ગ્રાઉન્ડ રિપોર્ટપાટીલનો ટાર્ગેટ પૂરો કરશે આ કાકા:સીટનું પૂછતાં સીધો આંકડો ઠબકારી દીધો, જુઓ બે-બે મુખ્યમંત્રી આપનાર રાજકોટ પશ્ચિમ બેઠકના મતદારોનો મિજાજ

રાજકોટ17 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

આ બેઠકે રાજ્યને બે મુખ્યમંત્રી આપ્યા

હાઈપ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ બેઠકથી રાજ્યને બે મુખ્યમંત્રી અને એક નાણામંત્રી મળ્યા છે. જેમાં સૌથી મોટો ઈતિહાસ વજુભાઈ વાળાની જીત ધરાવે છે. જેઓ છ ટર્મ સુધી ચૂંટણી લડ્યા અને બેઠક પર દબદબો રાખ્યો હતો. અને તેઓ રાજ્યના નાણામંત્રી રહી ચૂક્યા છે. સાથે જ વજુભાઈ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ રાજકોટ પશ્ચિમ બેઠકથી પીએમ નરેન્દ્ર મોદી પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણી આ બેઠક પરથી લડ્યા અને ચૂંટણી જીત્યા હતા. આનંદીબેન પટેલે જ્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. આ બેઠક માટે એવી માન્યતા છે કે જે કોઈપણ ચૂંટણી લડે તો તે મુખ્યમંત્રી અથવા મંત્રી પદ સુધી પહોંચે છે.

રાજકોટ પશ્ચિમ બેઠકના છેલ્લી 3 ચૂંટણીનાં પરિણામનાં લેખાંજોખાં

વજુભાઈ વાળા સતત છ ટર્મ આ વિધાનસભાની સીટ પરથી લડીને જીત્યા છે. વર્ષ 1985થી શરૂ કરીને 2012 સુધીની તમામ ચૂંટણીમાં વજુભાઈ વાળા આ સીટ પરથી લડીને જીત્યા છે. વચ્ચે એક વખત તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી આપી હતી. વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહેલા વજુભાઈ વાળાને 48,215 મત મળ્યા હતા. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભાં રહેલાં કાશ્મીરાબેન નથવાણીને 38,359 મત જ મળ્યા હતા.

2012 અને 2017માં કોણ જીત્યું

વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વજુભાઈ વાળાને 90405 વોટ મળ્યા હતા. જ્યારે કે તેમની સામે ઊભેલા કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણીને 65427 મત મળ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં વિજય રૂપાણીને 1,31,586 મત મળ્યા હતા. જ્યારે કે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુને 77,831 મત જ મળ્યા હતા.

લોહાણા અને પાટીદાર સમાજનું પ્રભુત્વ

રાજકોટની પશ્ચિમ બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગઢ માનવામાં આવે છે. તેમજ લોહાણા, બ્રાહ્મણ, કડવા પાટીદાર, લેઉવા પાટીદાર, જૈન તેમજ લઘુમતી સમાજનું અહીંયાં પ્રભુત્વ જોવા મળે છે. કુલ મતદારો પૈકી બ્રાહ્મણ મતદારો અંદાજિત 20%, લોહાણા 20%, કડવા પાટીદાર 19%, લેઉવા પટેલ 15%, જૈન 12%, લઘુમતી 10% અને અન્ય 4% છે. અત્યાર સુધી કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષોએ મોટાભાગે કારડિયા રાજપૂત, લોહાણા, બ્રાહ્મણ તેમજ જૈન વાણિયા જ્ઞાતિમાંથી આવતા ઉમેદવાર ઉપર જ પોતાનું મોટાભાગે કળશ ઢોળ્યો છે.

2017માં આનંદીબેન પટેલે રાજીનામું આપતાં રૂપાણી CM બન્યા

2017ની ચૂંટણી પૂર્વે આનંદીબેન પટેલે અચાનક રાજીનામું આપી દેતાં ગુજરાતની ગાદી વિજય રૂપાણીને સોંપવામાં આવી હતી. સાત ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ શપથ ગ્રહણ કર્યા હતા. પોતાના પાંચ વર્ષના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં એક ધારાસભ્ય તરીકે પણ પોતાના મતવિસ્તાર રાજકોટમાં એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે.

રૂપાણીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજકોટનો વિકાસ બેવડાયો

રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત હોય કે પછી રાજકોટ શહેરમાં અંડરબ્રિજ, ઓવરબ્રિજ, સ્વિમિંગ પૂલ, એથ્લેટિક ગ્રાઉન્ડ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, નવી જીઆઇડીસી, રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવે, રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, આવાસ યોજના લાઇબ્રેરી સહિતનાં વિકાસ કાર્યો મુખ્યમંત્રી અને ધારાસભ્ય તરીકે વિજય રૂપાણીએ પોતાના મતવિસ્તારમાં કર્યાં છે. વર્ષ 2016થી ન માત્ર તેઓએ પોતાના જ મતવિસ્તાર પરંતુ 68, 70, 71 તેમજ જસદણ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા સહિતની જુદી જુદી વિધાનસભાઓ માટે પણ તેમણે કાર્ય કર્યાં છે.

પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો

અહી ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો વર્ષોથી ગઢ રહી છે, 1977થી 2015 સુધી મહાપાલિકામાં માત્ર પાંચ વર્ષને બાદ કરતા દરેક વખતે ભાજપ સત્તા પર રહ્યું છે, લોકસભા બેઠક પર 20 વર્ષથી ભાજપનો કબજો રહ્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.

અન્ય સમાચારો પણ છે...