ગુજરાતની નવી સરકારમાં ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીએ શપથ લીધા છે, જેમાં 8 કેબિનેટ મંત્રી, 2 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાનાં મંત્રી અને 6 રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ થાય છે.
ગુજરાતની ચૂંટણીમાં 156 બેઠક સાથે બમ્પર જીત છતાં 17ને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. 33 પૈકી માત્ર 12 જિલ્લાને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
કેબિનેટ કક્ષા, સ્વતંત્ર હવાલો ધરાવતા અને રાજ્યકક્ષાનાં મંત્રી વચ્ચેનો તફાવત
કેબિનેટ મંત્રી
કેબિનેટ કક્ષાના મંત્રીઓ મંત્રીમંડળમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમની પાસે મુખ્યત્વે એક કરતાં વધુ મંત્રાલય હોય છે. સરકારના તમામ નિર્ણયોમાં કેબિનેટના મંત્રીઓ સામેલ હોય છે. સામાન્ય રીતે દરેક સપ્તાહે કેબિનેટની બેઠક મળે છે. સરકારનો કોઈપણ નિર્ણય કે કોઈ અધ્યાદેશ, નવો કાયદો, કાયદા સંશોધન વગેરે બાબતો કેબિનેટની બેઠકમાં જ નક્કી થાય છે.
રાજ્યકક્ષા મંત્રી (સ્વતંત્ર હવાલો)
મંત્રી પરિષદનો જે ભાગ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓની પાસે હોય છે, તેઓ ફાળે આવેલાં મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જોકે દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠકમાં તેઓ સામેલ થતા નથી. કેબિનેટ તેમને તેમના મંત્રાલય કે વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો વખતે ખાસ પ્રસંગે બોલાવી શકે છે.
રાજ્યકક્ષાના મંત્રી
રાજ્યમંત્રીઓ કેબિનેટ મિનિસ્ટરની અંડરમાં કામ કરે છે. એક કેબિનેટ મંત્રીની અંડરમાં એકથી વધુ રાજ્યમંત્રી પણ હોય છે. આ ઉપરાંત એક મંત્રાલયની અંદર અનેક વિભાગો હોય છે, જે રાજ્ય મંત્રીઓની વચ્ચે વહેંચવામાં આવે છે, જેથી તેઓ કેબિનેટ મંત્રીને મંત્રાલય ચલાવવામાં મદદ કરી શકે.
મંત્રીમંડળની સંખ્યા અંગેના નિયમો
કોઈપણ રાજ્યમાં વિધાનસભા સીટની કુલ સંખ્યાનાં 15% સંખ્યા જેટલા જ મંત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાતની 182 બેઠક પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીનો સમાવેશ થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે ગુજરાતનું સૌથી મોટું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં જ હતું, જેમાં 25 મંત્રી સામેલ હતા.
જોકે ભૂપેન્દ્ર પટેલ સરકારનું 17 સભ્ય ધરાવતું નવું મંત્રીમંડળ જોતાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આવનારા સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે, જેમાં 6થી 10 સભ્યોનો ઉમેરો થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.