ભાસ્કર રિસર્ચહમારા નેતા કૈસા હો?:ગુજરાતને ઓછું ભણેલા કે વૃદ્ધ નેતાઓ જ શા માટે ગમે છે? ‘યુવાનોની પાર્ટી’ BJPએ આ વખતે 55+ ઉંમરના આધેડ-વૃદ્ધોને જ ટિકિટ આપી છે!

3 મહિનો પહેલાલેખક: જયેશ અધ્યારુ
  • કૉપી લિંક

દિગ્ગજ ફિલ્મમેકર મણિરત્નમે આજથી 18 વર્ષ પહેલાં હિન્દી અને તમિળ ભાષામાં એક ફિલ્મ બનાવેલી, ‘યુવા’. સ્ટોરીટેલિંગની દૃષ્ટિએ અનોખો અપ્રોચ ધરાવતી આ ફિલ્મના અંતે એક મસ્ત દૃશ્ય જોવા મળે છે. ટિપિકલ કુર્તા-બંડી-પાયજામા-ધોતિયાંમાં ફરતા બુઢ્ઢાઓને હડસેલીને જિન્સ પહેરેલા થોડા યુવાનો પણ વિધાનસભાના ગૃહમાં પ્રવેશે છે. સ્વાભાવિક રીતે જ તેઓ MLA તરીકે ચૂંટાઈને વિધાનસભામાં પ્રવેશ્યા છે. વર્ષોથી આપણી ફરિયાદ રહી છે કે રાજકારણમાં યુવાનો આવતા નથી, અથવા તો મુખ્યમંત્રી કે ઇવન પ્રધાનમંત્રીના હોદ્દે પહોંચતા નથી. ત્યાં પચાસેક વર્ષની ઉંમર પછીના આધેડ અને મહદંશે વાનપ્રસ્થાશ્રમ કે પછી સંન્યસ્તાશ્રમમાં પહોંચી ચૂક્યા હોય એવા વડીલો જ અડ્ડો જમાવીને બેઠા હોય છે. બીજી ફરિયાદ એ પણ રહી છે કે સારું ભણેલા-ગણેલા યુવાનો રાજકારણમાં પ્રવેશીને દેશની સેવા કરવાને બદલે વિદેશોમાં મલ્ટિનેશનલ કંપનીઓમાં જોબ કરવાનું અને સુંવાળી જિંદગી જીવવાનું વધુ પસંદ કરે છે. અત્યારે જ્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની રણભેરી વાગી ચૂકી છે ત્યારે એ વાતનું એનાલિસિસ કરવું પણ રસપ્રદ થઈ પડશે કે આપણને અત્યાર સુધીમાં કેટલી ઉંમરના ધારાસભ્યો મળ્યા છે અને જે મુખ્યમંત્રીઓ મળ્યા છે, તેઓ કેવુંક ભણેલા હતા.

ગુજરાતના ગાદીપતિઓ

સ્વતંત્ર ગુજરાતીભાષી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પછીની પહેલી ચૂંટણી 1962માં થઈ. તેના સૌપ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉ. જીવરાજ મહેતાની વરણી થઈ. તે વખતે તેમની ઉંમર ખાસ્સી 73 વર્ષની હતી. અલબત્ત, એટલું નોંધવું પડે કે ડૉ. જીવરાજ મહેતા તે પહેલાં એક સ્પેશિયલિસ્ટ ડૉક્ટર તરીકેની સફળ અને ઉજ્જ્વળ કારકિર્દી ધરાવતા હતા. તેઓ લંડનમાં MD થયા હતા અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ પણ હતા અને ગાંધીજી સાથે આઝાદીની લડતમાં પણ સામેલ થયા હતા. લગાતાર 17 વર્ષ સુધી તેઓ મુંબઈની KEM (કિંગ એડવર્ડ મેમોરિયલ) હોસ્પિટલના ડીન પણ રહ્યા હતા. ભારતની આઝાદી પછી તેઓ જાહેરજીવનમાં પ્રવેશ્યા અને પ્રથમ પ્રધાનમંડળમાં આરોગ્યવિભાગમાં નિયામક તરીકે સેવાઓ આપી. બે વખત દ્વિભાષી મુંબઈ રાજ્યના મંત્રી પણ રહેલા. એ પછી ગુજરાત રાજ્ય સર્જાતાં સ્વાભાવિકપણે જ તેમને નેતા તરીકે સ્વીકારવામાં આવ્યા.

