ભાસ્કર પોલ:તમારા મતે કોણ હોવો જોઈએ AAPના CM પદનો ચહેરો? ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી કે અન્ય કોઈ?

એક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીએ જે દિવસે બપોરે જાહેરાત કરી કે 4 નવેમ્બરે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરાશે, એ જ સાંજે મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની. આ ઘટના વચ્ચે રાજકારણ એક તરફ મુકાઈ ગયું એ સારી બાબત છે, પણ જે રીતે AAP દ્વારા મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી એ મુજબ જાહેરાત થઈ શકે છે. આના માટે આમ આદમી પાર્ટી દ્વારા ફોન નંબર અને ઈ-મેઇલ જાહેર કરાયા હતા, જેના પર અભિપ્રાય આપીને લોકો જ મુખ્યમંત્રીપદનો ચહેરો નક્કી કરી શકશે. આપ દ્વારા અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યા છે, પણ દિવ્ય ભાસ્કર તેમના વાચકો પાસેથી આ અભિપ્રાય જાણવા માગે છે.

'AAP'ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીપદના ઉમેદવારના નામનું એલાન જાહેર કરવાની જાહેરાત કરતાં જ તમામ રાજકીય પાર્ટીઓના કાન ઊંચા થઇ ગયા છે. આમ આદમી પાર્ટીમાં ગુજરાતની પ્રજા માટે બે ચહેરા જાણીતા છે. એક ગોપાલ ઈટાલિયા અને બીજા ઈસુદાન ગઢવી. આ સિવાય કોણ હોઈ શકે? તેની ચર્ચા ચાની કીટલીથી લઈ પોલિટિકલ પાર્ટીઓનાં કાર્યાલયોમાં થવા લાગી છે. આ બે સિવાય ત્રીજો ચહેરો એવો પણ સામે આવી શકે, જે ગુજરાતની જનતામાં જાણીતો ચહેરો હોય, પણ આ ચહેરો આશ્ચર્ય સર્જનારો પણ હોઈ શકે. ત્રીજા ચહેરા માટે જો અને તો ચાલે છે. ત્યારે દિવ્ય ભાસ્કર પણ એક પોલ કરી રહ્યું છે. જે તમે આર્ટિકલના અંતમાં આપી શકશો. તમારો મત આપતાં પહેલાં આમ આદમી પાર્ટીના ગુજરાતના બે જાણીતા ચહેરા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી વિશે બધું જાણી લો.

ગોપાલ ઈટાલિયાની ફાઈલ તસવીર.
ગોપાલ ઈટાલિયાની ફાઈલ તસવીર.

આ રીતે ચર્ચામાં આવ્યા ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાના વિચાર ક્રાંતિકારી રહ્યા. તેમણે પહેલી નોકરી પોલીસ-કોન્સ્ટેબલ તરીકે કરી. અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યું. પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા. ત્યાંથી ઈટાલિયાની બદલી ધંધૂકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ. આ તેની છેલ્લી નોકરી. એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઈટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા. તક જોઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલનો ઘા કર્યો. ચંપલ વાગ્યું નહીં, પણ ઈટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી. આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી.

કેજરીવાલે ગુજરાત 'AAP'ની કમાન ગોપાલ ઈટાલિયાને સોંપી
કેજરીવાલ ઈચ્છતા હતા કે ભાજપના ગઢ સમાન રાજ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવી જોઈએ, પણ ગુજરાતમાં અન્ટ્રી કરવા માટે સરકાર સામે બાથ ભીડે એવો નવલોહિયો યુવાન જોઈએ. આ આક્રમકતા ગોપાલ ઈટાલિયામાં દેખાઈ. ઈટાલિયા અભ્યાસુ છે અને વાંચન પણ સારું કરે છે. તેમને અધિકારોનું સારું નૉલેજ છે. પોલિટિકલ સાયન્સ કર્યું છે એટલે રાજનીતિના પાઠ આવડે છે. ખાસ તો લેઉવા પાટીદાર છે. ગોપાલ ઈટાલિયા પાટીદાર વોટબેન્કને પ્રભાવિત કરી શકે. આ બધાં પાસાંઓ જોતાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો કળશ ઈટાલિયા પર ઢોળ્યો. હવે બની શકે કે તેમનું નામ મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર પણ થઈ જાય.

સુરતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો
2020માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હતી. રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં બધામાં ભાજપની જીત થઈ હતી. જોકે ડાયમંડ સિટી સુરતનાં પરિણામોએ બધાને ચોંકાવી દીધાં હતાં અને ખાસ કરીને કોંગ્રેસ માટે વધુ ફટકારૂપ હતો. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ. 120 બેઠકમાંથી 93 બેઠક પર ભાજપ અને 27 પર AAPનો વિજય થયો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ રાજનીતિજ્ઞોને ચોંકાવી દીધા હતા.

