ભાસ્કર ઇનડેપ્થકોળી સમાજ કોની તરફ ધૂપિયું ફેરવશે?:40 સીટનું રિમોટ કંટ્રોલ ગુજરાતના દોઢ કરોડ કોળી મતદારોના હાથમાં

19 કલાક પહેલાલેખક: યશપાલ બક્ષી

ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટબેન્ક કોળીની છે. કોળી સમાજ મુખ્ય ત્રણ ભાગમાં અને 22થી 24 જેટલા પેટાભાગમાં વહેંચાયેલો છે. સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દૃષ્ટિએ ભલે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાનાં આસન ડોલાવી શકે. ગુજરાતની સાત કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસતિ દોઢ કરોડ, એટલે જ રાજકીય પક્ષો કોળીઓની અવગણના કરી શકતા નથી. દરેક પક્ષે કોળી વિસ્તારમાં ઉમેદવારો પણ સમજીને મૂકવા પડે. 2012માં કોળી સમાજના 18 ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 2017માં 27 ધારાસભ્ય એક જ સમાજમાંથી ચૂંટાયા હતા.
2017માં કોળીઓએ કોંગ્રેસને 77 બેઠક સુધી પહોંચાડી
2015માં થયેલા પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનો બાદ આવેલી 2017ની ચૂંટણીમાં ચિત્ર બદલાતું ગયું અને પાટીદારની સાથે કોળી વોટબેન્કમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહી. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 2.57 ટકા વધારે મત મેળવી 32 વર્ષ બાદ 77 બેઠક જીતી હતી અને 150 બેઠક જીતી લેવાનો દાવો કરનાર ભાજપ 99 બેઠક પર જ અટકી ગયો હતો.
બોટાદમાં કોળી મુખ્યમંત્રીની માગ ઊઠી'તી
થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લામાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં ભારતીબાપુ આશ્રમના મહંતે નિવેદન આપતા કહેલું કે, 'કોળી સમાજનો ચહેરો મુખ્યમંત્રી તરીકે હોવો જોઇએ. કારણ કે કોળી સમાજ એ રાજ્યનો સૌથી મોટો સમાજ છે અને વિધાનસભાની અડધી બેઠકો પર તે પ્રભુત્વ ધરાવે છે. રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને અન્યાય થઇ રહ્યો છે. આથી હવે સમાજે સંગઠિત થઇ તાકાત બતાવવાનો સમય આવ્યો છે.'

કઈ બેઠકો પર કોળી સમાજનું છે વધારે પ્રભુત્વ?
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો છે જ્યાં સૌથી વધારે કોળી મતદારો છે.
આ રહી કોળી સમાજની પેટા જ્ઞાતિ
ગુજરાતમાં મુખ્ય ત્રણ પ્રકારના કોળી છે. તળપદા કોળી, ચુંવાળિયા કોળી અને કોળી પટેલ. આમાં પણ પેટા વિભાગો ઘણા છે. તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે. ચુંવાળના રહીશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે. કોળી સમાજમાં તળપદા, ચુંવાળિયા , બાબરીયા, પટેલ અને કેડિયા કોળી લોકો છે. આ સિવાય જહાંગીરિયા, પાટણવાડિયા, ઘેડ, માંગરોળ, ગોસાબારા (સોરઠ પંથક)ના ઘેડિયા કોળી, જાફરાબાદ પંથકના શિયાળ, દીવના દિવેચા, ખસ (ભાલ)ના ખસિયા, ખાંટ કોળી, પતાંકિયા, થાન પંથકના પાંચાળી, નળ સરોવર આસપાસ પઢાર, મહી કાંઠાના મેવાસા, અમદાવાદના રાજેચા, દેવગઢ બારિયાના બારિયા, સુરતના ભીમપોરિયા તેમજ કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા, તેગધારીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠીયા કોળી, ઠાકોર કોળી, હુણ કોળી, ડાંડા (મુંબઈ) કોળી વગેરે પેટાજ્ઞાતિઓમાં કોળી સમાજ વહેંચાયેલો છે.

