ભાસ્કર ઇનડેપ્થએ ચૂંટણી હતી થ્રિલર ફિલ્મને ટક્કર મારે એવી:શંકરસિંહને હરાવવા ભાજપે ખેલ્યો હતો 7 શંકર નામના ઉમેદવારનો દાવ, ગુંડાઓએ પત્રકારો પર તાકી હતી બંદૂક

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાતની સ્થાપના સમયથી રાજ્યમાં રાજકીય ઊથલપાથલનો સિલસિલો યથાવત્ રહ્યો છે. 60 વર્ષનો રાજકીય ઇતિહાસ કોઈ સસ્પેન્સ ફિલ્મને પણ ટક્કર મારે એવો રહ્યો છે. 1962માં ડો. જીવરાજ મહેતાએ જેવું મુખ્યમંત્રીપદ સંભાળ્યું કે સંગઠન પાંખે તેમનો વિરોધ કર્યો, એટલે 19 સપ્ટેમ્બર, 1963ના રોજ ડો. મહેતાએ રાજીનામું આપી દીધું. પછી 1967 સુધીમાં બળવંતરાય મહેતા, હિ‌તેન્દ્ર દેસાઈ ક્રમશ: મુખ્યમંત્રી બન્યા અને 1967થી જગજાણીતા પક્ષપપલટા પણ શરૂ થયા. ત્યારથી લઈ અત્યારસુધીમાં આ પ્રકારના અનેક નાટ્યત્મક ઘટનાક્રમો બનતા આવ્યા છે.

ખાસ કરી 90નો દાયકામાં તો શ્વાસ થંભાવી દે એવી એવી રાજકીય ઘટનાઓ બની છે. આ દરમિયાન ચૂંટણીમાં એકબીજાને ધોબીપછડાટ આપવા કાવાદાવાથી લઈ સરકાર ઊથલાવવા સુધીનો એક રોચક રાજકીય ઇતિહાસ રહ્યો છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ હોય તો ખજૂરાહોકાંડ, ધોતિયાહરણ અને એ પછી યોજાયેલી રાધનપુર સીટની પેટાચૂંટણી છે. 1997માં યોજાયેલી આ પેટાચૂંટણીની યાદો હજુ પણ એ સમયના નેતાઓ અને પત્રકારોના દિમાગમાં છપાઈ ગઈ છે. તો આજે વાત રાધનપુરની પેટાચૂંટણીમાં કેવા કેવા કાવાદાવા, શંકરસિંહ સામે શંકર નામના 7 ઉમેદવારની ભાજપની ચાલ અને મારામારીથી લોહી વહ્યા એ અંગેની.

કેશુભાઈ અમેરિકા ગયા ને શંકરસિંહે સોગઠી ફેંકી
1995ના માર્ચ મહિનામાં પહેલીવાર કેશુભાઈના નેતૃત્વમાં રાજ્યમાં ભાજપની સરકાર બની. 1995ના સપ્ટેમ્બરમાં ગોકુળ ગ્રામ યોજનાના પ્રચાર માટે કેશુભાઈ પટેલ તત્કાલીન ગ્રામ વિકાસમંત્રી વિપુલ ચૌધરી સાથે અમેરિકા રવાના થયા અને અશોક ભટ્ટને કામચલાઉ ચાર્જ સોંપ્યો, પરંતુ અમેરિકાથી કેશુભાઈ અમેરિકાથી પરત ફર્યા ત્યારે તેમનું મુખ્યમંત્રીપદ રહ્યું નહોતું. કેશુભાઈ અમેરિકા જવા નીકળ્યા ને શંકરસિંહે ધારાસભ્યોને પોતાના ગામ વાસણિયા બોલાવ્યા, જેમાંથી 50 જેટલા ધારાસભ્યને પોતાની સાથે લીધા. માત્ર એટલું જ નહીં, અમેરિકામાં કેશુભાઈની સાથે હોવા છતાં વિપુલ ચૌધરીએ ત્યાંથી જ શંકરસિંહને ટેકો જાહેર કર્યો.

