ભાસ્કર ઇનડેપ્થઅમરેલીથી અમેરિકા સુધી પાટીદારોનો દબદબો:પંજાબથી આવીને કણબીઓ અહીં વિસ્તર્યા, ઇતિહાસકારો મુજબ મહેનતકશ, લડાયક, મજબૂત કોમ 300 વર્ષથી પટેલ તરીકે ઓળખાય છે

2 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી

ગુજરાતની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે વણલખ્યો નિયમ ચાલ્યો આવે છે કે તમે પાટીદારોને સાચવી લેશો તો પાટીદારો તમને સાચવી લેશે. ચૂંટણીના સમયમાં પાટીદારોનું કદ વધી જાય છે. ઉમેદવારોની ટિકિટ ફાળવણી હોય કે મતદારોને આકર્ષવાના નુસખા હોય, રાજકીય પક્ષોને પાટીદારો વગર ચાલે નહીં. 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહોતી, પણ પાટીદાર ફેક્ટરની અસર તો હતી જ. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અને તમામ 182 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા. આમ આદમી પાર્ટીએ પણ બેઠકો અંકે કરવા પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખ્યું અને નવાઈની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે પાટીદારોને ટિકિટ આમ આદમી પાર્ટીએ આપી છે. 2022ની ચૂંટણી માટે ભાજપે 43, કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીએ 46 પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે. એનો અર્થ એવો થયો કે ભાજપ ધીમે-ધીમે જ્ઞાતિવાદનું ફેક્ટર ખતમ કરવા માગે છે અને તેની શરૂઆત આ વખતની ચૂંટણીથી કરી છે.

આપે કડવા પટેલોને અને ભાજપ-કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી
પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષે ટિકિટ આપી છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પેટલ અને બીજા કડવા પટેલ. આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કડવા પટેલોને વધારે ટિકિટ આપી છે. લેઉવા અને કડવા, બંને છે તો પાટીદાર જ, પણ ટિકિટ વહેંચણીમાં જો અન્યાય થયો હોય એવું લાગે તોપણ પાટીદારો એનો મિજાજ મતદાનના દિવસે બતાવી જ આપે છે.

સુરતના ઉમિયાધામના ઉત્સવ સમયની તસવીર.
સુરતના ઉમિયાધામના ઉત્સવ સમયની તસવીર.

લોકસભાની 26માંથી 6 સીટ પર પાટીદાર સાંસદ
2012માં 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદારો હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્ય વિજયી બન્યા, જેમાંથી 11 ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. હાલ 182માંથી 44 ધારાસભ્ય પાટીદાર છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પાટીદાર સમુદાયના છે.

50 બેઠક પર તો પાટીદાર પાવર જ ચાલશે
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

પાટીદાર સમાજ એટલે શું ?
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને નોંધ્યા મુજબ, એક જાણીતી માન્યતાની વિરુદ્ધ, પટેલ સમાજ એ લવ-કુશ ( ભગવાન રામના પુત્રો અને અયોધ્યાના રાજા ) ના વંશજો નથી. ઇતિહાસકારો કહે છે કે, લવ અને કુશે પંજાબના રાજાને હરાવ્યા હતા અને તેમના લોકોએ ત્યાં વસવાટ કર્યો હતો. લવ દ્વારા સ્થાપિત થયેલા ધર્મનું નામ “લેયા” હતું અને કુશ દ્વારા સ્થાપિત થયેલા ધર્મનું નામ “કુશદ” હતું.

પશ્ચિમી આક્રમણકારો ( તુર્કી, ઈરાન, ઇરાક વગેરે )એ પંજાબમાં રહેતા લોકો પર આક્રમણ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તેમણે લૂંટ-ફાટ કરી, લોકોને મારી નાખ્યા અને તેમનાં ઘર, ખેતરો અને મંદિરોને બાળી નાખ્યાં. આથી કુર્મીઓએ અને ત્યાં રહેતા અન્ય લોકોએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પંજાબથી નીકળી જવું પડ્યું અને તેઓ ભારતના પૂર્વ ભાગમાં અને દક્ષિણ ભાગમાં આવ્યા.

ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ સમયની તસવીર.
ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ સમયની તસવીર.

કુશદ ધર્મના કેટલાક લોકોએ ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક સ્થળાંતર કર્યું, જયારે લેયા ધર્મના કેટલાક લોકોએ અડાલજ નજીક સ્થળાંતર કરીને તેમના ખેતીના વ્યવસાયને ચાલુ રાખ્યો. પંજાબમાં જે વિસ્તારમાં કુશદ ધર્મના લોકો રહ્યા તે વિસ્તારનું નામ કરદ કુર્મી ( કડવા કણબી ) તરીકે જાણીતું થયું અને જે વિસ્તારમાં લેયા ધર્મના લોકો રહ્યા તે વિસ્તારનું નામ લેયા કુર્મી ( લેઉવા કણબી ) તરીકે જાણીતું થયું.

