આ રહી ભાજપની 160 ઉમેદવારની યાદી:સુરતમાં રિપીટ થિયરી, સૌરાષ્ટ્રમાં નવા ચહેરાની રાજનીતિ, તો અમદાવાદના ઘણા ધારાસભ્યોનાં પત્તાં કપાયાં

23 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે આવવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરવાના ચાર જ દિવસ બાકી છે ત્યારે ભાજપે આજે 182માંથી 160 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી છે. તેમાંથી પહેલાં તબક્કાના 83 ઉમેદવાર અને બીજા તબક્કાના 77 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. 160 ઉમેદવારની યાદીમાં 75 ઉમેદવારોનાં નામ રિપીટ કરવામાં આવ્યાં છે, જ્યારે 85 જૂના ઉમેદવારોનાં નામ કટ કરવામાં આવ્યા છે. 14 મહિલા ઉમેદવારને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં નવા-યુવા-પાટીદાર અને બ્રાહ્મણ ઉમેદવારોનો દમ જોવા મળ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડવાના છે, જ્યારે તેમને કોંગ્રેસમાંથી ડૉ. અમીબેન યાજ્ઞિક ટક્કર આપશે. મોરબી દુર્ઘટનામાં તાક્તાલિક લોકોની મદદે આવેલા કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. હર્ષ સંઘવી જેઓ મજૂરાથી બે વાર જીતી ચૂક્યા છે અને તેથી આ વખતે પણ તેમને ત્યાંથી જ ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની સીટ ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ સીટ પરથી વિજય રૂપાણીના બદલે ડૉ. દર્શનાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જામનગરથી હકુભાને પડતા મૂકીને રીવા બાને ટિકિટ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં નવા ચહેરાને સ્થાન આપી સમીકરણો બદલ્યા
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપએ મોટા ભાગના નવા ચહેરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યા છે, જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરીને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રીવાબાને ટિકિટ આપી પૂનમ મેડમ મેડમને લોબિંગ કર્યું હતું, જેથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. તો સૌરાષ્ટ્રમાં પક્ષપલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી અને બેઠક સિક્યોર કરી છે, જેમાં કુંવરજીભાઈ જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રિસ્ક લીધું નથી.

જૂનાગઢ ભાવનગર અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. જૂના જોગીઓ નારાજ ન થાય એ માટે પહેલેથી જ તેની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હોય અને તમામને જિતાડવાની બાંહેધરી પણ લીધી છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક અંશે હજી સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે સંઘના પાયા રાજકોટ સૌરાષ્ટ્રથી નખાયા હતા, શંખ સાથે કનેક્શન ધરાવતા અનેક લોકોને ભાજપે ટિકિટ આપી અને પાર્ટીથી મોટો સંઘ છે એવું મહદંશે સાબિત કરી દીધું છે. તો મોરબીમાં મોટી હોનારત થઈ એનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને મંત્રી કક્ષાના કાપી નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધી જૂના જોગીઓનો ભારે દબદબો હતો, પરંતુ હવે આ દબદબો દૂર કરી એક નવી જ ભાજપની પ્રણાલી ઊભી કરવાનો ભાજપે તખતો ગોઠવ્યો છે. સૌરાષ્ટ્ર હર હંમેશાં રાજકારણની પાઠશાળા રહી છે તો હવે સૌરાષ્ટ્રમાંથી ભાજપ નવા રાજકારણના પાઠ ભણાવશે. અત્યારસુધી વિજય રૂપાણી વજુભાઈ જેવા જૂથ સક્રિય હતા એના નજીકનાઓને ટિકિટ મળતી, પરંતુ સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકોમાં ડાયરેક્ટ હાઈકમાંડે રસ લઈ અનેક ગણિત ફેરવી નાખ્યાં છે. જોકે બેઠકો જાહેર થતાં ભાજપમાં ઘણો આંતરિક ગણગણા જ છે અને જૂના ચહેરાવો ઘણા નારાજ પણ જોવા મળી રહ્યા છે.

સુરતમાં રિપીટ થિયરી
સુરતની 11 બેઠક જાહેર થઈ છે, જેમાં ઉધના વિધાનસભા બેઠકને બાદ કરતાં 10 વિધાનસભા બેઠક પર તમામ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. વિશેષ કરીને સૌથી મહત્ત્વની બાબતે છે કે આ રિપીટ થિયરીને કારણે પાટીદાર મતવિસ્તારોમાં હવે ભાજપને કેટલો લાભ થશે એના પર સૌકોઈની નજર છે.