એ પછી આવેલા બળવંતરાય મહેતા 64 અને હિતેન્દ્ર દેસાઈ 50 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બન્યા હતા. ડૉ. જીવરાજ મહેતાની જેમ સૌથી મોટી ઉંમરે મુખ્યમંત્રી બનનારાંઓમાં આનંદીબેન પટેલનું પણ નામ લેવું પડે. તેમણે 73 વર્ષની ઉંમરે આ પદ સ્વીકાર્યું હતું અને બે વર્ષ થતાં 75 વર્ષની પક્ષની ટોચની વયમર્યાદાનો હવાલો આપીને ફેસબુક મારફતે રાજીનામું આપ્યું હતું. ટૂંકા ગાળામાં માટે CM બનેલા છબીલદાસ મહેતા 69 વર્ષે અને કેશુભાઈ પટેલ 67 વર્ષની વયે મુખ્યમંત્રી બન્યા હતા. કેશુભાઈએ ધરતીકંપની નબળી રાહત કામગીરી મુદ્દે 2001માં રાજીનામું આપવું પડેલું, ત્યારે તેમની ઉંમર 73 વર્ષની હતી. ઉંમરના છઠ્ઠા દાયકામાં પ્રવેશીને પછી મુખ્યમંત્રી બનનારા નેતાઓમાં વિજય રુપાણી (60), દિલીપ પરીખ (60), બાબુભાઈ જશભાઈ પટેલ (64)નો સમાવેશ થાય છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગયા વર્ષે સત્તા સંભાળી ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી. 15 જુલાઈના રોજ હવે તેઓ પણ સાઠના દાયકામાં પ્રવેશી ગયા છે. નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 51 વર્ષ હતી. ગુજરાતને મળેલા સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રીઓમાં ચીમનભાઈ પટેલ અને અમરસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે. CM બનતી વખતે બંનેની ઉંમર 44 વર્ષ હતી. જો રાજકારણમાં ‘યુવાની’ની વ્યાખ્યા હળવી કરો તો આ બંને મુખ્યમંત્રીઓ સૌથી ‘યુવા’ હતા!

ધારાસભ્યોઃ સાઠ સાલ કે બૂઢે યા સાઠ સાલ કે જવાન?

હવે મુખ્યમંત્રીઓમાંથી સહેજ નીચે ઊતરીને ચૂંટાયેલા ધારાસભ્યો પર આવીએ. 1962થી લઇને 2022 સુધીમાં જે 13 વિધાનસભાઓ રચાઈ, તેમાં સૌથી વધુ ટકાવારી 46વર્ષ 60ના લોકપ્રતિનિધિઓની જ દેખાય છે. ત્યારપછી 25થી 45ના વયજૂથના નેતાઓ આવે છે. યાને કે અન્ય કારકિર્દીઓમાં જ્યાં તમારી દિશા નક્કી થઈ ગઈ, તમે અમુક લેવલે પહોંચી ચૂક્યા હો ત્યારે વિધાનસભામાં તમારી એન્ટ્રી થાય છે અથવા તો તમને મંત્રીપદું મળે છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના સૌથી વધુ ભણેલા અને સૌથી મોટી ઉંમરે મુખ્યમંત્રી બનેલા સૌપ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા વખતે વિધાનસભામાં 25થી 45 વર્ષના MLAનું પ્રમાણ સેકન્ડ હાઇએસ્ટ (52.64%) હતું. તે જ સરકારમાં 60ની ઉંમર વટાવેલા (મુખ્યમંત્રી સહિતના) નેતાઓનું પ્રમાણ ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઓછું 5.19% જ હતું. યાને કે ડૉ. જીવરાજ મહેતા વખતની વિધાનસભા સૌથી ‘યુવાન’ વિધાનસભા હતી. એ રીતે જોઇએ તો 2017થી 2022ની (વિજય રૂપાણી+ભૂપેન્દ્ર પટેલ)ની વિધાનસભામાં 60ની ઉંમર વટાવી ચૂકેલા નેતાઓનું પ્રમાણ સૌથી વધુ 32.42% હતું. આવું સ્વતંત્ર ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નહોતું થયું. ઇવન તેમાં 46થી 60 વર્ષના નેતાઓનું પ્રમાણ પણ અડધો અડધ એટલે કે 50% હતું. સૌથી વધુ યુવાનો ધરાવતા દેશના એક પ્રગતિશીલ રાજ્યનું પ્રતિનિધિત્વ આટલા બધા વડીલો કરે છે એ મુદ્દે વિચારવું જોઇએ.