આ રીતે ગુજરાતમાં સ્થળાંતર થયું
દસ હજાર વર્ષ ઈસૂ પૂર્વે પશ્ચિમી આક્રમણકારો ( તુર્કી, ઈરાન, ઇરાક વગેરે ) એ પંજાબમાં રહેતા લોકો ઉપર આક્રમણ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તેમણે લૂંટ-ફાટ કરી, લોકોને મારી નાખ્યા અને તેમના ઘર, ખેતરો અને મંદિરોને બાળી નાખ્યા. આથી કુર્મીઓએ અને ત્યાં રહેતા અન્ય લોકોએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પંજાબથી નીકળી જવું પડ્યું અને તેઓ ભારતના પૂર્વ ભાગમાં અને દક્ષિણ ભાગમાં આવ્યા.

કુશદ ધર્મના કેટલાક લોકોએ ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક સ્થળાંતર કર્યું, જ્યારે લેયા ધર્મના કેટલાક લોકોએ અડાલજ નજીક સ્થળાંતર કરીને તેમના ખેતીના વ્યવસાયને ચાલુ રાખ્યો, પરંતુ તેમના વંશજોએ તેમના નામ સ્થળાંતર પહેલાં તેઓ જ્યાં રહેતા હતા તેના આધારે જ રાખ્યા. પંજાબમાં જે વિસ્તારમાં કુશદ ધર્મના લોકો રહ્યા એ વિસ્તારનું નામ કરદ કુર્મી તરીકે જાણીતું થયું અને જે વિસ્તારમાં લેયા ધર્મના લોકો રહ્યા એ વિસ્તારનું નામ લેયા કુર્મી તરીકે જાણીતું થયું.

17મી સદીમાં કણબી સમુદાય પાટીદાર એટલે કે જમીનની રક્ષા કરનાર તરીકે જાણીતો થયો. એનાથી કડવા કણબી કડવા પાટીદાર તરીકે જાણીતા થયા અને લેઉવા કણબી લેઉવા પાટીદાર તરીકે જાણીતા થયા. એટલે લેયા ધર્મના કુર્મીના વંશજો લેઉવા પાટીદાર તરીકે જાણીતા થયા અને કુશદ ધર્મના કુર્મી લોકો કડવા પાટીદાર તરીકે જાણીતા થયા.

પટેલ અને પાટીદાર શબ્દ કેવી રીતે આવ્યા ?
પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. એમ "પટેલ" શબ્દ પણ 300 વર્ષ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગીરવી દસ્તાવેજ થતાં તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી તેમની રહેતી.

પટ્ટલિક પરથી પટેલ શબ્દ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટીદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ વાત લેખક દેવેન્દ્ર પટેલે 18મી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથમાં નોંધી છે.

ચંદ્રકાંત બક્ષીએ સમજાવ્યો છે કુર્મીનો અર્થ
સદીઓ પહેલાં જ્યારે પટેલો ભારત તરફ આવ્યા એ પહેલાં તેઓ કુર્મી તરીકે જ ઓળખાતા હતા. મહેસાણાના નિવૃત્ત આઈપીએસ ડી.જે.પટેલે કુર્મી સમાજના સમારોહમાં કહેલું કે કુર્મી એ મૂળ જાતિ છે. કુર્મીથી પટેલ સુધીની સફર હજારો વર્ષોની રહી છે. ગુજરાતમાં પટેલ શબ્દ 300 વર્ષથી પ્રચલનમાં છે. ​​​​​​

ગુજરાતમાં પટેલોની 1500 પેટાજ્ઞાતિ છે. 'મહાજાતિ ગુજરાતી'મા ચંદ્રકાંત બક્ષી પાટીદારો માટે પ્રોફેસર વિલિયમ મોનિયરને ટાંકીને લખે છે, "કુર્મી એટલે શક્તિશાળી માણસ. શિવાજી પણ કુર્મી વંશમાંથી જ આવ્યા હતા. આ કુર્મીનો અપભ્રંશ એટલે કણબી." આવી કણબી માતાઓના પેટે જન્મેલા પટેલો સ્વાભાવિકપણે જ મહેનતકશ અને લડાયક હોય.

