કમલમમાં ટેકેદારોનું ટોળું ધસી ગયું, રાજીવ ગાંધી ભવનમાં કાર્યકરોએ તોડફોડ કરી, કોઈએ પાર્ટી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું તો કોઈને પાર્ટીએ બંધબારણે સમજાવીને બેસાડી દીધા. કોઈ નેતાએ બચાવ કર્યો કે ટિકિટનું તો દિલ્હીથી જ નક્કી થાય છે, અમે કંઈ નથી કર્યું.
શું આ વખતની ચૂંટણીનો આ ક્લાઇમેક્સ છે?
ના, હજી આવું ઘણું થવાનું છે. દરેક પક્ષના નેતાઓ આ બધાથી બરાબર વાકેફ છે, એટલે જ એક નેતાએ તો ટોળું ગયું પછી કહી દીધું કે જોયું ? થોડીવારમાં બધું શાંત થઈ ગયું ને?
પહેલા તબક્કાની ચૂંટણીની 89 બેઠકના ઉમેદવારોએ આ બધાની વચ્ચે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી દીધી. નેતાઓએ ફોર્મ ભરતી વખતે સંપત્તિનું એફિડેવિટ પણ કર્યું. સહેજ પણ નવાઈ લાગે એવું નથી કે એમાંના અનેક કરોડપતિ છે.
કોંગ્રેસ રાબેતા મુજબ ગામડાંમાં ફરે છે, રાહુલ 22મીએ ગુજરાત આવશે. પ્રિયંકાનું હજી કંઈ નક્કી નથી. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના છે. કેજરીવાલ તો કહે છે કે સરકાર અમારી બનશે અને કોંગ્રેસને 5 સીટ પણ નહિ આવે. કેજરીવાલ પોતાને સૌથી મોટા જાદુગર કહે છે. જો આવું થશે તો કેજરીવાલ સૌથી મોટા જ ભવિષ્યવેત્તા ગણાશે.
આ બધામાં એક સીટ પર સૌની નજર છે, એ છે રીવાબા જાડેજા, પતિ રવીન્દ્ર જાડેજાની હાજરીમાં આજે રીવાબાએ ફોર્મ ભર્યું. રૂપાણી પણ હાજર રહ્યા. રવીન્દ્રએ ક્રિકેટની ભાષામાં કહ્યું કે રીવાબાએ હજી ડેબ્યુ કર્યું છે અને તેમણે સમાજ પાસેથી ઘણું શીખવાનું છે. તેમના આ વાક્ય પરથી લાગે છે કે બાપુ પણ ક્રિકેટ કરિયર પછી પોલિટિક્સમાં આવે તો નવાઈ નહિ. નેતાઓ પાસે રોકડા 15 દિવસ છે પ્રચાર માટેના. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવે ધમધમાટ થશે, પણ ભાજપ માટે ઉત્તર ગુજરાતમાં કોકડું ગૂંચવાયું છે. ચૌધરી નેતા વિપુલ ચૌધરી જેલમાં છે, પણ તેમના સમર્થકો જોરમાં છે. વિપુલભાઈને અન્યાય થયો છે એવું કહીને તેઓ ભાજપને પાઠ ભણાવવા માગે છે.
ભાજપે આવાં અનેક ઓપરેશનો પાર પાડ્યાં છે, આ પણ પડી જશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ આ બધા પર બરાબર નજર રાખી રહ્યા છે. નારાજ કાર્યકરોની એક જ અરજ હશે.
હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
ધન્યવાદ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.