રાજકોટના 8માંથી 7 જિલ્લાના ઉમેદવારો જાહેર
રાજકોટ જિલ્લાની 8 બેઠક પૈકી ધોરાજીને બાદ કરતાં 7 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 4 બેઠક પર નો રિપીટ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જોકે ધોરાજી બેઠક પર ઉમેદવાર કોણ તેને લઇ હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 8 બેઠક પૈકી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી, જ્યારે એક માત્ર ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા જીત હાસિલ કરી ધારાસભ્ય બન્યા હતા. આજે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી એમાં ધોરાજીને બાદ કરતાં તમામ 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરી 4 બેઠક પર નો રિપીટ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.

અમદાવાદના ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ
ભાજપની યાદીમાં અમદાવાદ શહેરમાં ઘણા ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે એમાં પણ ખાસ કરીને પ્રદીપસિંહની નજીક ગણાતા પ્રદીપ પરમારને રિપીટ કરાયા નથી. બીજી તરફ પ્રદીપસિંહ જાડેજાની પણ ટિકિટ પર લટકતી તલવાર હજી સુધી વટવાની સીટ જાહેર કરવામાં આવી નથી. આ સીટ પર 2017માં પ્રદીપસિંહ જાડેજા જીત્યા બાદ ગૃહરાજ્યમંત્રી બન્યા હતા, પરંતુ થિયરીમાં આ વખતે કદાચ તેમની ટિકિટ ન મળે તેવું મનાઈ રહ્યું છે. જોકે તેમના ખૂબ નજીક ગણાતા બાપુનગરના કોર્પોરેટર દિનેશ કુશવાને આ વખતે ટિકિટ મળી છે. બાપુનગર વિધાનસભા માટે ચાલતી મોટાં નામોની અટકળો જેમાં તરુણ બારોટ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ઉમેદવારો હતા તેમના પર પૂર્ણવિરામ મુકાઈ ગયા છે. આ વખતે બાપુનગરની સીટ માટે પ્રદીપસિંહ જાડેજાના ખૂબ જ નજીક ગણાતા દિનેશ કુશવાને ટિકિટ મળી છે.

અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભામાં પણ આ વખતે ભાજપે નવો ચહેરો લાવ્યા છે. આ પહેલાં આ સીટ પર જગદીશ પટેલ ધારાસભ્ય હતા, જે આનંદીબેન પટેલના ખૂબ જ નજીક માનવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેમને રિપીટ કરાયા નથી. તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મહિલા તબીબને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલાં ચાલુ ધારાસભ્યને કાપવામાં આવ્યા છે, હવે અમદાવાદ શહેરમાં વેજલપુર સીટ પર અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. જો વિદ્યાર્થી નેતાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ભાજપમાં તેમની ખૂબ જ મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

SC-ST સમીકરણ
ગુજરાતમાં લગભગ 15 ટકા વસતિમાં ગુજરાતની 30 થી 40 જેટલી બેઠકો પર આદિવાસી સમાજના SC અને STનો પ્રભાવ છે. દરેક પક્ષ હંમેશા આ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આદિવાસી સમાજ માટે 26 જેટલી બેઠકો અનામત છે. ભાજપની પ્રથમ યાદીમાં અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જનજાતિના 24 ઉમેદવારોને ટિકિટ આપવામાંઆવી છે. એટલે કે ભાજપ આ વખતે કોઈપણ પ્રકારની ભૂલ કરવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે, ગત વખતે ભાજપ એસટી માટે અનામત બેઠકોમાંથી અડધી પણ સીટો જીતી શકી ન હતી.