આવતી વિધાનસભામાં આ ચિત્ર બદલાશે?
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી એકહથ્થુ શાસન કરી રહી છે. ત્રીજો મોરચો યાને કે ત્રીજો પક્ષ ગુજરાતની ચૂંટણીમાં ક્યારેય નિર્ણાયક ભૂમિકા ભજવી શક્યો નથી. પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’ (AAP) પૂરા જોરશોરથી પ્રચાર કરી રહી છે. અલબત્ત, ગઈ ચૂંટણીમાં તો AAPના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. અલબત્ત, તેની સામે કોંગ્રેસની સીટો વધી હતી અને ભાજપને છેલ્લા અઢી દાયકાની સૌથી ઓછી માત્ર 99 સીટો જ મળી હતી. આ આંકડો થોડો ઓર નીચે ગયો હોત તો બે તૃતીયાંશ બહુમતીનો 92 સીટનો આંકડો સ્પર્શવામાં પણ મુશ્કેલી પડી હોત. જોકે પાછળથી તોડજોડ કરીને સીટોનો આંકડો 111 પર પહોંચાડ્યો. એ જોતાં આ વખતે પણ યેન કેન પ્રકારેણ ભાજપ ખુરશી સાચવી લેશે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. કેમ કે, આગામી વર્ષે 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને ત્યારપછીના વર્ષે 2024માં લોકસભા ચૂંટણી પણ છે. એટલે પોતાના ગઢ ગુજરાત પર કેસરિયો જાળવી રાખવો એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે ભાજપે 182માંથી પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા વરિષ્ઠ અને સીટિંગ મંત્રીઓને બાદ કરી દેવાયા છે. તેમ છતાં જેમને ટિકિટ આપી છે, તેમની ઉંમરનું વર્ગીકરણ જોઇએ તો તેમાં પણ ખાસ યુવાનો જોવા મળતા નથી. પોતાને ‘યુવાનોની પાર્ટી’ ગણાવતી BJPમાં 51-55 વર્ષના 35 ઉમેદવાર, 56-60 વર્ષના 31 ઉમેદવાર, 61થી 65 વર્ષના 30 ઉમેદવાર અને 66થી 70 વર્ષના 17 ઉમેદવાર છે. જ્યારે 4 ઉમેદવાર 71થી 75 વર્ષના છે. આ બધાનો સરવાળો માંડીએ તો એવું ગણિત બેસે છે કે ભાજપે જાહેર કરેલા 159 ઉમેદવારોમાંથી 51થી 75 વર્ષના ઉમેદવારોની સંખ્યા 117 છે. એક ઉમેદવાર માંગરોળના ભગવાનજી કરગઠિયાની ઉંમર ભાજપની સત્તાવાર યાદીમાં સામેલ નથી, પરંતુ પાછલી ચૂંટણીઓમાં દાખલ કરેલી એફિડેવિટ પ્રમાણે અત્યારે તેમની ઉંમર 65 વર્ષ થવા જાય છે. યાને કે ભાજપના 160માંથી 118 ઉમેદવાર 51 કરતાં વધુ ઉંમરના છે. આમાંથી મોટાભાગના ઉમેદવારો ધારાસભ્ય બનીને ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં બેસશે તેવું માનીએ તો આ વખતે પણ આપણને યુવા વિધાનસભા મળવાની છે તેવું માનવું વ્યર્થ છે. આની સામે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં જાહેર કરેલા ઉમેદવારોની ઉંમરની પૂરતી વિગતો આપી નથી. તેમાંથી મેક્સિમમ ઉમેદવારો ચૂંટાય તો વિધાનસભામાં કુદરતી રીતે કાળા વાળ ધરાવતા MLAનું પ્રમાણ વધે. ભાજપના (160માંથી) 31થી 45 વર્ષના ઉમેદવારોની કુલ સંખ્યા માંડ 20 જ થાય છે. જ્યારે 30થી નીચે એકમાત્ર ઉમેદવાર હાર્દિક પટેલ (29 વર્ષ) છે. દસ્ક્રોઈથી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના વડા બાબુભાઈ જમનાદાસ પટેલ સૌથી વધુ 74 વર્ષના છે. તેમનો વિનિંગ રેકોર્ડ જોતાં, જો તેઓ ચૂંટાશે તો ભાજપનો 75 વર્ષનો ટોચની વયમર્યાદાનો નિયમ લાગુ પડશે કે કેમ તે જોવું રસપ્રદ થઈ રહેશે.

