ELECTION રાઉન્ડ-અપ@7PM:કથીરિયા જીત્યા તો આટલી વસ્તુ ફ્રી, સુરતમાં લાગ્યા પોસ્ટર, કોંગ્રેસનો નવો દાવો, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

2 મહિનો પહેલા

ગુજરાતના 37 કેન્દ્રો પર મતગણતરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે એટલે કે 08 ડિસેમ્બરે, સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તો મતદાન કેન્દ્રો પર સીસીટીવીથી નજર પણ રાખવામાં આવશે.

આપને 20 ટકા જેટલો વોટ શેર મળવાની વાત
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે તેવી વાતનું રટણ કરતા હતા પરંતુ હવે જાણે તેમના પ્રદેશ અધ્યક્ષના સૂર બદલાઈ ગયા છે. તેઓ આવતીકાલે આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવું કહેવાને બદલે રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે ગુજરાતનો આભાર માની રહ્યા છે.

મતગણતરી પહેલાં કોંગ્રેસની બેઠક
કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક કોંગ્રેસ ભવન ખાતે રાખવામાં આવી હતી. બેઠકમાં પ્રભારી રઘુ શર્મા અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સહિત ઘાટલોડિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિક દાણીલીમડા કોંગ્રેસ ઉમેદવાર શૈલેષ પરમારે પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે. કેટલા મતની લીડ નહીં પણ દાણીલીમડા બેઠક પર કોંગ્રેસ વિજયી બને છે. એક મતથી કે 50 હજાર મતથી જીત એ જીત જ કહેવાય છે. આપ પાર્ટી બે-ચાર સીટો છોડીને ગુજરાતમાં ક્યાં ચિત્રમાં નથી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ છે. કોંગ્રેસ સરકાર બનાવે છે.

કથીરિયા જીત પહેલાં જ 'ફ્રી'
સમગ્ર રાજ્યનો રાજકીય એપી સેન્ટર સુરત રહ્યું છે. સુરતમાં પણ વરાછા બેઠક સૌથી વધુ કેન્દ્રમાં રહી છે. આવતીકાલે મતગણના થશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ, સોશિયલ મીડિયામાં અલ્પેશ કથીરિયાની જીતને લઈને અલગ અલગ કરવામાં આવેલી ઓફર ચર્ચામાં આવી છે. રાજકીય રીતે પણ આ બેઠકો પર શું પરિણામ આવશે તેના ઉપર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જેથી દુકાનદારોએ નાસ્તાથી લઈને બાઈકની સર્વિસ ફ્રી આપવાની ઓફર સોશિયલ મીડિયામાં મૂકી છે.

મતગણતરી અગાઉ MLA એક્ટિવ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા ખાતે નટવર નગરમાં ડિમોલેશન કોર્પોરેશનની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ડિમોલિશનને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતાં કુમાર કાનાણી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ તેમણે સૂચના આપી કે, ગેરકાયદેસર હોય તો પહેલાં નોટિસ આપો, તાત્કાલિક દૂર કરીને હેરાન કરવાની જરૂરિયાત નથી. કુમાર કાનાણીએ અધિકારીઓ પાસે સમય માગતાં ડિમોલિશન અટકાવી દેવામાં આવ્યું હતું.

'ઇસ વક્ત ખામોશ હું લેકિન નિશાના તય હૈ'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ જાહેર થવાનાં છે, ત્યારે ભાજપના ડભોઇના ધારાસભ્ય અને ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, ઇસ વક્ત ખામોશ હું લેકિન નિશાના તય હૈ. જેના પગલે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે, ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા અને કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા તેવા બાલકૃષ્ણ ઢોલાર વચ્ચે આ ચૂંટણીમા કાંટે કી ટક્કર જેવો માહોલ છે. તો કોંગ્રેસના સમર્થકો આખી રાત સ્ટ્રોંગ રૂમ બહાર CCTV સામે બેસી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...