ELECTION રાઉન્ડ અપ:અમિત શાહે તારીખ આપી, રાહુલને પ્લેનની ટિકિટ કઢાવવા કહ્યું, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

13 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

અમિત શાહએ 5 જિલ્લામાં સભાઓ ગજવી
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જિલ્લામાં જનસભાઓ ગજવી.નાંદોદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું .સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા પહોંચ્યા. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધી. તો અમદાવાદના નરોડામાં પણ સભાને સંબોધન કર્યુ.જેમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા, ભાજપના કામો ગણાવ્યા અને રામમંદિર તૈયાર થવાની તારીખ પણ જણાવી દીધી.તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદિર સુધી અમિત શાહે રોડ શો યોજ્યો

મોદી-શાહને શક્તિસિંહનું આમંત્રણ
ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંગ ગોહિલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે પીએમ મોદી અને અમિત શાહને ભારત જોડો યાત્રામાં જોડાવવા આમંત્રણ આપ્યુ છે.એટલું જ નહીં વર્તમાન સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે, ગુજરાત મેં બનાવ્યું તેવું ભાજપે સ્લોગન આપ્યું છે. ગુજરાત મેં બનાવ્યુંના નારા લગાવવામાં આવી રહ્યા છે એ લોકોને ખબર નથી ગુજરાતીઓની મહેનતે ગુજરાતને બનાવ્યું છે. માત્ર સ્લોગન આપવાથી ગુજરાત બની જતું નથી. તો બીજી તરફ ભાજપના ભારોસાની ભાજપ સ્લોગનને લઇને તેમણે કહ્યું કે, ચોક્કસ હું કહું છું કે, ગુજરાતના લોકોએ ભરોસો મુક્યો હતો. પરંતુ બનાવી જવા માટે નહીં. એટલે ભરોસાની ભાજપે પાડો જણ્યો.

કિરીટ પટેલના આકરા તેવર
તો પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રચારમાં લોકો સાથે વાત કરતા ફોર્મમાં આવી ગયા અને દાદાગીરી કરતા લોકોને ખુલ્લી ધમકી આપી દીધી તેમણે પ્રજાને સંબોધન કરતા કહ્યુ કે તમે શાંતિ રાખજો. તમને ઉશ્કેરવાનો પ્રયાસ થશે. તમને અંદરોઅંદર ઝઘડાવાનો પ્રયાસ થશે. કો’ક એમ હમજશે અને એ એવું કહેશે કે હું બેઠો છું. ભાજપનો છું અને સરકાર અમારી છે. કે.સી પટેલ અમારા છે. ફલાણા ભાઈ અમારા છે. એમ કહેતા હોય કે તો કે.સી પટેલને પૂછી આવજો. કે અહીં પેટ્રોલ પંપ બનાવ્યોને, એ પેટ્રોલપંપમાં 7 લાખ દંડ ભર્યો અને તોડવાનો હુકમ કર્યો છે. કોર્ટમાંથી સ્ટે લીધો છે. કે.સી પટેલનો પેટ્રોલ પંપ બચાવ્યો નથી, ને આવી ગાયોને શું બચાવી શકશે. અને તોયે હમજી લેજો. એ પોતાની જાતને દાદા સમજતા હોય અને કહેતો હોય કે આમ કરી દઈશું તેમ કરી દઈશું તો કહી દેજો. આ દુનિયામાં બે જ દાદા છે. હનુમાન દાદા અને ગણપતિ દાદા. લોકશાહીમાં કોને કોની સાથે રહેવું તે તેનો અધિકાર છે. આઠમી એ આપડું જીતનું વરઘોડું છે અને નવમી એ આપડે આ દાદાઓનો હિસાબ કરી નાખીશું.

આયુષ્યમાન કાર્ડના ઉપયોગ પર સવાલ
વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકો ફ્રી ફ્રીની વાત કરી રહ્યા છે. તેઓ પોતે પણ સરકારની સુવિધા લઈને જ ફ્રીમાં આરોગ્ય સેવા મેળવી રહ્યા છે. આપણી સામે જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની માતાના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પણ આયુષ્યમાન કાર્ડ થકી જ કરાવ્યું છે. આપનો ઉમેદવાર કહે છે ને કે સરકારે શું કર્યું છે, તો એને મારો જવાબ છે કે સરકારે તેમની માતાના ઘૂંટણ રિપ્લેસ વિનામૂલ્યે કરાવી આપ્યા છે.અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, હું જ્યારે જેલમાં હતો તે દરમિયાન મારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને મારા માતાને ઘૂંટણમાં દુઃખાવો થતો હતો, ત્યારે અમે સરકારની આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ આ રીતે કોઈકની માતાએ લીધેલી સારવારને જાહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો એ અયોગ્ય બાબત છે. તમે એમ કહેતા હોય કે, હું વરાછાનો સાવજ છું, પરંતુ આ પ્રકારની વાતો એ નામર્દને શોભે તેવી છે.

છત્તીસગઢમાં કોંગ્રેસની છે એટલે લોકો દેવામુક્ત
કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ રાજીવ શુક્લાએ અમદાવાદમાં પત્રકારોને સંબોધીને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં વ્યંગમાં તેમણે કહ્યું હતું કે, અહીંયા તો મુખ્યમંત્રી એવી રીતે બદલાય છે જેમ લોકો કપડાં બદલે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવાની નજીક હતી. આ વખતે અમે સરકાર બનાવીને પરિવર્તન લાવીશું.રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે,. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોઈ દેવું નથી. જનતા છત્તીસગઢમાં ખુશ છે. છત્તીસગઢના લોકો ગૌમૂત્ર વેચીને પૈસા કમાય છે. ગૌ મૂત્રમાં જડીબુટી મેળવી દવા બનાવે છે. ગામડાની વ્યવસ્થા છત્તીસગઢ સરકારે બદલી છે.

મનસુખ વસાવાએ કર્યા છોટુ વસાવાના વખાણ
ભરૂચ જિલ્લામાં છોટુ વસાવાના કટ્ટર રાજકીય હરિફ ગણાતા મનસુખ વસાવાના મોઢે આજે છોટુ વસાવાના વખાણ સાંભળવા મળ્યા હતા. જો કે, સાથે સાથે છોટુ વસાવાને સલાહ પણ આપી હતી. છોટુ વસાવાએ આદિવાસીઓ માટે લડત આપી હોવાનો મનસુખ વસાવાએ સ્વીકાર કર્યો હતો. પરંતુ, સાથે કહ્યું હતું કે, તેઓ છાશવાર પાર્ટીઓ બદલતા હોવાના કારણે પ્રજાનો વિકાસ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...