કોળી સમાજના સંમેલનની ફાઈલ તસવીર
કોળી સમાજના સંમેલનની ફાઈલ તસવીર

ધૂપિયું જે દિશામાં ફરે ત્યાં વોટ જાય
જેમાં ધૂપ કરવામાં આવે તે ધૂપિયું. સૌરાષ્ટ્રના કોળી સમાજની એવી પરંપરા છે કે સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરે અને ત્યારબાદ ધૂપ પ્રગટાવવામાં આવે અને ધૂપિયું લઈને જે પક્ષને મત આપવાનું નક્કી થયું હોય એ ગામમાં સંદેશો અપાય જાય એટલે આખોય સમાજ એ પક્ષને વોટ આપે. આ વખતે ધૂપિયું કઈ દિશામાં ફરે છે તે કહી શકાય નહીં.
8 જિલ્લાની બેઠકો પર કોળીઓનું પ્રભુત્વ
વસતિની દૃષ્ટિએ કોળી સમાજ 23 ટકા છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 37થી 40 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.
નરેશ પટેલ અને બાવળિયાની મિટિંગમાં શું રંધાયું હતું?
મોટાભાગના કોળી મતદારો પહેલેથી કોંગ્રેસ તરફી રહ્યા છે. ગઈ ચૂંટણીઓમાં પટેલોને વધુ પ્રાધાન્ય આપ્યા પછી પણ કોંગ્રેસના 14 કોળી ઉમેદવારો અને ભાજપના 13 કોળી ઉમેદવારો જીત્યા. આ જોયા પછી જ ભાજપે કોળી નેતા અને ચૂસ્ત કોંગ્રેસી એવા કુંવરજી બાવળિયાને પક્ષમાં લીધા. મંત્રી બનાવ્યા અને આ વખતે ફરી ટિકિટ આપી છે. માર્ચ-2022માં રાજકોટના સરદાર પટેલ ભવનમાં નરેશ પટેલ અને કુંવરજી બાવળિયાની બેઠક થઈ હતી. પાટીદાર અને કોળી આગેવાનોએ જે સ્ટ્રેટેજી ઘડી તે બંધ બારણે ઘડી પણ એના પરથી એક ક્યાસ કાઢી શકાય કે એ જ સમયે ખોડલધામના ટ્ર્સ્ટીને ભાજપમાંથી ટિકિટ આપવાનું ચોકઠું ગોઠવાઈ ગયું હતું અને એટલે જ નરેશ પટેલ રાજકારણમાં જોડાવા બાબતે છેલ્લે સુધી મીડિયા સામે નરો-વા કુંજરો-વા કરતા રહ્યા.