ઉત્તર પ્રદેશમાં 2012માં અખિલેશ યાદવે 25 વર્ષના અરુણ વર્માને વિધાનસભાની ટિકિટ આપી હતી, જેણે સુલતાનપુરથી જીતીને ભારતના સૌથી યુવા ધારાસભ્યનો વિક્રમ બનાવ્યો હતો. સંસદની વાત કરીએ તો 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજુ જનતા દળ વતી ઓડિશાના કેઓન્ઝારમાંથી જીતીને માત્ર 25 વર્ષની વયે સાંસદનું પદ હાંસલ કર્યું હતું. તેમણે ભાજપના બે વખતના વિજેતા સાંસદ અનંત નાયકને 66,203 વોટથી હરાવ્યા હતા. બેંગ્લુરુ સાઉથ સીટથી ભાજપમાંથી જીતીને ગયેલા તેજસ્વી સૂર્યા પણ 28 વર્ષના એકદમ યુવા સાંસદ છે. પરંતુ છાશવારે તેમનાં બયાનો, ભાષા અને વિચારો બહુ ઉત્સાહપ્રેરક નથી. બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તીએ તૃણમૂલ કોંગ્રેસ વતી જાદવપુરની સીટ પરથી 2019ની ચૂંટણીમાં 3 લાખના જંગી માર્જિનથી જીતીને સંસદમાં પોતાનું સ્થાન મેળવ્યું. પશ્ચિમ બંગાળની જ ચર્ચાસ્પદ અભિનેત્રી નુસરત જહાંએ પણ તૃણમૂલ કોંગ્રેસ વતી 3.5 લાખ મતોની સરસાઈથી જંગી જીત મેળવીને સાંસદ પદ મેળવ્યું.

ઢાઈ અક્ષર શિક્ષા કા, પઢે સો MLA હોય?

