Editor's View, ભાજપ આ સેટિંગની વેતરણમાં:મતદાન પહેલા જ ખેલ પાડવા મથામણ, મોટા માથાઓ ઉત્તર ગુજરાતમાં સક્રિય થયાં

5 દિવસ પહેલા

નમસ્કાર...
તમને યાદ જ હશે કે થોડા દિવસ પહેલાં કેજરીવાલ ગુજરાતીમાં બોલતા શીખી ગયા એના પુરાવારૂપે તેમણે ગુજરાતીમાં જાહેરખબર બનાવીને ગુજરાતની જનતાને સંબોધી હતી. ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો પછી કેજરીવાલે કોંગ્રેસની સામે એક નવો તુક્કો કર્યો છે. દરેક પત્રકારને તેઓ લેખિતમાં એવું લખી આપે છે કે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને 5 કરતાં ઓછી બેઠક આવશે. આની ચર્ચા બહુ ચાલી અને કોંગ્રેસે કોઈ જવાબ નહોતો આપ્યો.

ઘણા દિવસો પછી આના જવાબરૂપે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ પણ હવે ગુજરાતી ભાષામાં બોલીને કેજરીવાલને ચેલેન્જ આપી છે કે આમ આદમી પાર્ટીને એકપણ સીટ નહિ આવે. રઘુ શર્મા જાગ્યા ખરા, પણ મોડા.

મોરબીની ઘટનાને 25 દિવસ થઈ ગયા. સુઓમોટો પિટિશનની સુનાવણીમાં અદાલતે સરકારને ખખડાવી. ભોગ બનનારને વળતરની રકમ અપૂરતી હોવાનુંય કહ્યું. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને કંપનીના જવાબદારો સામે કેમ હજી સુધી કંઈ કર્યું નથી, એવો ધારદાર સવાલ પણ પૂછ્યો. હવે સરકાર વધુ જવાબ આપશે. વધુ સુનાવણી હવે ચૂંટણી પરિણામ પછી 12 ડિસેમ્બરે છે. એ જવાબ હવે નવી સરકાર આપશે.

ચૂંટણીનો આ તબક્કો હવે એક-એક સીટ પર મતદાન મથકની પાકી ગણતરી કરવાનો છે. ભાજપ આ રણનીતિ અને ગણિતમાં માહેર છે. ઉત્તર ગુજરાતમાં કંઈકનું કંઈક હલનચલન ચાલુ છે. ચૌધરી સમાજના નેતા વિપુલ ચૌધરી હજી જેલમાં છે. વિપુલ ચૌધરીને ટેકામાં રહેલી અર્બુદા સેનાએ ભાજપના ટોચના નેતાઓ સાથે મીટિગ કરી હોવાનું કહેવાય છે. જો મતદાન પહેલાં સમાધાન થઈ જાય તો ઉત્તર ગુજરાતની ઘણી સીટ પર ભાજપને એનો ફાયદો થઈ શકે અને વિપુલભાઇ જેલની બહાર આવી જાય એવુંય બને. મતદાનનો સમય નજીક આવી ગયો છે છતાંય કોંગ્રેસનું ધોવાણ થવાનું બંધ થતું નથી. દિયોદરના પૂર્વધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અનિલભાઈને 2017માં ભાજપે ટિકિટ નહોતી આપી, એટલે નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા હતા. હવે 2022માં કોંગ્રેસથી નારાજ છે. ટિકિટનો જ ખેલ છે બીજું શું?

નેતાઓ માટે જનતા એવું માનતી હોય છે કે તેમને તો જલસા જ હોય છે, પણ એવું નથી. રોજ સવારથી સાંજ ઊડાઊડ કરતા પ્રધાનમંત્રી માટે સતત એવું થાય કે તેમને થાક નહિ લાગતો હોય? સતત પ્રચાર માટે દોડાદોડ કરવી એ કંઈ નાનીસૂની વાત નથી. મોદીજીને સામે પબ્લિક હોય એટલે હરખ જાગે અને ખીલી ઊઠે, પણ વડોદરામાં એક ઉમેદવાર તો 250 ગ્રામ ચણા ખાઈને તાકાત મેળવે છે અને પંદર કિલોમીટર ચાલીને લોકોને મળે છે. નેતાઓને જલસા ત્યારે હોય છે જો ચૂંટાઈ જાય અને મંત્રી બની જાય. પછી પગે ચાલવાની જરૂર નથી. પદયાત્રા હંમેશાં વિપક્ષમાં હોય ત્યારે જ થાય છે. શાસનમાં હોય એ પદયાત્રા કેમ નહિ કરતા હોય? આ તો એક વાત છે.

આવા જ ઇન્ટરસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે વાંચો દિવ્ય ભાસ્કર એપ અને જોતા રહો ગેમ ઓફ ગુજરાત. કાલે ફરી મળીએ... ધન્યવાદ...