ભાસ્કર એક્સપ્લેનરએક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય?:સરવે એજન્સી હાર-જીતના આંકડા ક્યાંથી લાવે છે? 5 મુદ્દામાં સમજો સચોટ વિશ્લેષણના દાવા પાછળનું ગણિત

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ બે તબક્કાનું મતદાન થયું. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી ઓછી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં સત્તાવાર પરિણામો તો 8 ડિસેમ્બરે આવશે, પરંતુ ઘણી બધી સરવે એજન્સીના એક્ઝિટ પોલમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થતા હશે કે એક્ઝિટ પોલના આંકડા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?, ચૂંટણી સમયે ચર્ચાતા શબ્દો ઓપિનિયન પોલ, પ્રી- પોલ, પોસ્ટ પોલ શું હોય છે? અને વિવિધ પ્રકારના આવા સરવે કરવા પાછળનું ગણિત શું હોય છે?, તો આ રહ્યા તમામ સવાલોના જવાબ.

એક્ઝિટ પોલ એટલે શું?

ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, સૌથી વધુ ચર્ચાતો શબ્દ એક્ઝિટ પોલ છે. એક્ઝિટ પોલ એટલે જે દિવસે મતદાન ચાલતું હોય ત્યારે વિવિધ સરવે એજન્સીના લોકો મતદાન કેન્દ્રની બહાર ઊભા રહે છે. જે પણ મતદાર મતદાન કર્યા બાદ પરત ફરે તો તેને કેટલાક સવાલો પૂછવામાં આવે છે, જેમ કે તમે કોને મત આપ્યો?, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપ્યો?, પરિવારમાં કુલ કેટલા મતદારો છે?, કોઈ ઉમેદવાર કયા કારણસર ન ગમ્યો? વગેરે. મતદારોને પૂછેલા આવા તમામ સવાલોના જવાબોનું આંકડારૂપે વિશ્લેષણ એટલે એક્ઝિટ પોલ.

એક્ઝિલ પોલમાં સેમ્પલની ભૂમિકા
એક્ઝિટ પોલમાં સૌથી મહત્ત્વની ભૂમિકા એમાં લેવાતા સેમ્પલની હોય છે. સેમ્પલ એટલે કેટલા લોકોને સરવે એજન્સી દ્વારા સવાલો પૂછવામાં આવ્યા. સેમ્પલની સંખ્યા જેટલી વધારે, એક્ઝિટ પોલ એટલું જ સચોટ હોય એમ માનવામાં આવે છે. વિવિધ સરવે એજન્સીઓ ફોન કે મેસેજના માધ્યમથી પણ એક્ઝિટ પોલ માટે સરવે કરતી હોય છે. એક્ઝિટ પોલ જ્યારે પ્રકાશિત થાય એ સમયે કેટલા સેમ્પલના આધારે એક્ઝિટ પોલ તૈયાર થયું એ જણાવવું પણ જરૂરી હોય છે. સરવે એજન્સી વિવિધ મત વિસ્તારમાંથી ઓછાં-વધતા સેમ્પલ લે તો એની અસર સરવેનાં કુલ પરિણામ પર પણ પડી શકે છે. આ જ કારણ છે, જેને કારણે એક્ઝિટ પોલ પર સંપૂર્ણ ભરોસો ઘણા લોકો રાખતા નથી.

2. પ્રી-પોલ

આ સર્વે ચૂંટણી જાહેર થાય ત્યારથી મતદાનના એક દિવસ પહેલાંના સમયગાળામાં થાય છે, જેમ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 3 નવેમ્બરે જાહેર થઈ હતી અને પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થયું હતું. આ બન્ને તારીખો વચ્ચે ગુજરાતના અલગ-અલગ મતવિસ્તારમાં મતદારો પર થયેલા સરવેને પ્રી-પોલ કહેવાય છે.

3. પોસ્ટ પોલ

આ સર્વે મતદાન પૂર્ણ થયા બાદ થાય છે, એટલે કે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે પૂર્ણ થયું. ત્યાર બાદ વિવિધ વિસ્તારના લોકોનો અભિપ્રાય લેવામાં આવે. આ પ્રકારના સરવેમાં લોકોને થોડાક ઊંડાણપૂર્વક સવાલો કરવામાં આવતા હોય છે, કારણ કે પોસ્ટ પોલ સરવે કરવાનો મુખ્ય ઉદ્દેશ કઈ બેઠક પર હાર-જીત થશે એ જાણવાનો નથી હોતો, પરંતુ લોકોએ કયા મુદ્દા કે વાયદાના આધારે, કોને મત આપ્યો એ વિશે જાણકારી એકત્રિત કરાય છે. પ્રી-પોલ અને પોસ્ટ પોલને સામાન્ય રીતે ઓપિનિયન પોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એક્ઝિટ પોલની ગાઇડલાઇન્સ

કેન્દ્રીય ચૂંટણીપંચે એક્ઝિટ પોલ અંગે પહેલીવાર વર્ષ 1998માં ગાઇડલાઇન્સ નક્કી કરી હતી. ચૂંટણીપંચે કલમ 324 હેઠળ, 14 ફેબ્રુઆરી 1998ના રોજ સાંજે 5 વાગ્યાથી 7 માર્ચ 1998ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટેલિવિઝન તેમજ સમાચારપત્રોમાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલનાં પરિણામો જાહેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 1998ની લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન 16 ફેબ્રુઆરીએ અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે હતું, એટલે આ સમયગાળામાં જો અગાઉના તબક્કાના એક્ઝિટ પોલના આંકડા રજૂ થાય તો બાકીના મતવિસ્તારના મતદારો એનાથી પ્રભાવિત થઈ શકતા હતા. ત્યારથી લઈને આજસુધી ચૂંટણીપંચ સમયાંતરે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંબંધિત ગાઈડલાઈન્સ બહાર પાડે છે.

રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 મુજબ, જ્યાં સુધી તમામ તબક્કાનું મતદાન ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી ન શકાય. છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયાના અડધા કલાક બાદ જ એક્ઝિટ પોલના આંકડા મીડિયામાં જાહેર થઈ શકે છે. કોઈ આ નિયમનો ભંગ કરે તો બે વર્ષની કેદ કે દંડ અથવા બન્ને થઈ શકે છે.

એક્ઝિટ પોલનો ભારતમાં ઈતિહાસ

આપણા દેશમાં ચૂંટણી સરવે અને એક્ઝિટ પોલની શરૂઆત વર્ષ 1980ના દાયકામાં થઈ હતી. ત્યારે આવા સરવે મેગેઝિનમાં પ્રકાશિત થતા હતા. વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર દૂરદર્શન પર એક્ઝિટ પોલ બતાવવામાં આવ્યા, આ સરવેના આંકડા સાચા પડ્યા હતા, જેને કારણે એક્ઝિટ પોલ અંગે લોકોની ઉત્સુકતા વધવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...