'પઠાન' વિવાદ અંગે સેન્સર બોર્ડનો નિર્ણય:ફિલ્મના 10 સીન અને કેટલાક સંવાદો બદલવાનો આદેશ આપ્યો, 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

મુંબઈએક મહિનો પહેલા

શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાન' રિલીઝ પહેલાં વિવાદમાં ફસાઈ છે. ફિલ્મ અંગેનો વિવાદ વધતાં સેન્સર બોર્ડ ઑફ સર્ટિફિકેશને આ ફિલ્મના 10 સીન ચેન્જ કરવાનું કહ્યું છે. આ ઉપરાંત કેટલાક સંવાદો પણ બદલવાના કહ્યા છે. જ્યારથી ફિલ્મનું ટીઝર ને સોંગ રિલીઝ થયું છે ત્યારથી વિવાદ થયો છે. ફિલ્મના 'બેશરમ રંગ...'ના શબ્દો પર કેટલાક લોકોએ વિરોધ ઉઠાવ્યો છે તો કેટલાકને દીપિકા પાદુકોણની ભગવા રંગની બિકીની સામે વાંધો છે. આ જ વિવાદોને કારણે સેન્સર બોર્ડે આ નિર્ણય લીધો છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

આ શબ્દોને ચે્જ કરવામાં આવ્યા
વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મમાં હવે 'રૉ'ને બદલે 'હમારે' તથા 'લંડલે લૂલે'ની જગ્યાએ 'ટૂટે ફૂટે', 'PM'ની જગ્યાએ રાષ્ટ્રપતિ અથવા મંત્રી કહેવામાં આવશે. ફિલ્મમાંથી 'PMO' શબ્દ 13 જગ્યાએ હટાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, ફિલ્મમાંથી 'અશોક ચક્ર'ને 'વીર પુરસ્કાર', 'પૂર્વ KGG'ને બદલે હવે 'પૂર્વ SBU' તથા 'મિસિસ ભારતમાતા'ને બદલે 'હમારી ભારતમાતા' કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં 'સ્કોચ'ને બદલે 'ડ્રિંક' શબ્દ સાંભળવા મળશે. ટેકસ્ટ 'બ્લેક પ્રિજન રુસ'ને બદલે હવે દર્શકોને માત્ર 'બ્લેક પ્રિજન' વાંચવા મળશે.

'બેશરમ રંગ..'માં ત્રણ કટ મૂકવામાં આવ્યા
વિવાદાસ્પદ ગીત 'બેશરમ રંગ..'માં દીપિકા પાદુકોણના નિતંબના ક્લોઝઅપ શોટ, સાઇડ પોઝ તથા 'બહુત તંગ કિયા..' વખતે દીપિકાનો જે સેન્સેશનલ ડાન્સ છે એ હટાવવામાં આવ્યો છે. જોકે ગીતમાં દીપિકાની ભગવા બિકીની બદલવામાં આવી છે કે પછી તેને હટાવવામાં આવી છે એ અંગે ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

થોડા દિવસ પહેલાં સેન્સર બોર્ડે ફિલ્મમાં ફેરફાર સૂચવ્યા
ઉલ્લેખનીય છે કે CBFCના ચેરપર્સન પ્રસૂન જોષીએ કહ્યું હતું, 'અમે મેકર્સને કહ્યું છે કે ફિલ્મ રિલીઝ પહેલાં રિવાઇઝ્ડ વર્ઝન સબ્મિટ કરે.' સેન્સર બોર્ડ ફિલ્મ જોયા બાદ આ ફેરફારનાં સૂચનો આપ્યા છે. વધુમાં પ્રસૂન જોષીએ 'પઠાન' અંગે કહ્યું હતું, 'સેન્સર બોર્ડ હંમેશાંથી જ ક્રિએટિવિટી તથા દર્શકોની સંવેદનશીલતાની વચ્ચે બેલેન્સ બનાવીને રાખે છે. અમને વિશ્વાસ છે કે વાતચીતના માધ્યમથી અમે કોઈ ને કોઈ રસ્તા કાઢી લઈશું. 'હાલમાં જ ફિલ્મ 'પઠાન' અમારી પાસે એક્ઝામિનેશન માટે આવી હતી. આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું ફરી કહેવા માગીશ કે આપણી સંસ્કૃતિ તથા માન્યતા મહાન છે. આપણે આ અંગે ઘણા જ સાવચેત રહેવાની જરૂર છે કે બેકારની વાતોથી આ પ્રભાવિત ના થાય એ જોવું જોઈએ.'

ઘણા દિવસોથી વિવાદ ચાલતો હતો
'પઠાન'ના ગીત 'બેશરમ રંગ..'માં દીપિકાએ ઓરેન્જ બિકીની પહેરી છે. ઓરેન્જ બિકીનીને કારણે વિવાદ થયો હતો. આ વાત ઘણા લોકોને ગમી નથી. વિરોધ કરનારા લોકોએ કહ્યું હતું કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતીક છે. ભગવા જેવા પવિત્ર રંગનો પ્રયોગ બિકીની માટે કરી શકાય નહીં. શાહરુખ-દીપિકાની આ ફિલ્મનો વિરોધ મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં શાહરુખનાં પૂતળાં પણ સળગાવવામાં આવ્યાં હતાં. બિહારમાં શાહરુખ-દીપિકા સહિત 5 લોકો પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો તથા અશ્લીલતા ફેલાવવાના આક્ષેપમાં કેસ કરવામાં આવ્યો છે.

10 જાન્યુઆરીએ ટ્રેલર રિલીઝ થશે
ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. શાહરુખ ખાનના જન્મદિવસ પર એટલે કે 2 નવેમ્બરના રોજ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. એક્શન પેક્ડ ટીઝર જોઈને ચાહકો શાહરુખ પર ફિદા થઈ ગયા હતા. ટીઝરમાં શાહરુખની ફિટનેસ અને દીપિકાનો ગ્લેમરસ અંદાજ દર્શકોને પસંદ આવ્યો હતો.

100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા
શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.

શાહરુખ ખાન 'પઠાન'થી ચાર વર્ષ બાદ બિગ સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. 'પઠાન'નું બજેટ અંદાજે 250 કરોડ રૂપિયાનું છે. થોડા દિવસ પહેલાં આ ફિલ્મનું બીજું ગીત 'ઝૂમ જો પઠાન..' રિલીઝ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...