• Gujarati News
  • Election 2022
  • The BJP, Which Has Been In Power For Three Decades, Has Lost Its Footing In Getting Seats In Tribal Areas

ભાસ્કર ઇનડેપ્થઆદિવાસીઓ વિશે આ જાણો છો?:રાષ્ટ્રીય નેતાઓએ પણ ગુજરાતના આદિવાસીઓ પાસે દોડી જવું પડે છે, આ આંકડા વાંચીને ચોંકી જશો

20 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી
  • ગુજરાતમાં 1 કરોડ આદિવાસીઓ છે અને તેમાંથી 84 લાખ જેટલા મતદારો છે

ગુજરાતની ચૂંટણીને તો હજુ વાર હતી ત્યાં જ રાજકીય પક્ષોએ સૌથી પહેલાં આદિવાસીઓ પર ફોકસ કર્યું. 20 એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા કરી. એના દસ દિવસ પછી 1 મે, 2022ના દિવસે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભરૂચના ચંદેરિયામાં સભા કરી જ્યાં ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના વડા છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું. એ જુદી વાત છે કે આ ગઠબંધનનું બાળમરણ થઈ ગયું. આ સભાના દસ દિવસ પછી 11મી મે-2022એ કોંગ્રેસની સભા થઈ. રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા અને આદિવાસી સત્યાગ્રહ રેલીની શરૂઆત કરાવી. ત્રણેય પક્ષના રાષ્ટ્રીય દિગ્ગજો એ વખતે જ ચૂંટણીનો શંખનાદ કરી ચૂક્યા હતા. સવાલ એ થાય કે શા માટે સૌથી પહેલું ફોકસ આદિવાસીઓ પર કર્યું?

એનાં ત્રણ કારણો છે

1. ગુજરાતમાં આદિવાસી ધારાસભ્યો માટે 27 સીટ અનામત છે

2. આદિવાસીઓ વોટર્સની સંખ્યા બહુ વિશાળ છે

3. આદિવાસીઓ પહેલેથી કોંગ્રેસ કમિટેડ વોટર્સ રહ્યા છે

પક્ષ કોઈપણ હોય, નેતા કોઈપણ હોય, ગુજરાતના આદિવાસી મતદારોના મન ક્યારેય વાંચી શક્યા નથી. રાજનેતાઓ ભલભલાનાં પાસાં ઊંધાં ફેંકે છે, આદિવાસી સમુદાય જ એક એવો સમુદાય છે જે ભલભલા નેતાઓનાં પાસાં પલટી નાખે છે. ગુજરાતનો આદિવાસી સમુદાય બહુ મોટો છે. એકાદ કરોડની વસતિ છે પણ 15 લાખ આદિવાસી તો એવા છે જે આજે પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ કરે છે. બાકી, મોટાભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા રહ્યા પણ એજ્યુકેટેડ છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટા જ્ઞાતિ છે, એમના તહેવારો, મેળા અલગ છે પણ ચૂંટણીની વાત આવે ત્યારે પાર્ટીઓ આદિવાસી પાસે દોડી જાય છે.

ગુજરાતમાં આદિવાસીઓની વસતિ 1 કરોડ

દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની ખૂબ મોટી વસતિ છે. લગભગ એક કરોડ જેટલી. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. આ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે.

આદિવાસી મતદારોનાં મન અકળ રહ્યાં છે
આદિવાસી મતદારોનાં મન અકળ રહ્યાં છે

આદિવાસી મતદારો શા માટે નિર્ણાયક

ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી. પછી એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની. કોંગ્રેસનો પ્રચાર પણ આ જ વિસ્તારમાંથી શરૂ થતો હતો. 2001માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજનાના નામથી આદિવાસી વિસ્તારમાં વિકાસનાં કામો કર્યાં એટલે ધીમે ધીમે કેટલાક આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસને બદલે ભાજપ તરફ વળવા લાગ્યા પણ ભાજપ આદિવાસીઓને સંપૂર્ણપણે પોતાના તરફ ખેંચી શક્યો નહીં. આદિવાસીઓની 15 સીટ તો કાયમ કોંગ્રેસ પાસે જ રહી છે. આદિવાસી ઉમેદવારો માટે 27 સીટ ભલે અનામત રહી પણ વિધાનસભાની 38 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે.