કઈ બેઠકો પર કોળી સમાજનું છે વધારે પ્રભુત્વ?
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. જેના લીધે અનેક બેઠકો પર પાટીદાર મતો પણ નિર્ણાયક છે. પરંતુ, ચૂંટણી ટાણે જે સક્ષમ ઉમેદવાર હોય તે જીતતા રહ્યા છે. ગુજરાતમાં આજે સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો રહેલી છે જ્યાં 40 હજારથી વધુ કોળી મતદારો રહેલા છે. કોળી મતદારો આજેય પણ જ્યાં ઢળે ત્યાં મતોના ઢગલા કરી નાખે છે.
ગયા વખતે કોળી પ્રભુત્વ ધરાવતી બેઠકો કોંગ્રેસ પાસે ગઈ હતી
અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી વર્ષોથી ચૂંટાતા આવતા હતાં. આ બેઠકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અમરીશ ડેરે હીરાભાઈ સોલંકીને પરાજય આપ્યો હતો. આ પરાજય ભાજપ માટે આજે પણ સમજવો ખૂબ મુશ્કેલ છે. તેવી જ રીતે સોમનાથ વિધાનસભા બેઠક પર પણ ભાજપના દિગ્ગજ નેતા જસાભાઇ બારડનો કોંગ્રેસના યુવાન કોળી ઉમેદવાર વિમલ ચુડાસમા સામે પરાજય થયો હતો. આ બંને બેઠક ભાજપના દબદબાવાળી હતી અને આ બંને બેઠક પર કોળી મતદારો ખૂબ જ નિર્ણાયક હતા. આવી પરિસ્થિતિમાં આ બંને બેઠક કોંગ્રેસે જીતીને કોળી સમાજના મતદારો તેમના તરફી છે તેવું વર્ષ 2017માં સાબિત કરી આપ્યું હતું.
ક્યા જિલ્લાની કઈ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ
આમ તો 40 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે પણ 33 બેઠકો તો એવી છે જ્યાં કોળી મતદારો જ નિર્ણાયક સાબિત થાય છે. ધોળકા, ધંધુકા, વિરમગામ (અમદાવાદ), રાજુલા, લાઠી, ધારી (અમરેલી), બોટાદ, પાલીતાણા, તળાજા, ભાવનગર ગ્રામ્ય ( ભાવનગર), અંકલેશ્વર, જંબુસર (ભરુચ), વિસાવદર, કેશોદ, ઉના, માંગરોળ, તાલાળા (જૂનાગઢ), કડી (મહેસાણા), જલાલપોર, ગણદેવી, ચિખલી (નવસારી), વાંકાનેર, જસદણ, મોરબી (રાજકોટ), લીંબડી, ચોટીલા, વઢવાણ (સુરેન્દ્રનગર), ચોર્યાશી, કામરેજ, ઓલપાડ (સુરત), છોટા ઉદેપુર, પાવી-જેતપુર (છોટા ઉદેપુર) અને વલસાડ જિલ્લાની વલસાડ બેઠક.
કોળી સમાજનો ઈતિહાસ
કોળી સમાજનો ઈતિહાસ- ભાગ-1 પુસ્તકમાં જગદીશ ચુડાસમાએ નોંધ કરી છે કે, કોળી શબ્દની ઉત્પતિ વિશે મતમતાંતર છે. કોળી સમાજ માટે ઓળખના કેટલાક પ્રચલિત શબ્દો જેવા કે કેવટ, નિષાદ, મલ્લાહ, નાવિક, મછુઆ, ઘીવર વગેરે ધંધા કે વ્યવસાયને લગતા સંબોધનો છે. કોળી સમાજની ઉત્પતિ આજની નહીં, ત્રેતા યુગમાં પણ કોળીઓ હતા એવું કહેવાય છે. રામને સરયુ પાર ઉતારનાર કેવટ તથા શૃંત્રવેરપુરના રાજા ગૃરહ પણ આ કોળી સમાજના હતા. શબરીનું દ્રષ્ટાંત શ્રેષ્ઠ છે. રામાયણના કિષ્કિન્ધા કાંડમાનો શબ્દ'કોલુક'તથા પંચતંત્ર વગેરેમાં આવતો''કૌલિક'' શબ્દ પરથી કોળી શબ્દ ઉતરી આવ્યો હોવાનું મનાય છે.
કોળીઓનો સંબંધ ભગવાન બુદ્ધ સુધી પહોંચે છે કારણ કે બૌદ્ધ ગ્રંથો મુજબ બુદ્ધનાં માતા માયા દેવી તથા પત્ની યશોધરા કોળી સમાજની સ્ત્રીઓ હતી. બુદ્ધપત્ની યશોધરા બિંબા (મુમ્બા) દેવી રૂપે કોળીનાં કૂળદેવી બન્યાં અને મુંબઇમાં બિરાજે છે. તેને મહારાષ્ટ્રના કોળીઓ 'મુમ્બાકઆઇ' કહેતા. મુમ્બા દેવીના નામ પરથી મુંબઇ નામ પડ્યું. મહારાષ્ટ્રના કોળી સમાજની માન્યતા મુજબ મહર્ષિ વાલ્મિકી કોળી હતા. મહારાષ્ટ્રમાં બરાર પ્રાંત- પુણ્યગંગા નદી તેના ઉત્તર કિનારા પર અમરાવતી પાસે દરિયાપુર જિલ્લામાં કાસમપુર ગામ છે ત્યાં વાલ્મિકી મઠ છે જે કોળી મઠ કહેવાય છે. તેના મહંતો કોળી સમાજના બાલબ્રહ્મચારી હોય છે. ઇ.સ.પૂર્વે 5000થી 3000 સુધીના''મોહન-જો-દરો''ના અવશેષોમાં કોળી રાજવીઓનો ઉલ્લેખ જોવા મળે છે. કોળી સમાજના અલગ અલગ આરાધ્યદેવ છે પણ ચુંવાળિયા કોળીઓ માટે સંત વેલનાથ બાપુ આરાધ્ય દેવ છે.
કોણ છે સંત વેલનાથ બાપુ ?

