ભાસ્કર ઇનડેપ્થભાજપે રાતોરાત કેમ બદલવો પડ્યો વઢવાણનો ઉમેદવાર?:ઈસુદાને ઊતર્યું પત્તું ને BJPએ કર્યો વળતો ઘા અને પલટી ગયાં ગુજરાતની 11 બેઠકનાં તમામ સમીકરણો

ગાંધીનગર3 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમ થઈ રહ્યો છે. તમામ પાર્ટીઓએ મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. રાજકારણના આ યુદ્ધમાં પાર્ટીઓ અલગ અલગ સમીકરણ મુજબ રણનીતિ બનાવી રહી છે, જેમાં ભાજપે હાલમાં એક સીટ પર લીધેલા નિર્ણયે રાજકીય પંડિતોને ચોંકાવ્યા છે. કોઈપણ દાવેદારો સામે નમતું ન જોખનાર ભાજપને બધાના આશ્ચર્યની વચ્ચે વઢવાણનો ઉમેદવાર ચેન્જ કરવો પડ્યો છે. નિષ્ણાતો આ નિર્ણય પાછળ BJPની મજબૂરી નહીં, પણ માસ્ટર સ્ટોક ગણાવી રહ્યા છે. એક નિર્ણયથી ભાજપે ગુજરાતની 11 સીટ પર સમીકરણો ફેરવી નાખ્યાં છે.

ભાજપે વઢવાણમાં પહેલાં જિજ્ઞા પંડ્યાને ઉમેદવાર જાહેર કર્યાં
સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પર ભાજપે સીટિંગ ધારાસભ્ય ધનજી પટેલને કાપ્યા હતા. તેમની જગ્યાએ જન્મે જૈન અને બ્રાહ્મણ પરિવારનાં પુત્રવધૂ જિજ્ઞાબેન પંડ્યાને ઉમેદવાર જાહેર કર્યાં હતાં. જિજ્ઞાબેન પંડ્યા વર્ષ 2007થી વઢવાણ ભાજપનાં સક્રિય કાર્યકર છે. ટિકિટ મળ્યા બાદ જિજ્ઞાબેને ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જિજ્ઞા પંડ્યાને ફોન આવ્યો અને...
વિધાનસભાનું ફોર્મ ભરવાની તૈયારી કરી રહેલાં જિજ્ઞા પંડ્યાને રવિવારના બપોરના સુમારે એકાએક પાર્ટી કાર્યાલય પરથી ફોન આવ્યો હતો. ફોન પર તેમને તાત્કાલિક ધોરણે કમલમ્ આવવાનું કહેવાતાં તેઓ તરત જ વઢવાણથી ગાંધીનગર આવવા નીકળ્યાં હતાં. સાંજે અંદાજે પાંચેક વાગ્યે તેઓ કમલમ્ પહોંચ્યાં હતાં. પાર્ટીનો આદેશ હતો એટલે તાત્કાલિક ધોરણે તેઓ વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી સાથે ગાંધીનગર આવ્યાં હતાં. થોડીવારમાં જિજ્ઞા પંડ્યાનો ચૂંટણી લડવાની અનિચ્છા હોવાનો પત્ર બહાર આવ્યો હતો. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે પાર્ટીના પ્રદેશ આગેવાનોએ મને કહ્યું એટલે મેં ચૂંટણી લડવાની ના કહી દીધી છે.

ભાજપે ઉમેદવાર બદલી જગદીશ મકવાણાને કેમ ઉતાર્યા?
જિજ્ઞા પંડ્યા સામે આમ તો કોઈ બહુ મોટો વિરોધ નહોતો છતાં બધાના આશ્ચર્યની ભાજપે જિજ્ઞા પંડ્યાનું નામ ઉડાવી દીધું અને તેમની જગ્યાએ જિલ્લા ભાજપ-પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી હતી. બરોબર ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ વઢવાણ બેઠક પર રાજકીય ડ્રામા સર્જાતાં લોકો પણ હવે વિચારી રહ્યા છે કે એવું તે અચાનક શું થયું કે ભાજપે જિજ્ઞા પંડ્યાને બદલે જગદીશ મકવાણાને ટિકિટ આપી? ભાજપમાં આખરે ચાલી શું રહ્યું છે?

ભાજપે ખેલ્યો મોટો દાવ
ટિકિટ બદલવા પાછળ સૌથી મજબૂત કારણ છે જ્ઞાતિનું સમીકરણ. જગદીશ મકવાણા સથવારા (દલવાડી સમાજ)માંથી આવે છે. તેમને ટિકિટ આપવાનો દાવ રમીને ભાજપને આશા છે કે સૌરાષ્ટ્રની 11 સીટ પર ફાયદો મળશે. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ એમ કુલ પાંચ જિલ્લાની સીટ પર ભાજપને રાજકીય લાભ મળી શકે એ માટેની રણનિતીના ભાગરૂપ ભાજપે ચાલ ચાલી છે.

ઈસુદાન ગઢવીએ ઊતર્યું પત્તું
વઢવાણમાં સથવારા સમાજના જગદીશ મકવાણાને રાતોરાત ટિકિટ આપવા પાછળ બીજું પણ એક કારણ હોઈ શકે છે. આમ આદમી પાર્ટીના CM ફેસ ઈસુદાન ગઢવીએ દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી ઝુકાવ્યું છે. આ સીટ પર કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના મુળુ બેરા પણ મેદાનમાં છે. બંને આહીર સમાજનાં છે, જેથી બંને વચ્ચે આહીર સમાજના મતમાં ભાગ પડી શકે છે. આવી સ્થિતિમાં અન્ય જ્ઞાતિને પોતાની તરફ કરવા માટે AAPએ રણનીતિ બનાવી હતી, જેમાં ખંભાળિયામાં સથવારા સમાજના 35 હજાર મતોને અંકે કરવાની AAPએ ગણતરી માંડી હતી, જેના ભાગરૂપે AAPએ ખંભાળિયાની બાજુની દ્વારકા બેઠક પર સથવારા સમાજને ટિકિટ ફાળવી છે. આમ, સથવારા સમાજને પોતાની સાથે લેવા માટે AAPએ આ દાવ ખેલ્યો હતો. બીજી તરફ, ભાજપ કે કોંગ્રેસે ગુજરાતમાં ક્યાંય સથવારા સમાજને ટિકિટ ન આપતાં તેમની સામે સથવારા સમાજમાં રોષ ફાટે એવી સ્થિતિ હતી.

