Editor's View, આજનો માહોલ કોણ બદલશે?:મતદાનની આગલી રાતે કેવાં કેવાં ચોકઠાં ગોઠવાયાં? અમોઘ શસ્ત્રો ઉગામવામાં નિપુણતા કયા પક્ષે મેળવી છે?

2 મહિનો પહેલા

નમસ્કાર

બહુ વખતે વડાપ્રધાન ગુજરાતમાં ઘણું રોકાયા. રેલી અને રોડ શોમાં પ્રચાર કર્યો, માતાને મળ્યા અને હવે આજે મતદાન પણ કરશે. આ બધાની વચ્ચે બીજા તબક્કાના મતદાનની આગલી રાત્રે મોદીએ નિરાંતે કમલમમાં મેરેથોન મીટિંગ પણ કરી. સ્વાભાવિક છે કે મોદીએ પહેલા તબક્કાની તમામ ગણતરી કરી લીેધી હશે અને બીજા તબક્કાની રણનીતિ પણ ઘડી નાખી હશે. સમયને પારખીને સમયનો ઉપયોગ કેમ કરવો એ નરેન્દ્રભાઇને બરાબર આવડે છે.

મતદાનની આગલી રાત મહત્વની હોય છે. પ્રચાર ભલે શાંત થઇ ગયો હોય પણ છેલ્લી ઘડીના ચોકઠાં ગોઠવવાનું કામ હંમેશા આગલી રાત્રે જ થાય. સૌથી મહત્વનું પ્લાનિંગ હોય છે બુથ મેનેજમેન્ટનું. બુથનું મેનેજમેન્ટ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ મહત્વનું શસ્ત્ર છે. એક અંદાજ પ્રમાણે ભાજપે દરેક મતવિસ્તારમાં 300 કરતાં વધુ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 25 કે 50 ગ્રુપ બનાવ્યા છે. પેજ કમિટી અને પેજ પ્રમુખનું માઇક્રો પ્લાનિંગ ભાજપમાં છે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં નથી.

વડાપ્રધાને આ વખતે પ્રચાર દરમિયાન એકવાર એવું કહ્યું હતું કે કોંગ્રેસ સાયલેન્ટ પ્રચાર કરે છે અને કોંગ્રેસે ખરેખર સાયલેન્ટ પ્રચાર જ કર્યો. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન હતું એટલે સ્વાભાવિક રીતે જ બીજા તબક્કાના મતદાનના આગલા દિવસે ગુજરાતમાંથી ગાયબ હતા.

આજે મોદી ઉપરાંત, અમિત શાહ, આનંદીબહેન, ભૂપેન્દ્રભાઇ મતદાન કરશે. કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અને મુખ્યમંત્રી સામે લડી રહેલાં કોંગ્રેસના મહિલા સાંસદ અમીબહેન યાજ્ઞિક પણ મતદાન કરશે.

હવે આજના મતદાનના કેટલાક રસપ્રદ આંકડા જાણીએ. 93 બેઠક પર કુલ 833 ઉમેદવારો ઊભા છે. આજે જ્યાં મતદાન થવાનું છે એવો બાપુનગર વિસ્તાર બે રીતે ચર્ચામાં રહેશે. આ તબક્કામાં સૌથી વધુ 29 ઉમેદવાર બાપુનગર વિધાનસભામાં છે અને સૌથી ઓછા મતદારો પણ બાપુનગમાં 2 લાખ 7 હજાર 461 મતદારો જ છે એટલે મતના ભાગલા પડવાની સૌથી વધુ શક્યતા અહી છે. સૌથી ઓછા 3 ઉમેદવારો ઇડરમાં મેદાનમાં છે. અહીંનું પરિણામ ફટાફટ આવશે.

સૌથી વધુ મતદારો ધરાવતી વિધાનસભા બેઠક કઇ છે? ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની. ગયા વખતે તેઓ સૌથી વધુ માર્જિનથી જીત્યા હતા. તેમની ઘાટલોડિયા વિધાનસભામાં 4 લાખ 28 હજાર 542 મતદારો છે.

છેલ્લે એક સૌથી રસપ્રદ વાત. ગયા વખતે 5.5 લાખ લોકોએ નોટામાં વોટ આપ્યા હતા. નોટા ગયા વખતે સૌથી વધુ મત મેળવનારી ત્રીજા નંબરની પાર્ટી હતી. 29 સીટ એવી હતી જ્યાં જીતના માર્જિન કરતાં નોટાના વોટ વધુ હતા.

આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો માટે વાંચો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત.

આવતીકાલે ફરી મળીએ...

ધન્યવાદ