ભાજપનાં સંકલ્પ પત્રમાં વાયદાઓની લ્હાણી
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે. આજે કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે શનિવારે સવારે પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે નડ્ડાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડનો વધારે લોકો સુધી લાભ પહોંચે એ માટે આવક મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરાશે. તો રાજ્યમાં આઈઆઈટીના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરવાનો વાયદો કર્યો હતો.
કોંગ્રેસે ભાજપના સંકલ્પપત્રને 'રેવડી'પત્ર ગણાવ્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ભાજપના સંકલ્પ પર પ્રહાર કરીને જણાવ્યું હતું કે ભાજપે એક ધોખા પત્ર બહાર પાડ્યો છે, જૂઠપત્ર છે. ભાજપે રેવડીપત્ર બહાર પાડ્યો છે, બીજા પક્ષો જાહેર કરે તો રેવડી તો તમે શું જાહેરાત કરી? 10 હજાર કરોડ લેણાંથી 4 લાખ કરોડ લેણાંમાં ભાજપે દેશને ઉતાર્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીની જાહેરાત કરી હતી, હજુ પણ જોવા મળતી નથી. 50 ટકા જાહેરાત તો જૂની જ છે, ફક્ત શબ્દો બદલાવી નાખ્યા છે. નશાખોરી, ભ્રષ્ટાચાર, આરોપીઓ સામે કાર્યવાહીની કોઈ જ વાત કરી નથી. મોંઘવારીનો 'મ' પણ જાહેરાતમાં નથી.
'દિલ્હીથી આપનો નમૂનો આવ્યો છે'
સોમનાથ સાનિધ્યે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે સભા યોજાઈ હતી. જેમાં તેઓએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. આકરા પ્રહારો કરતા યોગીએ જણાવ્યું કે, દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે, શું તેને મત આપીને કલંકિત કરાય? તેમજ કોંગ્રેસને લઈ કહ્યું કે, કોંગ્રેસે મુસ્લિમોના મતો માટે ક્યારે હિન્દુઓને સન્માન આપ્યું નથી અને હમેંશા હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યુ છે.
જે.વી. કાકડિયાએ ચાલતી પકડી
ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો છે. ઉમેદવારો પણ પોતાના મતવિસ્તારમાં સતત પ્રવાસ કરીને જનસંપર્ક કાર્યક્રમો કરી રહ્યા છે. જોકે કેટલીક જગ્યાએ ઉમેદવારોને લોકોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાની ધારી-બગસરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાનો બે ગામમાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, જેથી મત માગવા આવેલા ભાજપના ઉમેદવાર જનતાની માગો સાંભળી સભા છોડી ચાલ્યા ગયા હતા.
મારા નામથી જ કામ થઇ જાય
બે દિવસ અગાઉ જ શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, 'મારા કાર્યકર્તાઓને કોઇ રંજાડશે તો એ મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો.' ત્યારે આજે ચૌધરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ દબંગાઇથી કહે છે કે, 'ક્યાંય પણ તમારી ગાડી કોઇ રોકે તો કહેજો થરાદથી આવું છું, શંકરભાઈને ત્યાંથી આવું છું. એટલે પેલો સેલ્યુટ મારીને કહેશે સારુ જવાદો... ખાલી મારો ફોટો સ્ટેટસમાં હશે તો પણ કોઇ પોલીસવાળો તમને નહીં રોકે...'
ચૂંટણી સમયે જ બાબા સાહેબ યાદ આવ્યાં!
રાજકોટમાં આજે ભાજપના ઉમેદવારો અને નેતાઓ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવા આવ્યા હતા. પરંતુ દલિત સમાજના લોકોનો પણ એ જ સમયે ફૂલહાર કરવાનો કાર્યક્રમ હતો. આથી દલિત સમાજે ભાજપના નેતાઓનો વિરોધ કર્યો હતો. દલિત સમાજના એક વડીલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વજુભાઈ વાળાએ દલિત સમાજની લાગણી દુભાઇ એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી સમયે જ નેતાઓને બાબા સાહેબ યાદ આવે છે બાકી કોઈ આવતું નથી. દલિત સમાજના લોકોએ કહ્યું હતું કે, બહુ ભક્તિ કરી ભાઈ, હવે વારો આવવા દ્યો. જો કે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ દલિત સમાજના લોકોનો સામનો કરવો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.