ભાસ્કર એક્સક્લૂસિવસામાન્ય આદિવાસી ખેડૂતના દીકરાએ બધાની ઊંઘ ઉડાડી:કોણ છે છોટુ વસાવાની વિરાસતને પડકારનાર ચૈતર વસાવા? જેની એક રેલીએ ભાજપ-કોંગ્રેસનાં હાજાં ગગડાવી દીધા

ડેડિયાપાડા6 મહિનો પહેલાલેખક: હર્ષ પટેલ
  • કૉપી લિંક

ગુજરાતના રાજકારણમાં એક વિચારતા કરી મૂકે એવી ઘટનાએ આકાર લીધો છે. એક સમયે જેનો ડંકો વાગતો હતો એ 'દાદા' નામથી પ્રખ્યાત છોટુભાઈ વસાવાના ગઢના કાંગરા ખરવા લાગ્યા છે. એક 34 વર્ષના આદિવાસી યુવાને બીટીપીની વિરાસતને પડકાર ફેંક્યો છે. હાલમાં આ યુવાનની રેલીની ભીડ અને માહોલ જોઈને બીટીપી તો ઠીક ભાજપ-કોંગ્રેસનાં હાજાં પણ ગગડી ગયાં છે. વાત થઈ રહી છે દેડિયાપાડાના ચૈતર વસાવાની.

ચૈતર વસાવાએ ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં જંગી રેલી કાઢી શક્તિપ્રદર્શન કર્યું હતું.
ચૈતર વસાવાએ ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં જંગી રેલી કાઢી શક્તિપ્રદર્શન કર્યું હતું.

સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારનો દીકરો ચૈતર વસાવા ડેડિયાપાડાથી ચૂંટણી મેદાનમાં ઊતર્યો છે. નળિયાવાળું સામાન્ય ઘર, લાદીના બદલે માટીનું લીપણ કરીને રહેતા ચૈતર વસાવાની આજકાલ ચારેબાજુ ચર્ચા છે. દિવ્ય ભાસ્કરની ટીમે ચૈતર વસાવાના બોગજ ગામે તેના ઘરે જઈને તેની સાથે વાત કરી હતી, જેમાં તેણે ગુજરાતના રાજકારણનાં અનેક સિક્રેટ ખોલ્યાં હતાં.

ચૈતર વસાવા નળિયાવાળા મકાનમાં સંયુક્ત પરિવારમાં સાથે રહે છે.
ચૈતર વસાવા નળિયાવાળા મકાનમાં સંયુક્ત પરિવારમાં સાથે રહે છે.

પોતાના જીવનની સૌથી અજાણી વાત કઈ જે દુનિયાને નથી ખબર?
આ સવાલનો જવાબ આપતાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે મારા પર એક કેસમાં સરકારે ગુંડા એક્ટ લગાવ્યો હતો. હું સાત-સાત દિવસ જંગલમાં રખડતો હતો. એલસીબી અને એસઓજી મને શોધતી હતી. પોલીસ મારી પાછળ હતી અને હું જંગલમાં ભાગતો હતો. હું નાની સિંગલોટી ગામથી બેબાર ગામ સુધી દોડ્યો હતો. ચોમાસાનો સમય હતો અને હું એ રીતે 8-10 કિલોમીટર દોડેલો. મારા પગમાં પણ ફ્રેક્ચર થઈ ગયું હતું. પોલીસના 2-3 લોકો પણ ખાડીમાં પડ્યા હતા અને તેમના પણ હાથ ભાંગી ગયા હતા. એ વખતે ઉપરથી ઓર્ડર થયેલો કે ચૈતરને ગમે તેમ કરીને ખલાસ કરી નાખો અને મારી આ વાતની આજ દિવસ સુધી મારા ઘર સિવાય કોઈ દુનિયાને નથી ખબર.

સામાન્ય પરિવારમાંથી આવે છે ચૈતર વસાવા
અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. હું 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છું. મારી પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે. અમે આજે પણ સામાન્ય સ્થિતિમાં જ જીવીએ છીએ. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું ત્યારે આ વિસ્તારમાં દિવાળી જેવો માહોલ હતો. મેં પણ પહેલીવાર ઉમેદવારી કરી છે તો મને પણ અંદરથી એક અદભુત રોમાન્ચનો અનુભવ થઈ રહ્યો છે.

