ગુજરાતના રાજકારણમાં એવું કહેવાય છે કે ઓછું મતદાન હોય તો ભાજપની સરકારને નુકસાન થાય. ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું જ મતદાન થયું એટલે ભાજપના ઉમેદવારો મુંઝવણમાં છે કે પરિણામ ક્યાંક વિરપિત ન આવે. પણ એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપના ઉમેદવારોને હૈયે ધરપત આપી છે. એટલે આશ્ચર્ય પણ છે કે ગુજરાતમાં ઓછું મતદાન છતાં એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને સવાસોથી વધારે સીટ મળવાનું અનુમાન છે. બીજી વાત, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપને સૌથી વધારે સીટ 2002માં 127 આવી હતી. આ આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી અવાર-નવાર કહેતા આવ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે. આજે જે આંકડા સામે આવ્યા તેમાં રેકોર્ડ તૂટવાની શક્યતા નકારી શકાતી નથી. આજે સાંજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા તેમાં ન્યૂઝ એજન્સીઓએ ભાજપ સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે.
સાત ન્યૂઝ એજન્સીઓએ જે તારણો કાઢ્યાં છે તેમાં સરેરાશ સીટનું ગણિત માંડીએ તો ભાજપને 136, કોંગ્રેસને 35, આમ આદમી પાર્ટીને 8 અને અપક્ષને માત્ર 3 સીટ મળી છે. એનો અર્થ એવો થયો કે ભાજપ સવાસો કરતાં પણ વધારે સીટ મેળવી શકે જ્યારે કોંગ્રેસને 2017માં 77 સીટ મળી હતી તેનાથી માંડ અડધી સીટ મળી શકે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ તમામ સીટ પરથી લડે છે છતાં તેના ભાગે 10 સીટ પણ નહીં આવે. આપ 8 સીટ મેળવી શકે જ્યારે અપક્ષ ત્રણ સીટ લઈ જશે.
ટીવી9એ ભાજપને 125થી 130 સીટ આપી
ટીવી9એ આજે બહાર પાડેલા એક્ઝિટ પોલના આંકડામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ટીવી9એ ભાજપને 125થી 130 સીટ આપી છે તો કોંગ્રેસને ગયા વખત કરતાં 20-22 સીટ ઓછી મળવાનો વરતારો કર્યો છે. કોંગ્રેસને ટીવી9એ 40-50 સીટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીને માંડ 3થી 5 સીટ મળવાની સંભાવના છે.
રિપબ્લિક માર્કે ભાજપને 148 સીટ આપી
રિપબ્લિક પી માર્કે ભાજપને 128થી 148 વચ્ચે સીટ મળે તેવી સંભાવના બતાવી છે. જ્યારે કોંગ્રેસને 30થી 42 વચ્ચે સીટ મળશે. આમ આદમી પાર્ટીને માંડ 2થી 10 બેઠક મળી શકે છે. જ્યારે ત્રણેક સીટ અપક્ષને ફાળે જાય છે. રિપબ્લિક પી માર્ક દ્વારા આજે જાહેર કરાયેલા આંકડાઓમાં ભાજપ જો 148 સીટ મેળવે તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયનો રેકોર્ડ તોડી શકે.
જન કી બાતે ભાજપને 117થી વધારે સીટ આપી
જન કી બાતના સર્વેમાં જે તારણો સામે આવ્યા છે તેમાં ભાજપને મિનિમમ 117 અને મેક્સિમમ 140 સીટ મળે તેમ છે. જ્યારે કોંગ્રેસને 34થી 51 ટકા અને આમ આદમી પાર્ટીને 6થી 13 સીટ મળે તેમ છે. જ્યારે અપક્ષ એક-બે સીટ લઈ જશે.
ઈન્ડિયા ટૂડેએ ભાજપને 129થી 151 સીટ મળવાનું તારણ આપ્યું
ઈન્ડિયા ટૂડે ગ્રુપે 2017માં એક્ઝિટ પોલ આપ્યો હતો ત્યારે ભાજપને 99 સીટ મળવાનું અનુમાન કર્યું હતું અને ખરેખર ભાજપને 99 સીટ જ મળી હતી. આ વખતે ઇન્ડિયા ટૂડેએ ભાજપને જંગી 129થી 151 સીટ મળવાનું અનુમાન કર્યું છે. સામે કોંગ્રેસને ગયા વખતે 2017માં 77 સીટ મળી હતી ફણ આ વખતે તેનાથી અડધી સીટ પણ માંડ મળશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને 16થી 30 અને આમ આદમી પાર્ટીને 9થી 21 સીટ મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે 6 સીટ અપક્ષને મળવાનું તારણ છે.
