ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. તમામ 89 બેઠક પર ઉમેદવારોએ હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચારની છેલ્લી ઘડીઓમાં પણ રાજકીય ગરમાગરમી યથાવત્ રહી. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યૂઝ બુલેટિન. જેમાં દિવસભરની તમામ મહત્ત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો
હવે ખડગેએ PM મોદીને રાવણ કહ્યા
પ્રચારના અંતિમ દિવસે પણ ગરમાગરમીનો માહોલ યથાવત્ રહ્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિવેદન આપ્યું છે. સોમવારે અમદાવાદમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેશનની ચૂંટણીમાં તમારું મોઢું જોયું. શું મોદી પાસે રાવણની જેમ 100 મોઢાં છે? મને સમજાતું નથી. રવિવારે સુરતમાં એક જાહેરસભા દરમિયાન ખડગેએ પોતાને અસ્પૃશ્ય અને વડાપ્રધાન મોદીને જુઠ્ઠાણાંના સરદાર જણાવ્યા હતા.
'આ માત્ર PMનું જ નહીં, ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન'
આ મામલે સંબિત પાત્રાએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. સૌ પ્રથમ કોંગ્રેસના ચીફ હતા ત્યારે સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. છેવટે આ લોકોને શું મળે છે? કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસ તેની માનસિકતાને દર્શાવે છે. આ માત્ર મોદીજીનું જ નહીં, પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન છે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, સોનિયા અને રાહુલનું પણ નિવેદન છે.
આર્ટિકલ 370 લઈ શાહના આકરા પ્રહાર
તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડાના ઠાસરામાં પ્રચાર માટે પહોંચ્યા. જ્યાં તેમણે સભા સંબોધી ભાજપનાં કામો ગણાવ્યાં, સાથે જ આર્ટિંકલ 370ને લઈ તમામ પક્ષો પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, 'જ્યારે હું સંસદમાં બિલ લઈને ઊભો હતો ત્યારે તમામ પક્ષોના આગેવાનો કાંઉ, કાંઉ, કરી રહ્યા હતા, મેં પૂછ્યું તો કહે કે આવું કરશો તો કશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, અરે રાહુલ બાબા આજે આ વાતને 3 વર્ષ થઈ ગયાં લોહીની નદીઓ તો છોડો કોઈની પથ્થર ઉપાડવાની પણ હિંમત નથી થઈ.
'દેશમાંથી ભાજપને દૂર કરવો હોય તો ગુજરાતમાં હરાવો'
ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનના પ્રચારના અંતિમ દિવસે સોમનાથ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાના સમર્થનમાં રાષ્ટ્રીય સ્તર ઉપર વિવાદોના ઘેરામાં રહેતા કોંગી નેતા કનૈયા કુમાર, હિન્દી ફિલ્મ અભિનેતા રાહુલ દેવ તથા સાહિત્યકાર હકુભાએ સભા ગજવી હતી. આ તકે કનૈયા કુમારે ભાજપ પર મોરબીની ઘટનાને લઈને આકાર પ્રહારો કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેનનુુુુુુુું યુદ્ધ રોકવામાં વ્યસ્ત હોવાથી મોરબીના ગફલતબાજોને પકડી શક્યા ના હતા. ત્યારે કોઈપણ સમસ્યાનું નિરાકરણ તેના ઉદભવ સ્થાનમાં જ હોય છે એ રીતે જો ભાજપને સમગ્ર દેશમાંથી દૂર કરવો હશે તો ગુજરાતમાં ભાજપને હરાવવું જરૂરી છે. જ્યારે આપના સ્થાનિક ઉમેદવાર પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
મધુ શ્રીવાસ્તવ તો ફરી બગડ્યા
વડોદરા પાસે આવેલા જરોદ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર આંગળી દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.
દાવપેચ ભૂલી ચાની ચૂસકી
અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, ત્યારે અચાનક ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને લઘુબંધુ શરદ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશતાં ઘડીભર માટે સન્નાટો કાર્યાલયમાં છવાઈ ગયો હતો. સૌ પ્રથમ ધાનાણી પુરુષોત્તમ રૂપાલાને પગે લાગી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ભાજપના કાર્યાલયમાં રહેલા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરોને અને મને આશીર્વાદ આપે. પરેશ ધાનાણીએ મોડી રાત્રે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપ કર્યા હતા. જોકે વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચી દાવપેચ ભૂલી ચાની ચૂસકી માણતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
‘PAAS’ માટે હાર્દિક નાપાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર પાટીદાર અનામતનો મુદ્દો ઊભો થયો છે. આજે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં જે આંદોલન શરૂ થયું હતું એમાં મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતા. પાટીદાર સમાજની મુખ્ય માગણી OBCની હતી, એની જગ્યાએ EBCની લોલીપોપ પકડાવીને પોતે 10 ટકા EBC અપાવ્યું હોવાની વાત કરે છે એ ખોટી છે. આજે હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે એવા આક્ષેપ PAAS દ્વારા કરવામાં આવ્યા છે. હવે પાટીદાર સમાજ હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો હાર્દિક પટેલનો વિરોધ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.