કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાંજોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ..
ખરેખર કોને પીવાનો શોખ હશે, તમને શું લાગે છે?
વડોદરા એક બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસના બંનેના ઉમેદવારો યુવાન અને શિક્ષિત છે. બંનેએ પોતપોતાની રીતે જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. સામાન્ય પ્રચારના મુદ્દાઓ તેમાં હોય, પણ એક ઉપદેશ જેવો મુદ્દો જોઈને ઘણાએ માથું ખંજવાળ્યું કે ચૂંટણીપ્રચારમાં નિર્વ્યસનીને મત આપવાની વાત કેમ આવી! ગુજરાતમાં તો આમ પણ દારૂબંધી છે ત્યારે વ્યસન કરવાની કે બીજી કોઈ લત હોય તેની વાત આમાં ક્યાંથી આવી. બીજા ઉમેદવારે પણ એવો જ ઉપદેશ - કહોને કે પ્રચાર શરૂ કર્યો કે ખરેખર નિર્વ્યસની હોય તેમને જ પસંદ કરશો. એટલે હવે કોણ વ્યસની અને કોણ નહીં તેની શોધખોળ થવા લાગી છે. બંને જણ નિર્વ્યસની અને ખરેખર નિર્વ્યસનીને મત આપવાની વાત કરે છે ત્યારે તેમાંથી ખરેખર કોને પીવાનો શોખ હશે, તમને શું લાગે છે? અમે કાર્યકરોને પૂછ્યું ત્યારે ખબર પડી કે સાંજે મિટિંગ હોય ત્યારે આ નેતા પીધેલી હાલતમાં જ હોય છે. નશાની ટેવ છતાં પરિવારની ભલામણને કારણે ટિકિટ મળી ગઈ છે, બાકી તો નગરસેવક થવાની પણ લાયકાત નથી.
ગુજરાતી પત્રકારો જોતા જ રહી ગયા કે...
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા હાલમાં જ કમલમની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે એક પત્રકાર પરિષદને પણ સંબોધન કર્યું હતું, પરંતુ તે અગાઉ પત્રકારનો ધર્મ શું હોય તેનો લાંબોલચક ઉપદેશ ગુજરાતી પત્રકારોને આપી દીધો. એટલું ઓછું હોય એમ આ જાણે કોઈ સભા હોય તેમ ભાષણના અંદાજમાં કૉંગ્રેસના નામે કાગારોળ શરૂ કરી દીધી. રાહુલ અને સોનિયા ગાંધીને ગુજરાત પ્રત્યે જરા પણ લાગણી નથી અને તેથી જ તેઓ રાજ્યના પ્રવાસે આવવાનું ટાળી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ પણ કરી દીધો કે કદાચ ગુજરાતના નેતાઓએ જ તેમને મનાઈ કરી લીધી લાગે છે કે તમે ગુજરાત આવશો નહીં. ગુજરાતી પત્રકારો જોતા જ રહી ગયા કે આ પત્રકાર પરિષદ હતી શેના માટે.
પુત્રની ટિકિટનું હજી થાળે નથી પડ્યું ને પાર્ટીમાં જોડાવું કેમ?
અઢારમી તારીખ એટલે એટલામી વારની તારીખ એવુંય ખરું, પણ 18 નવેમ્બર એવું સમજવા. શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં વિધિવત ક્યારેય પ્રવેશ કરશે તેની મુદત વારંવાર પડી છે. લગભગ એક વર્ષથી તેમના આગમની ઘડીઓ ગણાતી રહી છે, પણ ઘડિયા પ્રસંગની કંકોતરી લખાતી નથી. 12 તારીખે જોડાઈ જશે એવું પાકું લાગતું હતું ત્યાં વળી તારીખ આવી કે હવે 18 નવેમ્બરે સત્તાવાર પધારમણી થશે. તેમના પુત્રને ટિકિટ આપવાની છે તેનું પણ હજી થાળે પડ્યું નથી ત્યાં જોડાઈ જાય તો બાકીની ટિકિટ વહેંચણીમાં વિવાદો થાય ત્યારે નાહકના આક્ષેપો પણ થાય. એટલે ટિકિટોની વહેંચણી પૂર્ણ થઈ જાય તે પછી જ કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાત થશે એમ જાણકારો કહે છે.