પહેલા તબક્કાના મતદાનની ઉમેદવારોની યાદી

ભાજપની બીજા તબક્કાના મતદાનની યાદી

160 ઉમેદવારમાંથી 14 મહિલા ઉમેદવાર

ક્રમબેઠકઉમેદવારનું નામ
1ગાંધીધામશ્રીમતી માલતીબેન મહેશ્વરી
2વઢવાણ-શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા
3રાજકોટ પશ્ચિમશ્રીમતી ડૉ. દર્શિતા શાહ
4રાજકોટ ગ્રામીણશ્રીમતી ભાનુબેન બાબરિયા
5ગોંડલશ્રીમતી ગીતા બા જાડેજા
6જામનગર ઉત્તરરીવાબા જાડેજા
7નાંદોદડૉ. દર્શનાબેન દેશમુખ
8.લિંબાયતશ્રીમતી સંગીતાબેન પાટીલ
9.બાયડશ્રીમતી ભીખીબેન પરમાર
10નરોડાડૉ. પાયલબેન કુકરાણી
11.ઠક્કરબાપા નગરશ્રીમતી કંચનબેન રાદડિયા
12.અસારવાશ્રીમતી દર્શનાબેન વાઘેલા
13મોરવા હડફશ્રીમતી નિમિશાબેન સુથાર
14વડોદરા શહેરશ્રીમતી મનીષાબેન વકીલ

કોણ રિપીટ, કોની ટિકિટ કપાઈ

ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. અત્યારસુધીમાં કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદી બહાર પાડીને 43 ઉમેદવાર જાહેર કર્યા.

છેલ્લે-છેલ્લે યાદી જાહેર કરવાનું લોજિક
ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનાં હોય એના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. એનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય એને કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રખાય છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.

ભાજપના જૂના જોગીઓએ ચૂંટણી લડવાની ના પાડી
ભાજપના ઉમેદવારોની નામની જાહેરાત કરે તેના પહેલા જ રૂપાણી મંત્રી મંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી છે. તેઓ ચૂંટણી નહી લડે જેની પાંચ નેતાઓએ જાહેરાત કરી છે. તેઓ આ વિધાનસભામાં ચૂંટણી નહી લડે.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી નહીં લડે. દિલ્હીથી યાદી જાહેર થાય તે પહેલા ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે. અગાઉ વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.

ચૂંટણીની કમાન સીધી મોદી-શાહના હાથમાં
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકનો લક્ષ્યાંક પાર પાડવા ભાજપે તમામ મોરચે તાકાત લગાવી દીધી છે. ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સીધા જ ચૂંટણીપ્રચારની કમાન સંભાળતા હોય એમ સમયાંતરે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં કાર્યક્રમ યોજી મતદારો સાથે જીવંત સંપર્ક રાખી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત ભાજપની પ્રચાર-પ્રસારની કામગીરીની સતત સમીક્ષા પણ કરી રહ્યા છે અને આ પ્રક્રિયા છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે.

રૂપાણી સરકારના મંત્રીઓની વફાદારીનો રિપોર્ટ તૈયાર કરાયો હતો
અમુક ઉમેદવારોને રિપીટ કરવા તરફ હકારાત્મક વિચારણા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂપાણી સરકારના મંત્રીઓ, જેઓ ઘર ભેગા થયેલા છે, તેમની છેલ્લા કેટલાક સમયની ગતિવિધિઓ પર પણ નજર રાખવાની સાથે પક્ષ માટેની તેમની વફાદારી અને કામગીરીનો ખાનગી રિપોર્ટ પણ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી હતી અને તેના આધારે ભાજપે ટિકિટ ફાળવણી કરી છે.

કોંગ્રેસની પહેલી યાદીમાં 43 નામ જ આવ્યાં
કોંગ્રેસનું પહેલું લિસ્ટ આમ તો સપ્ટેમ્બરમાં જાહેર થવાનું હતું. કોંગ્રેસના રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે 15 સપ્ટેમ્બરે કોંગ્રેસની યાદી જાહેર થશે પરંતુ ઓક્ટોબરના અંત સુધી કોંગ્રેસની યાદી જાહેર થઈ નહીં અને છેક 4 નવેમ્બરે પહેલી યાદી આવી. જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર થયા.

આમ આદમી પાર્ટીએ કુલ 172 ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ ઓગસ્ટ મહિનાથી જ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી હતી. પહેલી યાદી 2 ઓગસ્ટે બહાર પાડી. અત્યારસુધીની 13 જેટલી યાદીઓમાં પાર્ટીએ કુલ 158 ઉમેદવાર જાહેર કરી દીધા છે. એ ઉપરાંત આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કતારગામથી ગોપાલ ઈટાલિયા અને કરંજથી મનોજ સોરઠિયાના નામ જાહેર કર્યાં અને 14મી યાદી બહાર પાડીને કુલ 172 ઉમેદવાર જાહેર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...