આદિવાસીઓ પાસે કુદરતી કળા છે

બધાં આદિવાસી જાતિજૂથોનાં પોતાનાં આગવાં જાતિપંચો છે. આ જાતિપંચો તેમના સમાજના સંચાલન અને નિયમનનું કાર્ય કરે. આદિવાસીઓ લોકસંગીત, લોકનૃત્યો, લોકકળામાં પારંગત. ડાંગની આદિવાસી જાતિઓના થાળીવાદ્ય, ચૌધરીઓના તાડપુ, રાઠવાના પાવા કે ઉત્તર ગુજરાતના ગરાસિયાઓના ઢોલથી લગભગ કોઈ અજાણ નથી. ઉત્તર ગુજરાતના ગરાસિયાઓની ગોત્રજ કે રાઠવાઓનો પીઠોરો કે દક્ષિણ ગુજરાતના વારલીઓનાં ભીંતચિત્રો જેવી કળાઓ આદિવાસીઓ પાસે જ છે.

વારલી ચિત્રકામ આદિવાસીઓની અનોખી કળા છે.
વારલી ચિત્રકામ આદિવાસીઓની અનોખી કળા છે.

આદિવાસીઓ કુદરતની પૂજા કરે છે

ગુજરાતના આદિવાસીઓ વન્યધર્મી છે. પરંપરાગત રીતે એ પહાડ, ઝાડ, ગુફા, નદી, ઝરણાંની પૂજા કરે. તેમનાં દેવસ્થાનો ખુલ્લી જગ્યાઓએ હોય. બાંધેલાં મંદિરો હોતાં નથી. તેમનું ધાર્મિક જીવન વિવિધ દેવ-દેવીઓ, ભૂત-પ્રેત, પિતૃપૂજા, ભૂવા તથા કેટલીક ધાર્મિક માન્યતાઓ ઉપર ટકેલું છે. દેવસ્થાનોએ માટીના ઘોડા, હાથી, ઊંટ, વાઘ વગેરે પણ પ્રતીકો તરીકે મૂકે. આદિવાસીઓનાં પરંપરાગત દેવ-દેવીઓમાં ગોત્ર યા કુળના દેવ તો હોય જ. આદિવાસીઓ માટે આજે પણ જંગલ એનું મંદિર અને વૃક્ષો એમના દેવ.

કોંગ્રેસને આદિવાસી ધારાસભ્યોના ફટકા પડ્યા

આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી પાર્ટી કોંગ્રેસને છેલ્લા દોઢ વર્ષમાં મોટા ફટકા લાગ્યા. વલસાડ તાલુકાની કપરડા બેઠક પર જિતુભાઈ ચૌધરી સતત ત્રણ ટર્મથી કોંગ્રેસમાંથી યૂંટાતા. 2017માં પણ તે ચૂંટાયા. પણ રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ તેમણે કોંગ્રેસ સાથે ત્રણ દાયકા જૂનો છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાઈ ગયા. પેટાચૂંટણીમાં તે જીતી ગયા અને ભાજપમાં જોડાવાનું ફળ મળ્યું. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનાવાયા. જિતુભાઈ ચૌધરી પાસે કલ્પસર, ફિશરીઝ, નર્મદા, પાણીપુરવઠા જેવાં ખાતાં છે.

આદિવાસીઓનાં બાળકો સારું શિક્ષણ મેળવે છે
આદિવાસીઓનાં બાળકો સારું શિક્ષણ મેળવે છે

કોંગ્રેસને મોટો ફટકો ધારાસભ્ય અશ્વિન કોટવાલે આપ્યો. સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસમાંથી સતત ત્રણ ટર્મથી એ ચૂંટાતા હતા. મે મહિનાની શરૂઆતમાં જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભાજપનો ખેસ પહેરી લીધો. આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી છે. અશ્વિન કોટવાલે મતદારો સામે રોફ જમાવ્યો તેનો વીડિયો વાઇરલ થયો એટલે અત્યારથી એ વિવાદમાં આવી ગયા. આ જ અરસામાં ભિલોડા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય અનિલ જોશિયારાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું. કોંગ્રેસે સંનિષ્ઠ નેતા ગુમાવ્યા.

આદિવાસીઓનાં પરંપરાગત ઘાસનાં ઝૂપડાં
આદિવાસીઓનાં પરંપરાગત ઘાસનાં ઝૂપડાં

કોંગ્રેસને BTPનો પણ ફટકો પડ્યો

ભારતીય ટ્રાયબલ પાર્ટી-BTPના સ્થાપક છોટુભાઈ વસાવા વર્ષોથી આદિવાસી સમાજ માટે કામ કરે છે અને આદિવાસી સમાજમાં એમની પ્રતિષ્ઠા સારી. ભરૂચની ઝઘડિયા બેઠક પરથી તે સતત જીત્યા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને આ વખતે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ ભરૂચના ચંદેરિયામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભામાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ સાથે જોડાણ કર્યું. આ જોડાણ લાંબો સમય ટક્યું નહીં. કોંગ્રેસ અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં આસાનીથી બેઠકો કબજે કરી લેતી હતી. આ વખતે ત્રિપાંખિયા જંગમાં આદિવાસી વિસ્તારમાં 15 બેઠકો જાળવી રાખવી એ પણ કોંગ્રેસ માટે ચેલેન્જ છે.