ચૈતર વસાવાના ઘરમાં લાદી નહીં, પણ માટીનું લીપણ છે.
ચૈતર વસાવાના ઘરમાં લાદી નહીં, પણ માટીનું લીપણ છે.

શું કરે છે ચૈતર વસાવાનો પરિવાર
મારા દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં મારા પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. મારે પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે. દાદા સહિતનો આખો પરિવાર સાથે રહીએ છીએ. બધાનાં બાળકો ભણે છે. ખેતી ઉપરાંત અમે લેબર કોન્ટ્રેક્ટનાં નાનાં કામો પણ કરીએ છીએ. હું ઘરે વહેલો આવી જાઉં તો દાદા સાથે જમવા બેસું છું. ત્યારે મને મારા દાદા કહે છે કે દીકરા, ચિંતા ન કરતો. વાંધો નહીં આવે. આ થોડાક દિવસ છે, મહેનત કરી લેજે, ચોક્કસ પરિણામ મળવાનું છે. ચૈતર આગળ જણાવે છે કે મારા પિતા-દાદા ખેતી કરતા હતા, ક્યારેય રાજકારણમાં નહોતા, પણ હું રાજકારણમાં આવ્યો છું તો તેમને પણ એક ઉત્સાહ છે અને ઉમંગ છે કે આપણા ઘરમાંથી પણ એક લોકનાયક અને લોકસેવક આગળ આવી રહ્યો છે. માતા અને પત્નીના યોગદાન અંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પત્ની શંકુતલા, માતા રમણીબેનનો મારો ઉત્સાહ વધારવામાં ખૂબ ફાળો છે. પત્ની સવારે 9 વાગ્યે રસોઈ બનાવીને પ્રચારમાં નીકળી જાય છે અને રાત્રે 10 વાગ્યે ઘરે આવીને ફરી રસોઈ બનાવે છે. અમે બધાં ખભેખભો મિલાવીને કામ કરીએ છીએ.

બીટીપી આવનારા સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં મર્જ થઈ જશે
બીટીપીની પોલ ખોલતાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે બીટીપીમાં મહેશભાઈ વસાવા અને તેમના સાળા પરેશભાઈ વસાવાનું જ ચાલે છે. તેમણે પોતાના પિતા છોટુભાઈ વસાવાની પણ ટિકિટ કાપી લીધી છે તેમજ બીટીપી આવનારા સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં મર્જ થઈ જશે. આ ચૂંટણીમાં બીટીપીના બધા ઉમેદવારોનો ભલે મેન્ડટ આપ્યો હોય પણ સૂચના આપશે કે તમારે ભાજપ સાથે અનુકૂળ આવે તો ભાજપ અને કોંગ્રેસ અનુકૂળ આવે તો કોંગ્રેસમાં ભળી જાઓ. દાહોદ-લીમખેડામાં બીટીપીના ઉમેદવાર અને કાર્યકરો ભાજપમાં ભળી પણ ગયા છે. આવનારા સમયમાં ડેડિયાપાડામાં પણ બીટીપી ભાજપ કે કોંગ્રેસને ટેકો આપી દેશે.

માતા-પિતા સાથે ચૈતર વસાવાની ફાઈલ તસવીર.
માતા-પિતા સાથે ચૈતર વસાવાની ફાઈલ તસવીર.

આમ આદમી પાર્ટીનું બીટીપી સાથે જોડાણ કેમ તૂટ્યું?
ચૈતર વસાવાએ કહ્યું, બીટીપીનું આમ આદમી પાર્ટી સાથે જોડાણ એટલા માટે તૂટી ગયું, કારણ કે બીટીપીએ 40 બેઠકની માગણી કરી હતી, પણ બીટીપીનું એટલું સંગઠન નહોતું, એટલે આમ આદમી પાર્ટીએ સામે ચાલીને ગઠબંધન તોડી નાખ્યું હતું. એટલે અમે બધા નારાજ થઈ ગયા, કેમ કે આમ આદમી પાર્ટીએ અમારી હાજરીમાં ગઠબંધન કરેલું અને તેણે જ અમારી બધી ગેરંટી સ્વીકારી હતી, જેનો લોકોમાં પ્રભાવ પડ્યો હતો અને અચાનક બીટીપીએ ગઠબંધન તોડતાં અમે બધા આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા હતા.