શિવના આશીર્વાદથી અમરબા અને ભક્ત બોઘાજી ઠાકોરને ત્યાં જૂનાગઢના પાદરિયા ગામે તેજસ્વી પુત્રનો જન્મ થયો. તેને 'વેલો' નામ અપાયું. આ તેજસ્વી પુત્રે નાની ઉંમરમાં ઘર છોડીને વૈરાગ્ય અપનાવવાની વાત કરી. વેલાજીની બાલ સહજ દલીલોથી માતા-પિતા ન છુટકે રજા આપે છે. વેલાજી ઘરેથી નીકળી સીધા જૂનાગઢ તાબાના શેરગઢ ગામે આવી પહોચ્યાં. તેમણે વિચાર્યુ કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. શેરગઢ ગામના ઝાપામાં એક ઘર હતું એ જોતાં જ વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહિંયા જ રોકાવું. આ ઘર સેંજળીયા કૂળના કણબી જસમત પટેલનું હતું. જસમત પટેલના ઘરમાંથી દુ:ખ, અશાંતિ દૂર થયાં. ખેતી કામ પણ સારું ચાલવા લાગ્યું. ખેતીનું કામ વેલાજીએ સંભાળી લીધું. એકવાર કોઈએ આવીને કહ્યું કે, તમે જેને ખેતીનું કામ સોંપ્યું છે તે વેલાજી સૂતા રહે છે. કામ થતું નથી. જસમત પટેલ ખેતરે ગયા તો વેલાજી સૂતા હતા અને પાવડા, કોદાળી આપમેળે ખોદકામ કરતા હતા. ત્યારે જસમત પટેલ સમજી ગયા કે વેલાજી યોગી સંત છે. વેલાજીએ જસમતને કહ્યું કે, હું તો પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા તમારે ત્યાં આવ્યો હતો. સંત વેલનાથજીએ ગુરુ વાઘનાથજીની આજ્ઞાથી ગિરનારની બાર વખત પરિક્રમા કરી હતી. વેલનાથજીના અઢળક ભજન અને પરચા છે. એકવાર વેલનાથજીના ઈષ્ટદેવ ગુરુ દત્તાત્રેયની આકાશવાણી થઈ કે સંસારમાં તારું કાર્ય પૂરું થયું છે. આ સાંભળતાં જ વેલનાથજી સડસડાટ ગિરનાર પર્વત ચડી ગયા અને ભૈરવજપ પરથી પડતું મૂક્યું. તેમનું શરીર હવામાં અદ્રશ્ય થયું અને સૂક્ષ્મ આત્મા ગિરનારમાં સમાઈ ગઈ. (આ માહિતી ધંધૂકાના વિરમદેવસિંહ પેઢરિયા, સુરતના કિશોર પટવીર અને બગદાણાના કરમણભાઈ ચૌહાણે shereinindia.in વેબસાઈટ પર મૂકી છે)

અન્ય સમાચારો પણ છે...