ટાઈમ્સ નાઉએ 131 સીટ ભાજપને આપી
ટાઈમ્સ નાઉ દ્વારા આજે મોડી સાંજે એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને 131, કોંગ્રેસને 41, આમ આદમી પાર્ટીને 6 અને અપક્ષને 4 સીટ મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ટાઇમ્સ નાઉના સર્વેમાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતે છે, તેવું તારણ કાઢવામાં આવ્યું છે.
2022ના એક્ઝિટ પોલના મહત્વના પોઈન્ટ
એબીપી-સી વોટર
2017માં શું હતા ગુજરાતના એક્ઝિટ પોલ અને પરિણામ
2022ના એક્ઝિટ પોલમાં શું આવે તેવી શક્યતા
ભાજપને 2017 કરતાં વધારે સીટ મળશે
ગયા વખતે 2017માં પાટીદાર અનામત ફેક્ટરની અસરના કારણે ભાજપ વિરોધી વાતાવરણ હતું અને સરકાર સંકટમાં મૂકાઈ હોય તેવો માહોલ હતો છતાં ભાજપને બહુમતી મળી હતી. જો કે ભાજપની સીટમાં 2012ની સાપેક્ષમાં ઘટાડો થયો હતો. 2017માં ભાજપને માત્ર 99 બેઠકો મળી હતી. આ વખતે 2022માં મોંઘવારીનો મુદ્દો છાપરે ચડીને ચગ્યો છે એટલે લોઅર મિડલ ક્લાસ કઈ બાજુએ વળ્યો છે તે નક્કી ન કહી શકાય પણ ત્રણેય પક્ષોએ પ્રચારમાં કોઈ કમી બાકી રાખી નહોતી એટલે તેની અસર પણ કેવી થઈ છે તે એક્ઝિટ પોલમાં દેખાઈ આવે છે. ટૂંકમાં, 2017માં ભાજપને 99 સીટ મળી હતી, તેના કરતાં આ વખતે વધારે સીટો મળવાના તારણો સામે આવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં ઘણા સમય પછી ત્રીજા પક્ષની એન્ટ્રી
આ વખતે ગુજરાતની તમામ 182 સીટો પર ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ લડે છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને NCPના ત્રણેક ઉમેદવારો લડતા હતા પણ ત્રીજી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે પરિણામમાં નવા સમીકરણો સામે આવશે એ એક્ઝિટ પોલ પરથી સમજાય છે.
2017માં ગુજરાત માટેના એક્ઝિટ પોલમાં શું દાવા કરવામાં આવ્યા હતા?
પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછી પણ તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકોએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. જો કે દરેકે ચોક્કસ રીતે સીટોનો અલગ અંદાજ લગાવ્યો હતો. સૌથી સચોટ અનુમાન ઈન્ડિયા ટુડે એક્સિસનું હતું. આ હિસાબે ભાજપને 99થી 113 બેઠકો મળવાનો અંદાજ હતો. જ્યારે કોંગ્રેસને 68 થી 82 બેઠકો આપવામાં આવી હતી. 2017માં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
એક્ઝિટ પોલ પર લોકોને ઓછો વિશ્વાસ
એક્ઝિટ પોલ શબ્દ જ સૂચવે છે કે મત આપીને મતદાર જ્યારે બૂથમાંથી એક્ઝિટ કરે છે ત્યારે તેને તેમનો અભિપ્રાય પૂછવામાં આવે છે જેને એક્ઝિટ પોલ કહે છે. આ એક્ઝિટ પોલ મતદાનના દિવસે જ કરાય છે અને જે એજન્સીઓએ જે વિસ્તારમાં મતદારોને પૂછીને સર્વે કર્યો હોચ તેના પરથી તારણ કાઢે છે, અંદાજ મંડાય છે. આ અંદાજ છે. કોઈ સચોટ પરિણામ નથી એટલે લોકોને એક્ઝિટ પોલ પર વિશ્વાસ ઓછો છે. હા, એટલું ખરું કે એક્ઝિટ પોલમાં જે તારણો સામે આવે છે તે ખોટાં નથી હોતા. પરિણામ આવે ત્યારે મોટાભાગના પોલના અંદાજ સત્યથી એકદમ નજીક હોય છે એટલે રાજકીય પક્ષો અને ઉમેદવારોને પોલ પર થોડો વિશ્વાસ હોય છે.