ધારાસભ્યોને ઉડાડવા હતા ને એરક્રાફ્ટનું ટાયર પંક્ચર થયું
એ સમયે ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું અને એ ઉપરાંત સમર્થક ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવા વાઘેલા દ્વારા દિલ્હીનો ઓપ્શન પણ વિચારવામાં આવ્યો હતો, પરંતુ છેવટે દિગ્વિજય સિંહનું રાજ ધરાવતા મધ્યપ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળાયો, કારણ કે એ વાઘેલાને તેમના ટેકેદારો માટે સૌથી સુરક્ષિત સ્થાન લાગ્યું હતું. ધારાસભ્યોને એક દિવસ બપોરે જ ખાસ વિમાનમાં ઉડાડવાના હતા, પરંતુ તમામ ધારાસભ્યોને મનાવતા વાર લાગી, એટલે સાંજ પડી ગઈ. આ તમામ ધારાસભ્યોને લઈને અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે એરક્રાફ્ટનાં ટાયરોમાં પંક્ચર પડી ગયા હોવાના સમાચાર આવ્યા. જ્યારે ટાયર સરખાં થયાં ત્યારે ખ્યાલ આવ્યો કે ખજૂરાહો એરપોર્ટ પર રાત્રિ લેન્ડિંગની કોઈ જ વ્યવસ્થા નથી. છેવટે એ સમયના કેન્દ્રીય નગર ઉડ્ડયનમંત્રીને રિક્વેસ્ટ કરીને ખજૂરાહોના રનવે પર ફાનસ મુકાવીને લેન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી. મોડી રાત્રે જ્યારે ટેકેદાર ધારાસભ્યો સાથે પ્લેન ઊડ્યું ત્યારે શંકરસિંહે રાહતનો શ્વાસ લીધો.

‘બાપા’ને રાજીનામું અપાવીને જ જંપ્યા ‘બાપુ’
ધારાસભ્યો પાસે એ સમયે પહેરેલાં કપડાં સિવાય કંઈ ન હતું, જેથી તમામ ધારાસભ્યોને ખજૂરાહોના રિસોર્ટમાં કપડાં સહિતની તમામ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી. ખજૂરાહોની એ હોટલમાં ટાઈમપાસ કરવા માટે આ ધારાસભ્યો ટેબલ ટેનિસ રમતા, સ્વિમિંગ કરતા અને સંગીત સાંભળતા હતા. એને પગલે પૂર્વ વડાપ્રધાન વાજપેયી, એલ.કે. અડવાણી, કુશાઉભાઉ ઠાકરે, પ્રમોદ મહાજન જેવા દેશના તમામ ટોચના નેતા શંકરસિંહને મનાવવા માટે ગાંધીનગર દોડી આવ્યા હતા. આ સમયે શંકરસિંહની માગણી હતી કે કેશુભાઈ રાજીનામું આપે અને આમ કરાવીને જ જંપ્યા. શંકરસિંહે 20 ઓક્ટોબર 1995ના રોજ કેશુભાઈને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. ત્યાર બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા.

સુરેશ મહેતા CM બન્યા, પણ આંતરિક કકળાટ યથાવત્ હતો
પરંતુ વાત હજી અહીં જ પૂરી નહોતી થઈ, સુરેશ મહેતાના મંત્રીમંડળમાં વાઘેલાના છ મંત્રી સામેલ જરૂર કરાયા, પરંતુ તેમના કેમ્પમાં હજી પણ અસંતોષ તો જળવાયેલો જ હતો. એ સમયે ખજૂરાહો ગયેલાઓ ‘ખજૂરિયા’, કેશુભાઈના સમર્થકોને ‘હજૂરિયા’ અને જે પક્ષ માટે સંપૂર્ણપણે સમર્પિત હોય તેમને ‘મજૂરિયા’ કહીને બોલાવવામાં આવતા હતા.

વાજપેયીની હાજરીમાં તત્કાલીન ધારાસભ્ય આત્મારામ કાકાનું ધોતિયું ખેંચાયું
ત્યાર બાદ 1996માં લોકસભાની ચૂંટણીમાં વાજપેયી ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા હતા. તેઓ વડાપ્રધાન થયા હતા, તેથી તેમનું ભવ્ય સન્માન કરવા માટે અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં 20 મે 1996ના રોજ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભમાં હજૂરિયાઓ અને ખજૂરિયાઓ એકબીજા સામે હાથોહાથની લડાઈ પર આવી ગયા અને આ લડાઈ દરમિયાન શંકરસિંહ વાઘેલા સમર્થક અને સહકારક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ધારાસભ્ય આત્મારામ પટેલનું એક તોફાનીએ ધોતિયું ખેંચી લીધું અને તેમને માર મારવામાં આવ્યો. સ્ટેડિયમ બહાર રસ્તા પર દત્તાજી ચિરંદાસની પાછળ ટોળું દોડ્યું હતું. એ જોઈને દત્તાજી દોડી રહ્યા હતા. નવરંગપુરા સ્ટેડિયમ છ રસ્તા સુધી તેઓ જીવ બચાવીને દોડી પહોંચી ગયા ત્યાં તેમને કોઈએ વાહનમાં બેસાડી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાત પર કાળો ડાઘ લગાવી દીધો.

