નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્લીમાં મંથન
ગુજરાતમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને સાથે તેમના નવા મંત્રીઓ પણ શપથગ્રહણ તેમની સાથે જ લેશે. આ બધાની વચ્ચે ગુજરાતમાં નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્હીમાં મંથન થયું. જ્યાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના અગ્રણીઓની હાજરીમાં બેઠક ચાલી જેમાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા.
ભૂપેન્દ્ર પટેલનું શપથ પહેલાં મોટું નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે અગાઉ જ યુનિફોર્મ સિવિલ કોડની અમલવારી માટે નિર્ણય લેવાયો હતો. તારીખ 29 ઓક્ટોબરના રોજ રાજ્ય મંત્રી મંડળના સભ્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય પણ લેવાયો હતો. જોકે, બાદમાં આચારસંહિતા લાગુ થતાં તમામ કાર્યવાહીના અમલીકરણની રૂપરેખા અટકી પડી હતી. ગુજરાતમાં ભાજપની હવે નવી સરકાર રચાશે અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ પણ ગ્રહણ કરશે. જોકે, શપથ ગ્રહણ કરે તે અગાઉ જ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટું નિવેદન આપ્યું હતું. કમલમ્ ખાતે મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,' કોમન સિવિલ કોડ અંગે કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો અહેવાલ આવ્યા બાદ અમલીકરણ અંગે કાર્યવાહી કરાશે.' ઉલ્લેખનીય છે કે, કોમન સિવિલ કોડનો અમલ કરવાના અધિકારના ભાગરૂપે રાજ્યમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચાઈ છે. આ કમિટી તમામ પાસાનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે.
કોંગ્રેસનું વિપક્ષનેતાના નામ પર મનોમંથન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ પક્ષમાં સોપો પડી જવા પામ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભામાં હાર બાદ વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂક કરવી તે માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સંસદ જેવો નિયમ ગુજરાત વિધાનસભામાં ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રાજ્યસભા કે લોકસભા જેવો ગુજરાત વિધાનસભામાં નિયમ નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે લીગલ ટીમની સલાહ લેવાનું શરૂ કરાયું છે. જેમાં શૈલેષ પરમાર, ડૉ.તુષાર ચૌધરી અને જિજ્ઞેશ મેવાણીનું નામ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ જિજ્ઞેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવવાના મૂડમાં છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી દીધી છે. ત્યારે કોંગ્રેસમાં હવે વિપક્ષના નેતાનાં નામ પર વિચારણા ચાલી રહી છે.
શપથવિધિ પહેલાં PMનો વધુ એક રોડ-શૉ
ગુજરાતમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે અને સાથે તેમના નવા મંત્રીઓ પણ શપથગ્રહણ તેમની સાથે જ લેશે. તો 12 ડિસેમ્બરે મુખ્યમંત્રીના શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેવાના છે ત્યારે વડાપ્રધાન શપથવિધિમાં ભાગ લે તે પહેલાં એરપોર્ટથી શપથવિધિના સ્થળ સુધી રોડ શૉ કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
કાંધલ જાડેજા આવ્યા પ્રજાની વહારે
કુતિયાણાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાદર-2 ડેમમાંથી સ્વખર્ચે સિંચાઈ માટે પાણી છોડાવ્યું. કાંધલ જાડેજાએ કુલ ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ધોરાજી ભાદર 2 સિંચાઈ વિભાગની કચેરીએ ભરી કુતિયાણા અને ઘેડ પંથકના ખેડૂતો માટે પાણી છોડાવ્યું. જેનો લાભ 100 ગામના ખેડૂતોને થશે. જેથી કુતિયાણા અને ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.