ભારત જેવડા મોટા દેશ અને ગુજરાત જેવડા સવા છ કરોડની વસ્તી ધરાવતા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓ-ધારાસભ્યો સુશિક્ષિત હોય, સારામાં સારું ભણેલા હોય તેવી અપેક્ષા રાખવી જરાય અસ્થાને નથી. પરંતુ વક્રતા એ છે કે ભારતના બંધારણમાં ધારાસભ્ય બનવા માટેની કોઈ જ લઘુત્તમ શૈક્ષણિક યોગ્યતાની જોગવાઈ નથી. એટલે જ ભણેલા-ગણેલા કે યુવાન કરતાં જીતાડી શકે તેવા નેતાઓને ટિકિટ આપવાનું ચલણ વધારે જોવા મળે છે. ભાજપની આ વખતના 160 ઉમેદવારોની સત્તાવાર યાદી પ્રમાણે તેમાં 40થી વધુ ઉમેદવાર એવા છે, જેઓ માંડ ધોરણ 10 કે તેથી ઓછું ભણ્યા છે. ગ્રેજ્યુએશન પણ પૂરું ન કરનારા ઉમેદવારની સંખ્યા 60 જેટલી છે. ગ્રેજ્યુએશન કે તેનાથી વધુ અભ્યાસ કરનારા ઉમેદવારોની સંખ્યા 44 છે. ડિગ્રી-ડિપ્લોમા-એન્જિનિયરિંગ કરનારા 14, પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા 14 અને બે ઉમેદવાર PhDની ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે.

1962થી લઇને અત્યાર સુધીના તમામ ધારાસભ્યોની શૈક્ષણિક યોગ્યતાઓનું એનાલિસિસ કરીએ તો મેટ્રિક અને ગ્રેજ્યુએશન કરનારા ધારાસભ્યોની ટકાવારી જ સૌથી વધુ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા ધારાસભ્યો કાયમ લઘુમતીમાં જ રહ્યા છે. અત્યારે જેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તે વિજય રૂપાણી+ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર વખતની વિધાનસભામાં માત્ર 8.79% MLA જ એવા છે જેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કે તેની સમકક્ષ ડિગ્રી ધરાવે છે. લગભગ અડધા એટલે કે 47.80% ધારાસભ્યો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ધરાવે છે. જ્યારે 43.41% ધારાસભ્યોએ SSC કર્યા પછી વિદ્યાર્થી તરીકે ક્યારેય કોલેજનું મોં જોયું નથી. જોઇએ, આ ચૂંટણીનાં પરિણામો પછી આ ચિત્ર કેવુંક બદલાય છે અને ગુજરાતની જનતા મત આપવા જતી વખતે ધારાસભ્યની ઉંમર કે તેનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ધ્યાનમાં લે છે કે કેમ.

ખેતરમાંથી લણાયો ધારાસભ્યોનો પાક

એક સમયે રાજકારણમાં વકીલોનો દબદબો હતો. આજની તારીખે પણ નેશનલ લેવલે ઘણા સિનિયર નેતાઓ એક્ટિવ વકીલ છે. ડૉક્ટર, એન્જિનિયર, મેનેજમેન્ટ જેવી ઉચ્ચ અને સ્પેશિયલાઇઝ્ડ ડિગ્રીઓ મેળવનારા યુવાનો રાજકારણને બદલે હાઇપ્રોફાઇલ કોર્પોરેટ જોબ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. ગુજરાતીઓની છાપ વેપારીઓ તરીકેની છે. ગુજરાતના રાજકારણમાં શરૂઆતની પાંચ વિધાનસભાઓમાં વેપાર-ધંધો કરનારા ધારાસભ્યોનું પ્રમાણ ઠીક ઠીક હતું. ઇવન ખેતીવાડીના બેકગ્રાઉન્ડમાંથી આવતા ધારાસભ્યોનું પ્રમાણ પહેલી પાંચ વિધાનસભામાં 10-20 ટકાની વચ્ચે જ રહેતું હતું.