વાઘેલા લોકસભા ચૂંટણી હારી ગયા તો મુખ્યમંત્રી બની ગયા
1996ની લોકસભા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ગોધરાથી લડ્યા અને કોંગ્રેસના શાંતિલાલ પટેલ સામે હારી ગયા. ભાજપે છેવટે તેમને પક્ષવિરોધી પ્રવૃત્તિને લીધે પક્ષમાંથી હાંકી કાઢ્યા. વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) સ્થાપી અને કોંગ્રેસના સહકારથી ઓક્ટોબર 1996માં ગુજરાતમાં સરકાર બનાવી. આ સમયે તેઓ મુખ્યમંત્રી બન્યા, પણ 6 મહિનામાં ધારાસભ્ય પદે ચૂંટાવું જરૂરી હોવાથી લવિંગજી ઠાકોરે તેમના માટે રાધનપુરની સીટ ખાલી કરી.

શંકરસિંહ સામે લડ્યા એક જ નામના સૌથી વધુ ઉમેદવારો
હવે રાધનપુર સીટની પેટાચૂંટણીમાં ખરેખરો જંગ જામ્યો હતો. આખા ગુજરાતની નજર એ એક સીટની ચૂંટણી પર મંડાયેલી હતી. આ પેટાચૂંટણીમાં એક, બે કે ત્રણ નહીં, બલકે આઠ ઉમેદવાર એક જ નામના એટલે કે શંકર નામના હતા. એક જ નામના કારણે અનેક ઉમેદવારો હોવાના કારણે મતદાતાઓ મૂંઝવણમાં મુકાય જાય એ પણ સ્વાભાવિક બાબત છે. એટલું જ નહીં, પરંતુ એક જ નામના સૌથી વધુ ઉમેદવારો ઊભા રહ્યા હોવાનો ઇતિહાસ સર્જવાની સાથોસાથ આ મુદ્દો ચર્ચાના ચગડોળે ચડ્યો હતો.

ભાજપે શંકર નામના ઉમેદવારો શોધી શોધીને ફોર્મ ભરાવ્યાઃ શંકરસિંહ વાઘેલા
એક જ નામના ઉમેદવારો હોવાને કારણે એ ચૂંટણીમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી એ અંગે DivyaBhaskarએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આવા નામના માણસો (ઉમેદવારો) ભાજપે શોધી કાઢ્યા હતા. તેમને દબાણપૂર્વક ડિપોઝિટ આપીને ભાજપે જ ઊભા રાખ્યા હતા. એટલું જ નહીં, તેમનાં ચૂંટણી ચિહ્નો પણ ક્ષત્રિયોને શોભે એવાં ઘોડો, તલવાર, ભાલો, વાઘ જેવાં રખાયાં હતાં, પરંતુ લોકો થોડી ભોટ છે! તેમને ખબર પડી ગઈ હતી. ઉમેદવારોને ફોન કર્યા તો તેમણે કહ્યું, અમને અમુક કામ માટે લઈ ગયા હતા. પછી ફોર્મ ભરાવી દીધા હતા. અમને ખબર ન હતી કે તમારી સામે ઉમેદવારી કરવાની હતી. બધાને સમજાવી સમજાવીને કામ કર્યું હતું. આ તો ભાજપનું પ્લાનિંગ હતું.

