• Gujarati News
  • Election 2022
  • Else Aftab Will Be Created In Every City, It Is Necessary To Re elect Modi In 2024: Controversial Statement Of Assam Chief Minister Hemant Bishwa Sarma In Kutch Rally

ચૂંટણી પ્રચારમાં આફતાબ, લવ-જેહાદની એન્ટ્રી:'દરેક શહેરમાં આફતાબ પેદા ના થાય એ માટે 2024માં ફરી મોદીને ચૂંટવા જરૂરી' કચ્છમાં આસામના CM હેમંત બિશ્વાનું વિવાદાસ્પદ નિવેદન

9 દિવસ પહેલા

26 વર્ષની શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે અને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ગુજરાતની ચૂંટણીમાં પણ થઈ છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં હિન્દુ અને હિન્દુત્વની વાત ના આવે તો જ નવાઈ. અત્યારે સુધીમાં ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વની વાત આવી નહતી પરંતુ હવે ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સર્માએ ગુજરાતની ચૂંટણી ટાણે લવ-જેહાદનો મુદ્દો છેડી દીધો છે. હિમંત બિસ્વાએ કચ્છમાં એક રેલીમાં કહ્યું કે, જો દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.

નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા જોઈએ
સર્માએ ભાર મૂકીને કહ્યું કે દેશને નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. હિમંત બિશ્વા સર્માએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક ગણાવી "લવ જેહાદ" તરીકે ઓળખાવ્યો. આસામના મુખ્યમંત્રીએ એક જાહેર સભામાં કહ્યું, "આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાખ્યા. અને ટુકડા ક્યાં રાખ્યા? ફ્રિજમાં. અને જ્યારે એક યુવતીની લાશના ટુકડા ફ્રિજમાં હતા તો એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને ડેટિંગ શરૂ કર્યું. જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ન હોય, જે દેશને તેની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએં. એટલે મહત્વનું એ છે કે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.

કચ્છની સભામાં હેમંત બિશ્વા સર્માનું સંબોધન
કચ્છની સભામાં હેમંત બિશ્વા સર્માનું સંબોધન

કોમન સિવિલ કોડ પણ આવશે
કચ્છની સભામાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સર્માએ એમ પણ કહ્યું કે, ભાજપ મુસ્લિમ મહિલાઓનું સન્માન કરે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિપલ તલાક પ્રથામાંથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ મળી છે. નરેન્દ્ર મોદીએ જે કામ પાર પાડ્યા તે શાંતિથી પાર પાડ્યા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્રિપલ તલાકની પ્રથા દૂર કરી. બધું શાંતિથી પાર પાડ્યું. કોઈ ઉહાપોહ ન થયો. હવે થોડી ધીરજ રાખો, કોમન સિવિલ કોડ પણ આવશે અને ચાર-ચાર લગ્નોમાંથી મુક્તિ મળશે.

12 નવેમ્બરે થઈ આફતાબની ધરપકડ
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં શ્રદ્ધા અને આફતાબ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંને દિલ્હી આવીને રહેવા લાગ્યા હતા. 18 મે 2022ના રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે શ્રદ્ધાના મૃત શરીરના અલગ-અલગ ટૂકડા કરીને તેને ફ્રિજમાં રાખ્યા હતા અને એક પછી એક ટુકડા જંગલમાં છુપાવ્યા હતા. આફતાબની કબૂલાત સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરવા માટે 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તેને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો અને ફરીથી 17મીએ કોર્ટમાંથી 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.

આફતાબ અને શ્રદ્ધા
આફતાબ અને શ્રદ્ધા

કહાનીમાં બદ્રી નામની વ્યક્તિની એન્ટ્રી

પોલીસ પૂછપરછમાં આફતાબે જણાવ્યું કે, તે અને શ્રદ્ધા હિમાચલ પ્રદેશ ફરવા ગયા ત્યારે ત્યાં તે દિલ્હીના છતરપુરમાં રહેતા બદ્રી નામના છોકરાને મળ્યો હતો.બદ્રીએ જ તેને દિલ્હીમાં ઘર રાખવામાં મદદ કરી હતી. પોલીસ આ બદ્રીને પણ શોધી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે જણાવ્યું છે કે ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયાદ્વારા, તે ઘણી હિન્દુ છોકરીઓને મળ્યો, જેમની સાથે તેણે સંબંધ બાંધ્યા હતા.

આફતાબ અને શ્રદ્ધાને આશા હતી કે દિલ્હી આવ્યાં બાદ તેમના ઝઘડા બંધ થઈ જશે, પણ આવું થયું નહીં. પોલીસના જણાવ્યા મુજબ આફતાબ એક રાત્રે શ્રદ્ધા સાથે ઝઘડ્યા બાદ બહાર જતો રહ્યો હતો અને ફરતાં ફરતાં મહેરોલીનાં જંગલમાં ગયો હતો. અહીં તેને વિચાર આવ્યો કે ડેડ બોડીને અહીં સરળતાથી છુપાવી શકાય છે. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે આફતાબ ક્રાઈમ થ્રિલર્સ જોતો હતો અને લાશને છુપાવવાની રીતો વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરતો હતો.

દારૂ પીને શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે કહ્યું છે કે તે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓથી કોઈ રીતે છુટકારો મેળવવા માગતો હતો. તેણે તેનો મનપસંદ ટીવી શો 'ડેક્સ્ટર'માંથી શબને છુપાવવાની યોજના બનાવી હતી. તે દારૂ પીતો હતો, પછી તેના મોં પર કપડું બાંધતો હતો અથવા ગંધથી બચવા માટે માસ્ક પહેરતો હતો. આ કરતી વખતે તે ઘણી વખત રડ્યો હતો, પરંતુ ધરપકડ થવાના ડરથી તેણે મૃતદેહોના ટુકડા કરીને તેને ઠેકાણે પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...