ELECTION રાઉન્ડ અપ:ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સને રવિન્દ્ર જાડેજાનો ફોન કેમ નથી લાગતો? ટિકિટને લઈ ભાજપમાં ભડકો, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

વિપુલ ચૌધરી AAPમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડ મામલે જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. તેમજ વિસનગર વિધાનસભા સીટ પરથી આપમાંથી ચૂંટણી લડી શકશે.

ભાજપ - કોંગ્રેસના મુખ્યાલયે શું થયું?
જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યારસુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી. તો બીજી બાજુ ભાજપમાં કેટલીક બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી. તેવામાં ભાજપ દ્વારા 16 ઉમેદવારોને ફોન કરીને જાણ કરી દેવાઈ છે, તેવામાં ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાશે તે નક્કી છે. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમ પહોંચ્યા હતા.

સુરતમાં ઓવૈસી પરત જાઓના નારા લાગ્યા
સુરતમાં 159 પૂર્વ વિધાનસભા બેઠકમાં AIMIMની સભા હતી, જેમાં અસદુદ્દીન ઓવૈસીની સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો. રૂદરપુરા ખાડી વિસ્તારમાં ઓવૈસીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમો એકત્રિત થયા હતા. જોકે આ વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાને કારણે ઓવૈસીની નજર આ બેઠક પર છે. ત્યાં જ ઔવેસીનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. AIMIMના નેતા ઓવૈસી સુરતની પૂર્વ વિધાનસભા બેઠકમાં સભાને સંબોધતા હતા. આ બેઠક પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે. આ બેઠક પર જો મુસ્લિમ કાર્ડ ચાલી જાય તો તેમને સફળતા મળે એવી પણ શક્યતા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમની સભામાં જ ભારે હોબાળો થયો હતો. મુસ્લિમ યુવકોએ નારા લગાવીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો. પરત જાઓ..પરત જાઓના નારા લાગ્યા હતા.

ભાજપ-કોંગ્રેસનો 'ભાઈચારો'
રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી. આવો જ એક માહોલ સુરતમાં જોવા મળ્યો હતો.સુરતમાં મજુરા વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે સામે આવી ગયા હતા. બીજેપીના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. ત્યારે તેઓ સામ સામે આવ્યા હતા. બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી.

'રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે'
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ત્યારે આજે 78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પણ હાજરી આપી હતી. તેણે રીવાબાને લઈને જણાવ્યું હતું કે 'રાજકીય મેચમાં રીવાબાએ હજુ ડેબ્યુ કર્યું છે, તેની રાજકીય કારકિર્દીની હજુ શરૂઆત છે, આ ફિલ્ડમાં હજુ તેને ઘણું શીખવાનું છે. હું આશા રાખુ છું કે તે બહુ પ્રગતિ કરે.'

કાંધલ જાડેજાનું NCPને અલવિદા
કુતિયાણા બેઠક પર એનસીપીના ધારાસભ્ય રહેલા કાંધલ જાડેજાએ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. આ વખતે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં કુતિયાણાને બાકાત રખાયુ છે. માત્ર નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયા એમ ત્રણ બેઠક માટે જ ગઠબંધન કરાયું છે. ત્યારે કુતિયાણાની બેઠક ન સમાવાતાં દબંગ નેતા કાંધલ જાડેજાને એનસીપીએ મેન્ડેટ આપ્યું નહોતું, જેથી નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે. ત્યારે પાર્ટીએ કુતિયાણા બેઠક પર મેન્ડેટ ન આપતાં રાજીનામું ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કાંધલ પાર્ટીલાઈનથી અલગ થઈને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...