છોટુભાઈ અને મહેશભાઈ કોઈને વિશ્વાસમાં નથી લેતા
બીટીપીનું ભાજપ અને કોંગ્રેસ સાથે સેટિંગ હોય છે. બીટીપીએ રાજ્યસભા ચૂંટણીમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપને મત આપ્યા છે. છોટુભાઈ અને મહેશભાઈ બંધબારણે ગઠબંધન કરી લે છે. કોઈને જાણ કરતા નથી કે વિશ્વાસમાં લેતા નથી. એટલા માટે અમારા જેવા ઘણા શિક્ષિત લોકો આજે બીટીપી છોડીને નીકળી ગયા છે. રાજસ્થાન હોય કે ગુજરાત, આજે બીટીપી ઝીરો થઈ ગઈ છે.

ચૈતર વસાવાનો પરિવાર ખેતી તેમજ લેબરકામ કરે છે.
ચૈતર વસાવાનો પરિવાર ખેતી તેમજ લેબરકામ કરે છે.

તમારે જે કરવું હોય એ કરો, દેડિયાપાડાથી ટિકિટ નહીં મળે
અમે તો એક મહિનાથી છોટુભાઈને ત્યાં જઈને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ડેડિયાપાડાથી કોઈ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરો. એક મહિના સુધી વાતચીત બાદ તેમણે અમને કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો, અહીંથી અમારું જે ડિસિઝન હશે એ ફાઈનલ હશે. એટલે અમે જ્યારે રાજીનામાં આપ્યા ત્યારે કોઈએ અમારો સંપર્ક નહોતો કર્યો. પછી અમે આપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ આદિવાસી સમાજની બધી ગેરંટી સ્વીકારી છે અને આપે અહીં સર્વે કરાવીને મારા પર પસંદગી ઉતારી છે એટલે હું ઉમેદવાર છું.

મહેશ વસાવાએ ડેડિયાપાડામાંથી ફોર્મ કેમ ન ભર્યું?
સવાલનો જવાબ આપતાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે ગઈ વખતે ચૂંટણી જીત્યા બાદ આ વિસ્તારમાં મહેશભાઈ વસાવાએ નકશા બનાવીને આપ્યા હતા કે અમે નહેરની વ્યવસ્થા કરીશું, શિક્ષણ અને આરોગ્યની સારી વ્યવસ્થા કરીશું. પણ લોકોએ ક્યારેય મહેશભાઈ વસાવાને વિધાનસભામાં આ વિસ્તારના પ્રશ્નો ઉઠાવતા નથી જોયા. લોકો નારાજ હતા અને આ વિસ્તારના સુખે-દુઃખે હાજરી પણ આપતા નહોતા, એટલે લોકો તેમનાથી નારાજ હતા. એટલે લોકોએ કોઈ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી હતી. અહીંનો માહોલ જોઈને મહેશભાઈ વસાવાએ મદાન છોડી દીધું હતું.

ચૈતર વસાવાએ ડેડિયાપાડા સીટ પરથી 51 હજાર મતથી વિજેતા થવાની આશા વ્યક્ત કરી હતી.
ચૈતર વસાવાએ ડેડિયાપાડા સીટ પરથી 51 હજાર મતથી વિજેતા થવાની આશા વ્યક્ત કરી હતી.

અંતે, મહેશ વસાવાએ હાર સ્વીકારી હથિયાર હેઠાં મૂક્યા
મહેશભાઈએ ઝઘડિયા બેઠક પરથી વાજતેગાજતે ફોર્મ તો ભરી દીધું, પણ આખો આદિવાસી સમાજ તેમનાથી નારાજ હતો. આખો સમાજ તેમને ધિક્કારતો હતો કે મહેશભાઈ વસાવાએ પોતાના પિતાને પણ નથી છોડ્યા તો સમાજનું શું કરશે, એટલે તેમણે હાર સ્વીકારીને હથિયાર હેઠાં મૂકી દીધા. આ ઉપરાંત જો આ વખતે મહેશભા ઈડેડિયાપાડાના ઉમેદવાર હોત તો તેમના માટે મત માગવા જવા અમારા માટે પણ તકલીફ હતી, પણ તેમણે ટિકિટ માટે જીદ પકડી હતી, પણ ડેડિયાપાડાના લોકોએ ઉમેદવાર બદલાની માગ કરી હતી, જે તેમણે સ્વીકારી નહોતી.

