ્રી પ્રોડક્શને હિટ ફિલ્મ આપી છે
મેથ્રી પ્રોડક્શન હેઠળ સુપરહિટ ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી છે, જેમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' સહિતની ફિલ્મ સામેલ છે. 'પુષ્પા'એ વિશ્વભરમાં 350 કરોડથી વધુની કમાણી કરી હતી. હાલમાં જ ચિરંજીવી, બાલકૃષ્ણ, પવન કલ્યાણ જેવા બિગ સ્ટાર્સને ભારે ભરખમ ફી ચૂકવીને મોટા-મોટા પ્રોજેક્ટ્સ આપ્યા છે. પલન કલ્યાણની ફિલ્મ 'ઉસ્તાદ' આવતા વર્ષે રિલીઝ થશે.
'પુષ્પા' બ્લોકબસ્ટર હતી
મેથ્રી મૂવી મેકર્સના બેનર હેઠળ 'પુષ્પા ધ રાઇઝ' ડિસેમ્બર, 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મે વર્લ્ડવાઇડ 350 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ઓરિજિનલી તેલુગુ હતી. ત્યારબાદ હિંદી સહિત વિવિધ ભાષામાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મને સુકુમારે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ પણ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.