પહેલા નેતાઓને નવરા કર્યા પછી આ ‘એકદમ ખાસ’ કામ સોંપ્યું
પોતે કઈ રીતે જીતી શકે તેની રજૂઆતો ટિકિટ માગતી વખતે નેતાઓએ કરી હોય. ઉમેદવાર બનવા માટે છેક દિલ્હી સુધી લોબિંગ પણ કર્યું, છતાં મેળ પડ્યો નથી. આવા ઘણા સિનિયર નેતાઓને અને દાવેદારોને હવે જવાબદારી સોંપી દેવામાં આવી છે - તમે એક જગ્યાએ જીતો એના કરતાં બે ત્રણ જગ્યાએ બીજાને જીતાડો. રાજકોટમાં ધનસુખ ભંડેરી દાવેદાર હતા, તેમને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઇન્ચાર્જ બનાવી દેવાયા છે. કમલેશ મીરાણીનું નામ પણ દાવેદારોમાં હતા, તેમને 70 નંબરની વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ બનાવી દેવાયા છે. હકુભાને એક નહીં જામનગરની ત્રણ બેઠકના ઇન્ચાર્જ બનાવી મોટી જવાબદારી સોંપી દેવાઈ છે. નીતિન પટેલે કહ્યું કે કડી મારું વતન એટલે એ અને મહેસાણામાં હતો એટલે બંનેની જવાબદારી મારી. આ નેતાઓ નારાજ થયા પછી નવરા રહે અને નુકસાન કરે તેવી શક્યતાને દૂર કરવા તેમને જ કામે લગાવાયા છે.
હકુભાને હાઇકમાન્ડનો ફોન આવ્યો ને સીધા જ રિવાબા સાથે દેખાયા
જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજાનું નામ જાહેર થયું ત્યારે હકુભાના ટેકેદારોમાં નારાજી વ્યાપી ગઈ હતી. હકુભાએ સોશ્યલ મીડિયામાં ભાજપ સાથેની પોતાની ઓળખની ડીપી પણ બદલી નાખી. પ્રચાર માટે બોલાવવા આવતા જ નહીં એવો રોષ પણ પ્રગટ કરી દીધેલો. જોકે ભાજપના હાઇકમાન્ડનો ફોન આવ્યો અને ભૂતપૂર્વ મંત્રી હકુભા જાડેજાને હાલ પૂરતા મનાવી લેવાયા હોય તેવું લાગે છે. તેઓ પક્ષની અને નવા ઉમેદવારની સાથે જ તેવું દેખાડવા માટે સૂચન કરવામાં આવ્યું કે ફોર્મ ભરતી વખતે પણ રિવાબાની સાથે જવું. પ્રચાર માટે પણ જવું જ પડશે, કેમ કે તેમને બેઠકના ઇનચાર્જ તરીકેની જવાબદારી પણ હાઇકમાન્ડે સોંપી દીધી છે. હાઇકમાન્ડના આદેશ બાદ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હકુભા રિવાબા સાથે જોવા મળ્યા હતા.
લો, બોલો કથામાં ના બોલાવ્યા એટલે ભાજપના નેતા બરાબરના બગડ્યા
ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાએ સભાસદ બહેનોને કાર્યક્રમ આપ્યો છે કે દરેક વોર્ડમાં સત્યનારાયણ કથા યોજી લોક સંપર્ક સાધવામાં આવે. તેના ભાગરૂપે અમદાવાદના એક વોર્ડમાં કથાનું આયોજન પણ થયું અને મોરચાના કાર્યકરો તથા અન્ય બહેનોને આમંત્રણો પણ મોકલી દેવાયા. હવે થયું એવું કે આ જ વિસ્તારમાં મહિલા મોરચાના પ્રદેશ આગેવાનનું ઘર પણ છે. પણ તેમને કથાનું આમંત્રણ જ ના પહોંચ્યું. કથા નક્કી થઈ ગઈ, પણ પછી જેમના ઘરે કથા હતી તેમણે જણાવી દીધું કે આ બહેન એટલે કે પ્રદેશ આગેવાન મારા ઘરે ના જોઈએ. કથા કર્યા સિવાય છૂટકો નહોતો એટલે મહિલા આગેવાનને જાણ જ ના કરવામાં આવી. પણ તેમને ખબર તો પડવાની જ કે મારા ઘર પાસે કથા યોજાઈ ગઈ અને મને કોઈએ બોલાવી પણ નહીં. તેમણે આ બળાપો ભાજપ પ્રદેશ મહિલા મોરચાના ગ્રુપમાં ઠાલવ્યો. મોરચાના પદાધિકારીઓ ઉપરાંત મહામંત્રીઓ અને મોરચા પ્રમુખો પણ ગ્રુપમાં હોય એટલે મામલો ઉફાણે ચડ્યો હતો. ઇર્ષાનું પ્રદર્શન જાહેરમાં ના થવું જોઈએ એવી લાંબીલચક પોસ્ટ યુવા મહિલા અગ્રણીએ મૂકેલી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.