2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હતી અને ભાજપે સીટ ગુમાવવી પડી હતી એવી પાટીદાર પ્રભાવિત સીટો કબજે કરવા ભાજપે આ વખતે એડીચોટીનું જોર લગાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ જ પાટીદારોના એપીસેન્ટર ગણાતા જેતપુરની બાજુમાં જામકંડોરણામાંથી ફૂંક્યું હતું. આ જંગી સભા સ્થળે એક લાખ લોકોનું ભોજન રાખવામાં આવ્યું હતું. પાટીદારોના એપીસેન્ટર સમા જેતપુરમાં જ સૌથી ઓછું મતદાન આ વખતે થયું છે. ગયા વખતે 2017માં 71 ટકા મતદાન થયું હતું, જ્યારે આ વખતે 63.22 ટકા જ મતદાન થયું છે, એટલે 7.22 ટકા મતદાન ઓછું થયું છે. ઓછું મતદાન પરિણામમાં મેજર અપસેટ સર્જી શકે. માત્ર જેતપુર જ નહીં, અમરેલી, ધોરાજી, મોરબી જામનગર સાઉથ, જામનગર ગ્રામ્ય અને સુરતમાં વરાછા, સુરત ઉત્તર, કતારગામ સહિતના વિસ્તારોમાં 2થી 6 ટકા સુધી ઓછું મતદાન થયું છે. સવાલ એ છે કે આ વખતે પાટીદારોએ કેમ ઓછું વોટિંગ કર્યું? 27 સીટ પરથી પાટીદારો ક્યાં ગાયબ થઈ ગયા?
હાર્દિક ભાજપના વશમાં, પાટીદારો નહીં
એક સમયે છાપરે ચડીને ભાજપને પડકારતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને પક્ષે તેને વિરમગામની ટિકિટ આપી. હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે 2015માં મોટું આંદોલન કર્યું. પાટીદાર સમાજનો ચહેરો બની ગયા અને પાટીદારોમાં ભાજપ સરકાર વિરોધી માહોલ ઊભો કર્યો. પાટીદારો સાથે અન્યાયની વાતો થઈ. આંદોલનો થયાં. ઘણુંબધું થયું અને 2017ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરના કારણે ભાજપને નુકસાન વેઠવું પડયું હતું. આ વખતે પાટીદાર ચહેરો હાર્દિક પટેલ ભાજપમાં છે પણ કદાચ પાટીદારો ભાજપ સાથે નથી એવું ગઈકાલે થયેલા ઓછા મતદાન પરથી તજજ્ઞો તારણ કાઢી રહ્યા છે. પાટીદારોના ઓછા મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. પાટીદારોને પગથિયાં બનાવીને હાર્દિકે ભલે કેસરિયો ખેસ ધારણ કર્યો, પણ પાટીદારો ભાજપના વશમાં આવે એમ નથી, એવું આ વખતની મતદાન પેટર્ન પરથી સમજાય છે.
આપે કડવા પટેલોને અને ભાજપ-કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી
પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષે ટિકિટ આપી છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પેટલ અને બીજા કડવા પટેલ. આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કડવા પટેલોને વધારે ટિકિટ આપી છે. લેઉવા અને કડવા, બંને છે તો પાટીદાર જ, પણ ટિકિટ વહેંચણીમાં જો અન્યાય થયો હોય એવું લાગે તોપણ પાટીદારો એનો મિજાજ મતદાનના દિવસે બતાવી જ આપે છે.