પરંતુ રસપ્રદ અભ્યાસનો વિષય એ છે કે ઇ.સ. 1985થી ગુજરાતના રાજકારણમાં એવો તે કયો શિફ્ટ આવ્યો કે ખેતીવાડીમાંથી આવતા ધારાસભ્યોનું પ્રમાણ 50 ટકા કરતાં પણ વધી ગયું. બે વિધાનસભા (1998 અને 2002માં અનુક્રમે 49.45% અને 45.60%)ને બાદ કરતાં કાયમ કૃષિક્ષેત્રમાંથી આવતા ધારાસભ્યોનું પ્રમાણ જ 50% કરતાં વધારે રહ્યું છે. ત્યારપછી વેપાર-ધંધામાંથી આવતા ધારાસભ્યોએ રાજકારણને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો છે. 2017-2022ની છેલ્લી વિધાનસભામાં 51.10% ખેડૂતો અને વેપારી-ધંધાર્થીઓનું પ્રમાણ 32.97% હતું. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, શિક્ષક જેવા વ્યવસાયોમાંથી આવતા ધારાસભ્યોનું પ્રમાણ આંગળીના વેઢે ગણાય એવું જ રહ્યું છે.

વિશ્વમાં કેવાક યુવા નેતાઓ ઊભરી રહ્યા છે?
ભારતમાં મિનિમમ 25 વર્ષની વયની વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. પરંતુ આપણને અત્યાર સુધીમાં સૌથી યુવાન પ્રધાનમંત્રી તરીકે રાજીવ ગાંધી મળ્યા હતા, જેઓ 1984માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર 40 વર્ષ હતી. જોકે એ પણ નોંધવું જોઇએ કે વ્યવસાયે પાઇલટ એવા રાજીવ ગાંધી તેમનાં માતા અને તત્કાલીન PM ઇન્દિરા ગાંધીની હત્યા પછી PM બન્યા હતા અને તેમને મળેલી પ્રચંડ જીતમાં સહાનુભૂતિના મોજાનો મોટો ફાળો હતો. દેશના સૌથી વયોવૃદ્ધ પ્રધાનમંત્રી તરીકે આપણા ગુજરાતી એવા મોરારજી દેસાઈ હતા, જેઓ 81 વર્ષની વયે PM બન્યા હતા.

તાજેતરમાં જ બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા તે ભારતીય મૂળના ઋષિ સુનક માત્ર 42 વર્ષના છે. તેમની પહેલાં થોડા જ દિવસમાં જેમને રાજીનામું આપવું પડેલું તે લિઝ ટ્રસની ઉંમર પણ 47 વર્ષ જ છે. ઇમેન્યુએલે મેક્રોં જ્યારે 2016માં ફ્રાન્સના પ્રેસિડન્ટ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 39 વર્ષ હતી. તેઓ ફ્રાન્સના ઇતિહાસમાં સૌથી યુવા રાષ્ટ્રપતિનો વિક્રમ ધરાવે છે. કોરોનામાં જબરદસ્ત કામગીરી કરનારાં ન્યૂ ઝીલેન્ડનાં PM જેસિન્ડા અર્ડેર્ન પણ 2017માં માત્ર 37 વર્ષની વયે સત્તાનશીન થયાં હતાં. ફિનલેન્ડ પણ મહિલા નેતૃત્વ ધરાવે છે અને ત્યાંના વર્તમાન વડાંપ્રધાન સાના મરીન 34 વર્ષની વયે પ્રધાનમંત્રી બન્યાં છે. આ ઉપરાંત જ્યોર્જિયાના PM આઇરાક્લી ગેરીબેશવિલિ (31), ચિલિના PM ગેબ્રિયેલ બોરિક (35), સાન મરિનોના કેપ્ટન રીજન્ટ (હેડ ઓફ ધ સ્ટેટ) જિયાકોમો સિમોન્ચિની (27), કોસોવોનાં મહિલા પ્રેસિડન્ટ વ્યોસા ઓસ્માની (38) જેવા યુવા નેતાઓ પોતપોતાના દેશની ધુરા સંભાળી રહ્યા છે. અત્યારે રશિયા સામે બાથ ભીડી રહેલા યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કી હાલ 44 વર્ષના છે. ત્રણ વર્ષ પહેલાં એમણે દેશની સત્તા સંભાળી ત્યારે તેમની ઉંમર 41 વર્ષની હતી.

અન્ય સમાચારો પણ છે...