છોટુભાઈ વસાવા તેમના કુટુંબને સંભાળી ન શક્યા
છોટુભાઈ વસાવા એક સારામાં સારા આદિવાસીઓના લીડર છે. તેમની પ્રેરણાથી અમને ઘણું શીખવા મળ્યું છે. ખૂબ દીર્ઘદૃષ્ટા છે, પણ તેમના પરિવાર કે કુટુંબને તો સંભાળી નથી શક્યા. ઘર-ઘરમાં જ ભાઈઓ-ભાઈઓ વચ્ચે ઘમાસાણ ચાલે છે ત્યારે અમને પણ દુઃખ થયું છે. છોટુભાઈ તેમનું ઘર નથી સંભાળી શક્યા એ તેમની નબળાઈ છે.

ચૈતર વસાવાનું બોગજ ગામે આવેલું મકાન.
ચૈતર વસાવાનું બોગજ ગામે આવેલું મકાન.

રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
હું ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને ભણ્યો છું. પછી બીઆરએસ ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ત્યાર બાદ થોડો સમય ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. હું નોકરી કરતો હતો ત્યારે મારી સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી, જ્યાં લોકો માટે મફત સેવા કરતો હતો. લોકો અમારી પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે. તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે, પણ મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યો.

ગામના લોકોએ 500-500 રૂપિયાની મદદ કરી
નોકરી છોડ્યા પછી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. લોકોના પ્રશ્નો ઉઠાવતી વખતે જેલમાં જવું પડ્યું ત્યારે સ્થિતિ વિકટ બની હતી. ત્રણ મહિના રાજકોટ જેલમાં અને સાત મહિના તડીપારમાં બહાર રહેવાનું થયું. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, પણ મારા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ સાથ-સહકાર આપ્યો હતો. જેમનાથી બને એ રીતે 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મદદ કરતા હતા. એનાથી મારું મનોબળ મજબૂત થયું હતું અને તમામ ખોટા કેસોમાંથી નિર્દોષ છૂટીને બહાર આવ્યો છું.

પોતાના ખેતરમાં પત્ની સાથે ચૈતર વસાવા.
પોતાના ખેતરમાં પત્ની સાથે ચૈતર વસાવા.

રાજકોટની જેલમાં લાગ્યું કે મારું મગજ...
મને ગમે ત્યારે અહીંથી ઉઠાવીને જેલમાં નાખવામાં આવતો હતો. મને સૌથી ખરાબ અનુભવ રાજકોટ જેલનો થયો હતો. જેલની કોટડીમાં રહેવાનું થયું તો સૌપ્રથમ તો લાગતું કે આ ચાર દીવાલની વચ્ચે મારું મગજ બંધ થઈ જશે, પણ મેં મારું મનોબળ મજબૂત રાખ્યું. જેલમાં જ બાબાસાહેબ અને મુંડાનાં પુસ્તકો વાંચ્યાં, સાથે સાથે કાર્લ માર્કસ, લેનિન જેવા મહાપુરુષ અંગે પણ ઘણો અભ્યાસ કર્યો. ત્યાર પછી હું જેલમાંથી બહાર આવ્યો તો અલગ પ્રકારના વ્યક્તિત્વ સાથે બહાર આવ્યો હતો. બીજા જ દિવસથી મેં ફરી લડત શરૂ કરી અને લોકોને પણ લાગ્યું કે આ માણસ પાછીપાની કરશે નહીં અને લોકોએ પણ મને ખૂબ સાથસહકાર આપ્યો.