ટોળાએ ચાવી ઝૂંટવી ગાડીની બારી પાસે જઈ પત્રકારોને મુક્કા માર્યા
ખરો ખેલ ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ શરૂ થયો. રાધનપુરની પેટાચૂંટણી જીતવી ભાજપ અને રાજપા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો હતો, જેથી આ ચૂંટણી જીતવા માટે બંને પક્ષે પોતાની તમામ તાકાત લગાવી, જેના ભાગરૂપે જ આ ચૂંટણીનું મહત્ત્વ વધી ગયું હોવાથી કવરેજ કરવા અમદાવાદથી ખાસ પત્રકારોની ટીમો રાધનપુર પહોંચી હતી. અમદાવાદના પ્રિન્ટ મીડિયાના પત્રકારોની ટીમ રાધનપુરનાં જુદાં જુદાં ગામડાંઓમાં ફરીને પરિસ્થિતિનો તકાજો મેળવવાનો પ્રયાસ કરીને રિપોર્ટિંગ કરતા હતા. મતદાનના દિવસે સાંતલપુરમાં મતદાન સ્થળની સામે મતદારો સાથે કેટલાક પત્રકારો વાત કરતા હતા. આ દરમિયાન આ લોકો ભાજપના માણસો હોવાનું માનીને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા. જોકે આ પાંચ રિપોર્ટરની ટીમ પરિસ્થિતિ પામી જઈને વાહનમાં બેસી ગઈ. આમ છતાં વાહનની બારી પાસે બેઠેલા પત્રકારને મુક્કા મારવામાં આવ્યા અને એક વ્યક્તિએ કારમાં બેઠેલા પત્રકારો સામે બંદૂક તાકી દીધી અને ગાડીની ચાવી પણ લઈ લીધી. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા ટીવી ચેનલના એક પત્રકારે પરિસ્થિતિ પામી આ પત્રકારોને તમારો ઇન્ટરવ્યૂ કરવાનો છે એમ કહીને ત્યાંથી બચાવી લીધા અને કારની ચાવી પણ પરત મેળવી લીધી.

એ દિવસે રાધનપુરના કાર્યાલયમાં PM મોદી પણ હાજર હતા
ઘટનાસ્થળેથી આ પત્રકારોની ટીમ સીધી કારમાં રાધનપુર ભાજપની ઓફિસે પહોંચ્યા હતા. આ સમયે નરેન્દ્ર મોદી પણ શંકરસિંહને હરાવવા માટે ભાજપ કાર્યાલયમાં હાજર હતા. સાંજે મતદાન પૂર્ણ થતાં જ રાધનપુરમાં ભારે પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારે ભાજપની કચેરી પર પણ પથ્થરમારો થયો હોવાનું ત્યાં હાજર સિનિયર પત્રકારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. ત્યાંથી એક પત્રકારે IPSની મદદથી એસ્કોર્ટ લઈ ત્યાંથી બહાર નીકળ્યા હતા.

કેમેરામેન પર પાઇપોથી હુમલો થતાં માંડ માંડ બચ્યા
જોકે ત્યાર બાદ પત્રકારની ટીમે જિલ્લા એસ.પી. સમક્ષ પહોંચીને અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પાછળથી આમાં કોઈ ન મળી આવતાં પોલીસે સી સમરી ભરીને કેસ આટોપી લીધો હોવાનું સિનિયર પત્રકારે જણાવ્યું હતું. આ ઉપરાંત હિંસક ટોળું મહેસાણા પાસે અવરજવર કરતા લોકોને ટાર્ગેટ કરતી હતી. તેનું શૂટિંગ કરી રહેલા એક ટીવીના કેમેરામેન પર ટોળાએ પાઇપો વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા કેમેરામેન ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા, જેને કારણે તેઓ બચી ગયા હતા.

કેવું રહ્યું રાધનપુર ચૂંટણીનું પરિણામ
રાધનપુરની આ પેટાચૂંટણીમાં કુલ 42 ઉમેદવારે ઝુંકાવ્યું હતું, જેમાંથી આઠ તો શંકર નામના ઉમેદવારો હતા, જેને કારણે મતદારો મૂંઝવણમાં મુકાયા હતા. એમાંય વળી ત્યારે બેલેટ પેપર પર મતદાન કરવાનું હતું. બેલેટ પેપર પર ઉમેદવારના નામ સામે નિશાન રહેતું હતું અને એના પર સિક્કો મારીને મતદાન થતું હતું. જેથી જો કોઈ નિશાન જોવાને બદલે નામ જોઇને વોટ આપે તો મૂંઝવણમાં મુકાય શકે તેમ હતું. આ ચૂંટણીમાં 75,532 પુરુષ મતદાર તથા 72,476 મહિલા મતદાર મળીને કુલ 1,48,008 મતદાર હતા, જેમાંથી 58,669 પુરુષ તથા 52,516 મહિલા મતદાર મળીને કુલ 1,11,185 મતદારે મતદાન કર્યું હતું, એટલે કે 75.01 ટકા મતદાન થયું હતું. એની મતગણતરી બાદ સૌથી વધુ 57,569 મત રાજપાના ઉમેદવાર અને તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. જ્યારે તેમના હરીફ એવા ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને 43,585 મત મળ્યા હતા. આમ, શંકરસિંહ વાઘેલાનો 13984 મતે વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...