ભાજપે કર્યો વળતો ઘા કર્યો
AAP અને ઈસુદાન ગઢવીની ગણતરીઓનો ભાજપને અંદાજો આવી જતાં પાર્ટીએ રાતોરાત સથવારા સમાજને પોતાની સાથે લેવાની સ્ટ્રેટેજી બનાવી હતી, જેના ભાગરૂપે જગદીશ મકવાણાને ટિકિટ આપી હતી, જેથી સમગ્ર ગુજરાતમાં વસતા સથવારા સમાજમાં એક મેસેજ જાય અને તેમના મતો પાર્ટીથી જુદા ન થાય. ભાજપ આમ તો જામનગર-દ્વારકા જિલ્લામાં જ સથવારા સમાજને સાચવી લેવાના મૂડમાં હતો, પણ ત્યાં પાટીદાર અને આહીર સમાજના પ્રભુત્વવાળી સીટો પર આવું જોખમ લેવું તેને વાજબી ન લાગ્યું હોઈ શકે. તેથી વઢવાણમાં 24 હજાર સથવારા સમાજના મતદારો છતાં ટિકિટ આપી સમીકરણો સાચવી લીધાં છે. આ ઉપરાંત વઢવાણમાં પહેલાં જાહેર થયેલા બ્રાહ્મણ ઉમેદવાર જિજ્ઞા પંડ્યાને કાપી બદલામાં ચોર્યાસીમાં અનાવિલ બ્રાહ્મણ સંદીપ દેસાઈને ટિકિટ આપી જ્ઞાતિનાં સમીકરણો જાળવી રાખ્યાં હતાં.

ઈસુદાનનું ગણિત હવે થઈ શકે છે ફેઇલ
ખંભાળિયામાં બે બળિયામાં ત્રીજો ફાવે એ રણનીતિ સાથે ઊતરેલા ઈસુદાન ગઢવીનું ગણિત ફેઈલ થઈ શકે છે, કારણ કે ભાજપે અન્ય જગ્યાએ (વઢવાણ)માં સથવારા સમાજને સાચવી લીધો છે. ખંભાળિયામાં 3 લાખ મતદારમાંથી 52 હજાર આહીર, 50 હજાર લઘુમતી, 35 હજાર સથવારા, 18 હજાર દલિત અને 14 હજાર રજપૂત મતદારો છે. હવે જોવાનું એ રહે છે કે કઈ જ્ઞાતિના મતદારો કઈ પાર્ટી તરફ વળે છે. ગઈ ચૂંટણીમાં ભાજપના કાળુ ચાવડા સામે કોંગ્રેસના વિક્રમ માડમનો 11 હજારથી વિજય થયો હતો.

સથવારા સમાજની શું છે તાકાત?
સથવારા સમાજના ગુજરાતમાં અંદાજે 5 લાખ મતદાર છે. સૌરાષ્ટ્રની 11 વિધાનસભા દ્વારકા, ખંભાળિયા, જામનગર ઉત્તર, જામનગર, કાલાવડ, જામજોધપુર, મોરબી, ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી અને ધંધૂકા બેઠક પર 20 હજારથી વધુ મતદારો છે તેમજ 17 બેઠક પર 10 હજારથી વધુ મતદારો છે.

સથવારા સમાજે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો
થોડા દિવસ પહેલાં સમસ્ત સથવારા સમાજ-જામનગરે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવા માગ કરી હતી. આ ઉપરાંત દિવાળી અગાઉ સથવારા સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને તેમના સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ટિકિટની માગણી પણ કરી હતી.

સથવારા સમાજની 11 બેઠક પર ફાયદો થશે- કાર્યકારી જિલ્લા ભાજપ-પ્રમુખ
સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર થયેલા હિતેન્દ્રસિંહ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જગદીશ મકવાણા સથવારા સમાજનું પ્રતિનિધિ કરે છે. સથવારા સમાજના ઉમેદવારને ટિકિટ મળવાથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમને કારણે આસપાસની 11 સીટને ફાયદો મળે એવી સંભાવના છે. જોકે વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને કેટલો ફાયદો થાય છે એ જોવાનું રહ્યું, પરંતુ જગદીશ મકવાણા માટે ભાજપે ખાસ કિસ્સામાં પોતાની યાદીમાં સુધારો કર્યો એની ચર્ચા ચારેતરફ થઈ રહી છે.

વઢવાણમાં ભાજપ ગઢ જાળવી શકશે?
વઢવાણ વિધાનસભા આમ તો ભાજપનો ગઢ ગણાય છે. ગઈ ચૂંટણીમાં ભાજપના ધનજી પટેલે કોંગ્રેસના મોહન પટેલને 19 હજાર મતથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે તરુણ ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ પાટીદાર હિતેષ બજરંગને ટિકિટ ફાળવી છે. જીજ્ઞા પંડ્યાની ટિકિટ કાપીને જગદીશ મકવાણાને આપવામાં આવી એનાથી વિસ્તારમાં અસંતોષ ફેલાયો હોય એવા સમાચાર આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...