એ મારી જિંદગીની અમૂલ્ય ક્ષણ હતી
જિલ્લા પંચાયતમાં જીત્યો એ જ મારા માટે મારી જિંદગીની અમૂલ્ય ક્ષણ હતી, કેમ કે આ વિસ્તારના મારી ઉંમરના કોઈ યુવાનને એક તક નહોતી મળી. આ વિસ્તારના 60-70 વર્ષના વૃદ્ધો જ ચૂંટણી લડતા હતા. જ્યારે નાની ઉંમરમાં મારી પત્ની ચૂંટણીમાં ઊભી રહી ત્યારે લોકો હાંસી ઉડાવતા હતા કે આ લોકો રાજકારણમાં શું કરવાનાં છે, પણ મારા યુવા મિત્રોની મહેનત અને માઈક્રો પ્લાનિંગને કારણે અમારો વિજય થયો હતો. જ્યારે જીતીને આવ્યા ત્યારે ગામડે ગામડે અમારું જે સ્વાગત થયું, આરતી ઉતારી એ ક્ષણ ક્યારેય ભુલાય એમ નથી.

બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા સાથે ચૈતર વસાવાની ફાઈલ તસવીર.
બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા સાથે ચૈતર વસાવાની ફાઈલ તસવીર.

લીડરના ગુણો ક્યાંથી આવ્યા?
આશ્રમ ખાતે ભણતો હતો ત્યારે પણ મારામાં એક લીડરની છબિ હતી. એટલે અમારા અને આજુબાજુના છોકરાઓમાં હું એક લીડર હતો, એટલે તેમને રોજ સવારે વહેલા ઉઠાડીને વાંચવા અને દોડવા લઈ જતો હતો. આ ઉપરાંત અમારા વિસ્તારમાં શેરડી નવી હતી. શેરડી વાવીને પકવતા અને પછી એના ભારા બાંધીને હોસ્ટેલમાં લઈ આવતા અને છોકરાઓને ખવડાવતો હતો. વડીલોનું માન-સન્માન અને શિસ્તના પાઠ અહીં હોસ્ટેલમાંથી હું શીખ્યો હતો.

અધિકારીઓ સાથે અનેક વખત ઘર્ષણ કરી ચૂક્યા છે ચૈતર વસાવા
વર્ષ 2015માં મારી પત્ની શકુંતલાબેન પહેલીવાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યાં હતાં અને ભારે બહુમતીથી જીત્યાં હતાં. પછી અમે આ વિસ્તારમાં બહુ કામો કર્યાં છે. લોકોનાં સુખેદુખે સાથે રહ્યાં છીએ. કોઈનો રાત્રે 12 વાગ્યે ફોન આવે તો પણ અમે અહીંથી ગાડી કાઢીને ઊભા કરીએ છીએ. આ વિસ્તારમાં ઘણી યોજનાઓ છે જેની લોકોને ખબર જ નહોતી એના લાભો અપાવ્યા છે. આ ઉપરાંત લોકોનાં કામો થતાં નહોતા તો અમારે પોલીસ, જંગલખાતા કે જીઈબીના અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થયું છે. મારા પર જેટલા પણ કેસો થયા છે એ કોઈ વ્યક્તિગત નથી, લોકોનો અવાજ ઉઠાવવા જઈએ છીએ ત્યાં અમારા પર ખોટી રીતે કેસો કરવામાં આવે છે.

નિરાંતની પળોમાં શું કરે છે?
જ્યારે પણ હું રાજકારણમાંથી ફ્રી હોઉં છું ત્યારે હું પરિવારને ખેતીવાડમાં મદદરૂપ થાઉં છું. સાથે મને ગામડામાં ફરવાનું કે ભજન હોય તો ત્યાં બેસવા જાઉં છું. શિયાળો હોય તો સાંજે મિત્રો સાથે વોલિબોલ રમું છું.

ઘર કેવી રીતે ચાલે છે?
ખેતી છે તેમાંથી ઘરનાં ચોખા-દાળ થાય છે. આ સિવાય એગ્રીકલ્ચર સેન્ટર છે. આ ઉપરાંત ચૈતરભાઈ વસાવા નામનું લેબર કોન્ટ્રાક્ટિંગનું કામ ચાલે છે. એમાંથી જે પણ કંઈ મળે તેનાથી અમારું જીવન ધોરણ ચાલે છે.