આ 21 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં AAPએ મળવી 27 બેઠક
ગુજરાતમાં સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારોએવો દેખાવ કર્યો હતો. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર વસતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં 27 બેઠક મેળવી હતી. જોકે 2016ની પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જે 26 બેઠક જીતી હતી એ 'આપ'ના ફાળે ગઈ હતી.

ગુજરાતમાં એકપણ પાટીદાર CM 5 વર્ષનું શાસન પૂરું કરી ના શક્યા
ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. ઈતિહાસ જોઈએ તો બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા.

બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં.

રાજકારણના પહેલા પટેલ, સરદાર પટેલ
પટેલો માટે રાજકારણ નવું નથી પણ ગુજરાત અને દેશના રાજકારણમાં સૌપ્રથમ અને અવ્વલ ખેડાણ કરનાર બે પટેલ ભાઈઓ હતા. વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ. વલ્લભભાઈ એક જમાનામાં વિઠ્ઠલભાઈ મુંબઈ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તો વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. વિઠ્ઠલભાઈ તો લેજિસ્લેટીવ એસેમ્બલીના પ્રથમ સ્પીકર પણ બનેલા. બંને ભાઈઓએ પછી અંગ્રેજો સામેના સ્વાતંત્ર્યજંગમાં ઝુકાવ્યું, બારડોલીના સત્યાગ્રહે વલ્લભભાઈને સરદાર બનાવ્યા.

વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ વલ્લભભાઈ પટેલનું છે.
વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ વલ્લભભાઈ પટેલનું છે.

ગુજરાતને પાંચ પાટીદાર મુખ્યમંત્રી મળ્યા. ચીમનભાઈ પટેલ પછી 1995માં કેશુભાઈ પટેલ આવ્યા. તેમણે ગુજરાતમાં 35 વર્ષથી એકચક્રી શાસન કરતી કૉંગ્રેસને એવી ખૂણામાં હડસેલી દીધી કે એ હજી 25 વર્ષે પણ ઊભી નથી થઈ શકી. કેશુભાઈ પણ બે વખત મુખ્યમંત્રી બનેલા, એમ તો બાબુભાઈ જશભાઈ પટેલ જેવા સજ્જન પટેલ પણ બે વખત મુખ્યમંત્રી બનેલા. આનંદીબહેન પટેલ એક જ વખત મુખ્યમંત્રી બની શક્યાં અને હવે 2022ની ચૂંટણીમાં ભાજપની સરકાર રચાશે તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત થઈ ચૂકી છે.

અમરેલીથી અમેરિકા સુધી પટેલોનો દબદબો
પટેલ સમાજ વસતિની દૃષ્ટિએ બહોળો તો છે જ, પણ સાહસ, એકતામાં પટેલનો જોટો જડે નહીં. એ ખેતી કરી જાણે, એ બિઝનેસ પણ કરી જાણે. ભારતમાં 15% વ્યવસાય ચલાવનાર અને ગુજરાતમાં 70% વ્યવસાય ચલાવનાર પટેલ છે. લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલ હોય કે કડવા પટેલ સમાજના આગેવાન જેરામભાઈ વાંસજાળિયા હોય. મોટા ભાગના પાટીદારે બિઝનેસમાં કાઠું કાઢ્યું છે.

ભારતની ટોપમોસ્ટ બ્રાન્ડ ઊભી કરનારો પટેલ પાવર છે. બાલાજી વેફર્સનો વિરાણી પરિવાર હોય કે ઝાયડસના પંકજ પટેલ હોય. સુઝલોનના તુલસી તંતી કે પછી નિરમાના કરસનભાઈ પટેલ હોય. એકપણ ફિલ્ડ એવું નથી, જ્યાં આ સમાજે પોતાની આવડત ન બતાવી હોય.

સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં, ભારતમાં અને હવે તો ભારત બહાર પણ પટેલો વસે છે. યુ.કે.માં લગભગ 1 લાખથી પણ વધારે પટેલ રહે છે. યુ.એસ.માં રહેતા ભારતીયોમાં દર દસ વ્યક્તિએ એક પટેલ જોવા મળે છે. વિશ્વમાં છઠ્ઠા ક્રમની સૌથી ધનવાન વ્યક્તિ પટેલ છે. અમેરિકામાં મોટેલ્સ બિઝનેસનું સ્ટાર્ટઅપ પટેલોએ કર્યું. પટેલ સમુદાય માત્ર સંખ્યાની દૃષ્ટિએ જ નહીં, દરેક ક્ષેત્રમાં વ્યાપક રીતે ફેલાયેલો છે, એટલે જ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ કોઈ બીજાનું નહીં, પટેલનું છે!

અન્ય સમાચારો પણ છે...