ELECTION રાઉન્ડ-અપ@7AM:પાટીલના નિવાસસ્થાને કેમ થયો નેતાઓનો જમાવડો?, AAPએ પોતાની હારનું ઠીકરું કયા સંપ્રદાય પર ફોડ્યું? જુઓ 6 મોટા સમાચાર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

PM પહોંચ્યા અમદાવાદ

આજે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીપદની શપથવિધિ યોજાવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલ રાતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ત્યાર બાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન ગયા. ત્યારે આજે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે, જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે, તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

પાટીલના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો

આજ રોજ ગુજરાતમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. કયા ધારાસભ્યને મંત્રીપદ મળશે એને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાતના અનેક નેતાઓ બીજેપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. સાંસદ રામ મોકરિયા પાટીલને મળવા પહોંચ્યા હતા. આ ઉપરાંત સુરતના ધારાસભ્ય કાંતિ બલર, પ્રવીણ ઘોઘારી, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ સીઆર પાટીલને મળવા પહોંચ્યા હતા.

કોંગ્રેસમાં ગાબડું પડ્યું

કોંગ્રેસને દ્વારકા જિલ્લામાં ઝટકો લાગ્યો છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કાલાવડ જિલ્લા પંચાયતના સદસ્ય કે.ડી. કરમૂરે સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું છે. ભાણવડ તાલુકાના મોટા કાલાવડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના સદસ્ય અને લોકસેવાનાં કાર્યો કરનારા કે.ડી. કરમૂરે ઓચિંતા જ રાજીનામું આપી દીધું છે. ખંભાળિયાથી વિક્રમ માડમની હાર બાદ કે.ડી. કરમૂરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.

હારનું ઠીકરું કાર્યકરોના માથે...

182 વિધાનસભાની બેઠકમાંથી ભાજપના હારેલા 26 ઉમેદવાર પૈકી બે ઉમેદવારે પોતાની હાર માટે ભાજપના જ સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું છે. કાંકરેજ બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અમરત ઠાકોર સામે 5 હજારથી વધુ મતથી હારનાર ભાજપના કીર્તિસિંહ વાઘેલાએ હારનું ઠીકરું સ્થાનિક નેતાઓ પર ફોડ્યું હતું. હવે એ જ વાતને આગળ વધારી પાટણ બેઠકથી કૉંગ્રેસના કિરીટ પટેલ સામે 17 હજાર કરતાં વધુ મતે હારનાર ડૉ. રાજુલબેન દેસાઈએ ભાજપના સ્થાનિક નેતાઓને જયચંદ ગણાવી ગંભીર આરોપ લગાવ્યા છે. રાજુલબેન દેસાઈએ પણ જાહેરમાં પક્ષના કાર્યકર્તાઓને પાર્ટી વિરુદ્ધ ગણાવ્યા છે.

પાટણમાં ભાજપનાં હારેલાં ઉમેદવાર રાજુલબેન દેસાઈએ સભા યોજી હતી. પાટણની બેઠક પર ભાજપની હાર બાદ આજે સભાનું આયોજન કર્યું હતું. સભામાં પોતાની હાર માટે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓને આડકતરી રીતે તેમણે જવાબદાર ગણાવ્યા હતા. રાજુલબેને પોતાના ભાષણમાં પૃથ્વીરાજ ચૌહાણનું ઉદાહરણ આપતાં કહ્યું, 'પૃથ્વીરાજ ચૌહાણને હરાવનાર જયચંદ હતા, ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા.'

AAPએ હારનું ઠીકરું સ્વામિનારાયણ સંપ્રદાય પર ફોડ્યું

ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ આમ આદમી પાર્ટીએ હારનું ઠીકરું સ્વામિનારાયણ સંપ્રદાય પર ફોડ્યું છે. આપના પ્રવકતા યોગેશ જાદવાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'સુરતમાં AAPના મુખ્ય ચહેરાઓનું ચૂંટણી હારવાનું કારણ BAPS, હરિધામ સોખડા, વડતાલ ગાદી સહિતની સ્વામિનારાયણ અને બીજી અન્ય ધાર્મિક સંસ્થાઓ છે. મતદાનના આગળના દિવસે તમામ સંસ્થાઓએ પોતાના આશ્રિતોને કેજરીવાલ મુસલમાન છે એટલે AAPને મત નહીં આપવો એવું જુઠ્ઠાણું ફેલાવીને મતદારોને ભરમાવ્યા હતા.'

આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યાં છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...