કોણ સામે છે તેની ચિંતા કર્યા વગર લડો
જેમણે પણ રાજકારણમાં આવવું છે, લોકસેવા કરવી છે, તેમણે સામે કોણ છે તેની ચિંતા કર્યા વગર લડવું જોઈએ. આજની રાજનીતિમાં કોઈ પૈસા નથી જોતું, તેમજ બાપ-દાદા રાજકરણી હોવા જ જોઈએ એવું પણ નથી. આજે જે પણ લોકોનું કામ કરશે તેને પ્રજા ચૂંટી લાવશે. હું યુવાઓને પણ મેસેજ આપવા માંગું છું કે તમે સક્ષમ છો, સામાન્ય ગરીબ લોકોનો અવાજ બનવા માંગો છો તો ચોક્કસ તમે બહાર આવો. લોકો તમને ચોક્કસ નેતા તરીકે સ્વીકારશે.

આખા ગુજરાતમાં 14મા નંબર પાસ થયા
હું 1થી 4 ધોરણ બોગજ પ્રાથમિક શાળામાં ભણ્યો છું, ત્યાર પછી 5થી 7 અહીંથી બે કિલોમિટર કોલીવાડા ગામમાં સ્કૂલ છે ત્યાં અપડાઉન કરીને ભણ્યો છું. ત્યાર બાદ 8થી 10 ડેડિયાપાડા આદર્શ નિવાસી શાળામાં હોસ્ટેલ જીવન સાથે કર્યું છે. ત્યાર બાદ 11-12 એકલવ્ય ઉત્તર બુનિયાદી સ્કૂલમાં પૂરું કર્યું છે. ધોરણ-12માં હું પહેલા નંબરે આવ્યો હતો અને આજે પણ ત્યાં મારું બોર્ડ પર નામ છે. ત્યાર પછી બેચરલ ઓફ રૂરલ સ્ટડીઝ (બીઆરએસ) મેં ડિસ્ટક્શન સાથે કમ્પલિટ કર્યું છે. કોલેજ પછી હું પૂનાની કંપનીમાં 6 મહિના ટ્રેનિંગ લેવા ગયો હતો. ટ્રેનિંગ પછી બે-ત્રણ એનજીઓમાં પણ કર્યું હતું. ત્યાર પછી ગ્રામસેવકની ભરતી આવી અને મેં પરીક્ષા આપી. જેમાં આખા ગુજરાતમાં હું 14મા નંબરે ઉત્તીર્ણ થયો હતો. ત્યાર પછી મેં ઉંમરપાડા તાલુકામાં 4.5 વર્ષ સુધી નોકરી કરી હતી.

ભાઈઓ સાથે ચૈતર વસાવાની બાળપણની તસવીર.
ભાઈઓ સાથે ચૈતર વસાવાની બાળપણની તસવીર.

કેવી રીતે નામના મેળવી?
આ વિસ્તારના આદિવાસીઓના ઇતિહાસ અંગે કોઈને ખબર નહોતી એ અંગે બધાને જાગ્રત કર્યા છે. અમારા સમાજના બીરસા મુંડા, તાત્યા ભીલ, તેમને કોઈ ઓળખતું નહોતું. તેમના ઈતિહાસની આખી જાણકારી આપી સાથે આ વિસ્તારમાં આદિવાસી દિવસ ગૌરવ દિવસ બાબતે જાગ્રત કર્યા છે. નર્મદાનું પાણી પણ આ વિસ્તારમાં મળે એ બાબતે પણ ઘણી લડાઈ ચલાવી છે. ઈકો સેન્સિટિવ ઝોન જેવા પ્રોજેક્ટના કારણે લોકોને સ્થાળાંતરિત થવાનું આવ્યું એ અંગે પણ ઘણી લડત ચલાવી છે. સરકાર સામે લડતોને કારણે મને ઘણીવાર જેલોમાં પણ જવું પડ્યું અને મને મહિનાઓ સુધી જેલોમાં પણ રાખવામાં આવ્યો હતો. પછી સત્યની લડત ચાલુ રાખી છે, એટલે લોકોમાં મારું આજે નામ છે. જ્યારે પણ લોકોનાં સુખે-દુઃખે નાનુંમોટું કામ હોય ત્યારે હું જઈને ઊભો રહું છું, એટલે ચૈતર વસાવાને લોકોનું ઘરે ઘરે અને ગામડે ગામડે ખૂબ માન-સન્માન મળી રહ્યું છે.