છ જિલ્લાની સરહદ જામકંડોરણાને સ્પર્શે છે
જામકંડોરણા રાજકોટ જિલ્લામાં જેતપુરની બીજુમાં છે પણ ભૌગોલિક રીતે સાત જિલ્લાની સરહદ જામકંડોરણાને સ્પર્શે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગર. ભાવનગરની સરહદ સીધી રીતે સ્પર્શતી નથી પણ ભાવનગર ગ્રામ્ય અને મહુવા વિસ્તારમાં સીધી અસર થાય છે. આમાંથી મોટા ભાગની બેઠક પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપવિરોધી પવનના કારણે આ 25માંથી 16 સીટ પર કોંગ્રેસે કબજો કરી લીધી હતી, જ્યારે 9 બેઠક ભાજપને ફાળે ગઈ હતી. આ વખતે નરેન્દ્ર મોદીએ પાટીદાર સીટો કબજે કરવા કંડોરણામાં જંગી સભા કરી હતી.
જામકંડોરણા જ એપીસેન્ટર શા માટે
રાજકોટ જિલ્લાનું જામકંડોરણા ભૌગોલિક દૃષ્ટિએ રાજકોટથી 75 કિલોમીટર દૂર છે. જેતપુર, ધોરાજી અને ઉપલેટાની ત્રિભેટે છે. આ ગામ અને આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં લેઉવા અને કડવા પાટીદારોની વસતિ વધારે છે. જામકંડોરણા એવા કેન્દ્રમાં છે કે ત્યાં સાત જિલ્લાની જનતા આસાનીથી પહોંચી શકે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, દ્વારકા, ભાવનગર અને અમરેલી. આ તમામ જિલ્લા એવા છે, જ્યાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે. જામકંડોરણા ત્રણ રીતે મહત્ત્વનું છે એટલે કદાચ નરેન્દ્ર મોદીએ સભા માટે આ સ્થળની પસંદગી કરી હોઈ શકે. એક તો આ પાટીદાર સમાજના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાનું વતન છે. બીજું, કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર સીદસરમાં છે અને કંડોરણાથી સીદસર 54 કિલોમીટરના અંતરે છે. ઉમિયા માતાજીનું બીજું મંદિર જૂનાગઢ જિલ્લાના ગાઠિલા ગામમાં છે, જે જામકંડોરણાથી 60 કિલોમીટરના અંતરે છે. ત્રીજું, લેઉવા પટેલ સમાજનાં કુળદેવી ખોડલ માતાજીનું ધામ 'ખોડલધામ' પણ 50 કિલોમીટરના અંતરે છે. લેઉવા અને કડવા બંનેના સમાજના આસ્થાનાં કેન્દ્રો પણ નજીકમાં છે, એટલે જામકંડોરણાની નરેન્દ્ર મોદીની સભા 7 જિલ્લાની 25 સીટ પર સીધી અસરકર્તા બની રહેશે.
પાટીદારોને ભાજપતરફી રાખવાનો પ્રયાસ
સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્થાને રાતોરાત પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુકાન આપી દેવાયું ત્યારથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021ના ડિસેમ્બરમાં અમદાવાદમાં ઉમિયાધામના કાર્યક્રમમાં હાજરી આપી પછી વર્ષ 2022માં શરૂઆતમાં જ મોદીએ ત્રણ જ મહિનામાં પાટીદારોને લગતા છ કાર્યક્રમો કર્યા હતા. માર્ચ-2022થી મે-2022 દરમિયાન ગુજરાતમાં 17 કાર્યક્રમો કર્યા એમાંથી છ પાટીદારને ફાળે હતા. 10મી એપ્રિલે જૂનાગઢમાં ઉમિયા માતા મંદિરના 14માં પાટોત્સવમાં PM મોદીએ પાટીદારોને સંબોધન કર્યું તો 28મી એપ્રિલે ભુજમાં કે.કે.પટેલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. સુરતમાં સરદારધામના કાર્યક્રમમાં તો પ્રધાનમંત્રીએ પાટીદારોને ટકોર પણ કરી હતી કે વિરોધ કરતા તમારા દીકરાઓને સમજાવો કે જ્યોતિગ્રામ પહેલાં કેવા દિવસો હતા. તેમણે આટકોટમાં માતુશ્રી કેડીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું. એ પછી પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ ભાજપમાં સામેલ કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.