ગામડાં સુધી સર્વે ટીમ પહોંચી શકતી નથી
એક્ઝિટ પોલ સચોટ નથી. મતદાન પરિણામો અને વાસ્તવિક પરિણામો વચ્ચે તફાવત હોઈ શકે છે. ક્યારેક મતદાન સાવ ખોટા સાબિત થાય છે તો ક્યારેક પરિણામો આસપાસ આવે છે. જ્યારે વધુ મંતવ્ય લેવામાં આવે ત્યારે આવું થાય છે. જેટલા વધુ મંતવ્ય લેવામાં આવે છે, તેટલા જ મતદાન સાચા હોવાની શક્યતા વધારે છે. તેમ છતાં સર્વેની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી શકતી નથી. આ કારણે આ પોલ પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય તેમ નથી.
આમ થઈ એક્ઝિટ પોલની શરૂઆત
1957 માં, બીજી લોકસભા ચૂંટણી દરમિયાન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ઓપિનિયને આ પ્રકારના એક્ઝિટ પોલની શરૂઆત કરી હતી. નવાઈની વાત એ છે કે એ વખતે આ પ્રકારના એક્ઝિટ પોલનો વિરોધ થયો નહોતો અને અનુમાન પણ સચોટ રહેતા હતા.
કેવી રીતે કરાવવામાં આવે છે એક્ઝિટ પોલ?
એક્ઝિટ પોલમાં એક સર્વે કરવામાં આવે છે, જેમાં મતદારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ એ પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો. આ સર્વે મતદાનના દિવસે જ કરવામાં આવે છે, એટલે કે સર્વેક્ષણ એજન્સીઓની ટીમો મતદાન મથકની બહાર મતદારોને પ્રશ્ન કરે છે અને એ પરથી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ સર્વે પરથી ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. આ માટે ઘણી એજન્સીઓ ભારતમાં એક્ઝિટ પોલનું આયોજન કરે છે.
ત્રણ પ્રકારના હોય છે ચૂંટણી સર્વે
1. પ્રી-પોલ: આ સર્વે ચૂંટણીની તારીખોની જાહેરાત પછી અને મતદાનની શરૂઆત પહેલાં હાથ ધરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો 3જી નવેમ્બરે જાહેર કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરે શરૂ થયું હતું. એ મુજબ પ્રી-પોલ 3જી નવેમ્બર પછી અને 1લી ડિસેમ્બર પહેલાં થઈ ગયો હોય.
2. એક્ઝિટ પોલઃ
એક્ઝિટ પોલને લઈને શું છે ગાઇડલાઇન્સ?
ભારતમાં પહેલી વખત એક્ઝિટ પોલ અંગે 1998માં ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી હતી. કલમ 324 હેઠળ ચૂંટણીપંચે 14 ફેબ્રુઆરી 1998ના રોજ સાંજે 5 વાગ્યાથી 7 માર્ચ 1998ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટીવી અને અખબારોમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલનાં પરિણામોનાં પ્રકાશન અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. 1998ની સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો 16 ફેબ્રુઆરીએ અને છેલ્લો તબક્કો 7 માર્ચે યોજાયો હતો.
આ પછી ચૂંટણીપંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સમયાંતરે સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી, એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલનાં પરિણામો બતાવવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ જો કોઈ ચૂંટણીપ્રક્રિયા દરમિયાન એક્ઝિટ પોલ અથવા ચૂંટણી સંબંધિત કોઈ સર્વે બતાવે છે અથવા તો કોઈ પણ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે તો તેને 2 વર્ષ સુધીની જેલ કે દંડ અથવા બંને થઈ શકે છે.
આ સર્વે માત્ર મતદાનના દિવસે જ કરવામાં આવે છે, જેમાં મતદારો સાથે વાતચીત કરીને તેમને કોને વોટ આપ્યો એ વિશે પૂછવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીનું આયોજન થયું હતું. આવી સ્થિતિમાં આ સર્વે દરેક તબક્કાના મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ સર્વે મતદાન મથકની બહાર કરવામાં આવે છે.
2004માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા
આવા એક્ઝિટ પોલનાં પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટાં પણ સાબિત થાય છે. 2004ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલનાં પરિણામો અને ચૂંટણીનાં પરિણામો સાવ વિપરીત હતાં. 2004માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે, પણ જ્યારે પરિણામ આવ્યાં તો એનડીએ 200નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને 189 પર સમેટાઈ ગયો હતો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએની સરકાર બની હતી. આ પછી 2009ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જોરદાર ટક્કર થશે એવું કહેવામાં આવ્યું હતું, પણ જ્યારે પરિણામો આવ્યાં ત્યારે યુપીએને 262 બેઠક અને એનડીએને 159 બેઠક મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.