27 વર્ષના શાસનમાં આદિવાસી વિસ્તારમાં ભાજપની પક્કડ કેમ ન બની ?

આદિવાસી અનામતવાળી 27 બેઠકમાં વર્ષોથી કોંગ્રેસનો પરચમ લહેરાતો પછી ધીમે ધીમે બેઠકો વહેંચાઈ ગઈ છતાં પણ આ 27માંથી 15 બેઠક કોંગેસ પાસે જ રહે છે. ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તામાં છે. આ ત્રણ દાયકામાં ભાજપે વિકાસ કર્યા, આદિવાસી વિસ્તારમાં ભરપૂર મહેનત કરી. એનાથીય આગળ ભાજપના જ જૂના જોગીના કહેવા મુજબ, આજથી વર્ષો પહેલાં વનવાસી કલ્યાણ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય સંગઠનો સાથે મળીને આદિવાસી બેલ્ટમાં એ સમયના ભાજપના મહાસચિવ સૂર્યકાંતભાઈ આચાર્યે ખૂબ કામ કર્યું છતાં આદિવાસી વિસ્તારમાં ભાજપનો પૂર્ણપણે પગપેસારો થઈ શક્યો નહીં. આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે.

ભાજપે રામ નામનું પ્રલોભન આપ્યું

સપ્ટેમ્બર-2021માં ભૂપેન્દ્ર પટેલની સરકાર બની તેમાં માર્ગ-મકાન અને પ્રવાસનમંત્રી તરીકેનો કારભાર પૂર્ણેશ મોદીને આપવામાં આવ્યો. ઓક્ટોબર-2021માં ડાંગમાં દશેરા મહોત્સવ દરમિયાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી કે, શબરી માતાના વંશજ એવા આદિવાસી સમાજના લોકો અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાનનાં દર્શન કરવા જશે તેમને સહાયરૂપ પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. ગુજરાત સરકારની આ જાહેરાતથી વિવાદ પણ થયો હતો.

ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાયો

સમગ્ર આદિવાસી વસતિની અડધી વસતિ તો માત્ર ભીલ આદિવાસીઓની છે. ગુજરાતમાં આદિજાતિના 29 સમુદાય વસે છે. જે સમુદાયો મુખ્યત્વે ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ છે, જેમાં ડુંગરી ભીલ, સોખલા ગરાસિયા, ડુંગરી ગરાસિયા, દુબળા, ધોડિયા, ગામિત, ચૌધરી, ધાનકા (તડવી), ગોંડે કાથોડી, વારલી, કોળી, કોંકણા (કુકણા), કુણબી, નાયક, પારધી, પટેલિયા, પોમલા, સીદી, કોટવાળિયા આદિ મુખ્ય આદિજાતિઓ છે.

ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં વસવાટ કરતાં આદિવાસી સમાજમાં હવે સારક્ષતાના દરમાં સુધારો જોવા મળી રહ્યો છે. મોટાપોંઢા કોલેજના નિવૃત પ્રોફેસરના સંશોધન મુજબ આદિવાસી સમાજની કુલ 29 જાતિઓનો સમાવેશ થાય છે. જેમાં બરંડા, બાવચા, ભીલ, ચારણ, ચૌધરી, ચૌધરા, ધાણકા, ધિડયા, હળપતિ, ગામિત, ગોંડ, કાથોડી, કોંકણ, કોળી , કોળીઢોર, કુણબી, નાયકડા, પઢાક, પારધી, પટેલિયા, પોમલા, રાઠવા, સિદ્રી, વારલી, વિટોલિયા સહિતનો સમાવેશ થાય છે. (સંદર્ભ : આદિજાતિ સાંસ્કૃતિક વારસો, માહિતી ખાતું, ગુજરાત સરકાર)

વાંસદામાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ હોવું એ આશ્ચર્ય તો છે જ પણ આ ચૂંટણીતંત્રે જાગૃતિના પ્રયાસો કરેલા તેનું પરિણામ છે. વાંસદામાં 1147 જેટલા પોલિંગ સ્ટેશન બને છે જેમાં 330 તો ફક્ત વાંસદા તાલુકામાં જ છે. એમાંથી સાત જેટલા સખી પોલિંગ સ્ટેશનમાં ઈલેક્શન સ્ટાફ મહિલાઓ હોય છે.

અન્ય સમાચારો પણ છે...