પ્રચાર દરમિયાન ઈસુદાન ગઢવી.
પ્રચાર દરમિયાન ઈસુદાન ગઢવી.

હવે જાણીએ ઈસુદાન ગઢવી વિશે...
ગુજરાતી ટીવી ચેનલના પત્રકાર, તંત્રી તરીકે ઈસુદાનભાઈએ લોકોની સમસ્યા નજીકથી જોઈ છે, એટલે પત્રકારત્વ અને ચેનલનું તંત્રીપદ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ઈસુદાનભાઈ AAPમાં રાષ્ટ્રીય સહ-મહામંત્રી છે. ખંભાળિયાના પીપળિયામાં જન્મ, ઉછેર અને પછી જામનગરમાં કોલેજ કરી. ત્યાંથી સીધા અમદાવાદ પત્રકારત્વ કરવા આવી ગયા. પત્રકાર બન્યા પછી કુટુંબથી દૂર શહેરમાં રહેવાનું આવ્યું અને એ દરમિયાન 2014માં પિતા ખેરાજભાઈનું અવસાન થયું. એ ગાળામાં પિતાએ જ કહેલું કે ભલે મુશ્કેલીઓ નડે, પણ પત્રકારત્વ છોડવાનું નથી. ગુજરાતી ચેનલ માટે દક્ષિણ ગુજરાતથી કામ કર્યું. પછી અમદાવાદમાં બ્યૂરો ચીફ બન્યા અને પછી બીજી ગુજરાતી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા.

એક ટીવી શોના કારણે ઈસુદાનનું ફેન ફોલોઇંગ વધ્યું
ગુજરાતી ટીવી ચેનલમાં 'મહામંથન' નામના ટીવી શોના કારણે ઈસુદાન ગઢવી ઘરે ઘરે જાણીતા બન્યા. 'મહામંથન'માં ખેડૂતો, મધ્યમવર્ગ, નાગરિકોને ખરેખર સ્પર્શતા હોય તેવા મુદ્દાઓની ચર્ચા વધારે થતી હતી. સતત ખેડૂતોના પ્રશ્નો પર ફોકસ કરવાને કારણે તાલુકામથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ઈસુદાનનું ફેન ફોલોઇંગ ઊભું થયું હતું. આ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ જવાનું થયું, પણ ઉકેલ આવતા નહીં. અમુક પોલિસીઓ નડી જતી. પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કરી બતાવ્યું એ જોતાં ઈસુદાનને એમ થયું કે આમ આદમી પાર્ટી એ કરી શકશે, જેની લોકોને જરૂર છે. એ બધું જોતાં પત્રકારત્વને બાય બાય કહીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ઈસુદાન મૂળ સૌરાષ્ટ્રના ખેડૂતપુત્ર છે.
ઈસુદાન મૂળ સૌરાષ્ટ્રના ખેડૂતપુત્ર છે.

આમ આદમી પાર્ટીએ મોટું પદ આપ્યું
ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સહ-મહામંત્રીનું પદ આપ્યું. જવાબદારીઓ પણ આપી. એનાં કારણો એ છે કે ઈસુદાન કર્મે પત્રકાર એટલે ભાજપ-કોંગ્રેસની અંદરની વાતો જાણે. બધાને નિકટથી ઓળખે. જ્ઞાતિએ ગઢવી એટલે ખંભાળિયા, દ્વારકાથી લઈને દરિયાઈપટ્ટીમાં આ સમાજના મતદાર વધારે એટલે કેટલીક સીટ પર અસર કરી શકે. ઈસુદાન ગઢવી અત્યારે વિધાનસભા ચૂંટણી પહેલાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે અને તેમણે ગામડે-ગામડે જઈને AAPનો પ્રચાર કર્યો છે. જોકે આ પ્રચાર પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમના અને મહેશ સવાણી પર હુમલા થયા હતા.
વિવાદમાં પણ રહ્યા
ડિસેમ્બર 2021માં AAPના 500 જેટલા કાર્યકરો ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, નિખિલ સવાણી જેવા નેતાઓની આગેવાનીમાં ભાજપના કાર્યાલય કમલમમાં ધસી ગયા ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવો પડેલો અને આ ધમાલમાં ઈસુદાન પર દારૂ પીને છેડતી કરી તેવા આરોપો લગાવી દેવાયેલા.

ત્રીજો ચહેરો કોણ હોઈ શકે ?
આમ આદમી પાર્ટી પાસે આમ જુઓ તો હવે ત્રણ જાણીતા ચહેરા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી તો હતા જ, પણ હવે અલ્પેશ કથીરિયા પણ આપમાં જોડાશે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 73 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જોકે આ નામ એવાં છે, જેમાંથી કોઈ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થાય એવી સંભાવના ઓછી છે, એટલે જો ઈટાલિયા અને ઈસુદાન નહીં તો કોણ? આ સવાલનો જવાબ શોધવામાં વિશ્લેષકો ગૂંચવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...